કાળું નાણું નાથવા સરકારનો સ્તુત્ય પ્રયાસ

Wednesday 25th March 2015 06:08 EDT
 

ભારતમાં વર્ષોથી વિદેશી બેન્કોમાં જમા કાળાં નાણાંનો મુદ્દો ગાજતો રહ્યો છે. દરેક ચૂંટણીમાં આ મુદ્દો ચર્ચાતો રહ્યો છે, પરંતુ પરિણામો જાહેર થયા બાદ તમામ રાજકીય પક્ષો રાત ગઇ સો બાત ગઇના ન્યાયે વાત વિસારે પાડી દેતા હતા. લોકસભાની છેલ્લી ચૂંટણીમાં પણ આ વિષય બહુ ગાજ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તો આ મુદ્દાને ચર્ચાની ચરમસીમાએ પહોંચાડી દીધો હતો. કાળાં નાણાંને દેશમાં પરત લાવવાના મુદ્દે લોકોની અપેક્ષાઓ પણ ભારે વધી ગઇ હતી. પરંતુ સરકાર રચાયા બાદ વિદેશી બેન્કોમાં જમા કાળાં નાણાં પરત લાવવાના મુદ્દે જે સરકારી નિવેદનબાજી થઇ રહી હતી અને કાળાં નાણાંની માહિતી મેળવવામાં પુરોગામી યુપીએ સરકારની નીતિરીતિ સામે આંગળી ચીંધાઇ રહી હતી ત્યારે વાતનો વીંટો વાળી દેવાનો પ્રયાસ થઇ રહ્યાનું લાગતું હતું. જોકે હવે વિદેશી બેન્કોમાં કાળાં નાણાં ધરાવનારા માટે ‘બૂરે દિન’ આવી રહ્યા હોય તેવું લાગે છે.
મોદી સરકારે આ બાબતે કડક અને અસરકારક કાયદો લાવવા કાર્યવાહી હાથ ધરીને લોકોની અપેક્ષાઓને સાકાર કરવા નક્કર પહેલ કરી છે. પ્રધાનમંડળની મંજૂરી બાદ સરકારે બિનજાહેર વિદેશી આવક અને સંપત્તિ સંદર્ભે નવો ખરડો લોકસભામાં રજૂ પણ કરી દીધો છે. આ ખરડામાં એવી કડક જોગવાઇ છે કે વિદેશમાં બેન્ક એકાઉન્ટ ધરાવતી વ્યક્તિ કાયદાની ચુંગાલમાંથી છટકી શકશે નહીં. અત્યારે એવી જોગવાઇ છે કે આવું બેન્ક એકાઉન્ટ ધરાવતી વ્યક્તિ વિદેશમાં જમા રકમ જાહેર કરીને તેના પર વેરો અને દંડ ભરીને સજામાંથી સરળતાથી બચી જાય છે, પણ પ્રસ્તાવિત નવા કાયદામાં આવા લોકોને આકરી સજાની જોગવાઇ કરાઇ છે. ખરડા મુજબ વિદેશમાં રકમ જમા હોય તેવી વ્યક્તિને એક જ વખત તે જાહેર કરવાની છૂટ મળી શકશે અને આ છૂટછાટ પણ નિયત સમયમર્યાદામાં પૂરતી જ હશે. હવે દરેક ભારતીય નાગરિકે તેના વિદેશી બેન્ક એકાઉન્ટ કે સંપત્તિ અંગેની વિગતો સંબંધિત તંત્રને ફરજીયાતપણે આપવાની રહેશે. આમાં ચૂક થયે ભારે દંડ અને આકરી કેદની સજા થઇ શકે છે. ખરડાની જોગવાઇ મુજબ વિદેશમાં છુપાવાયેલી આવક કે સંપત્તિ પર ૩૦ ટકાના દરે કર અને ત્રણ ગણો દંડ થશે. આ ઉપરાંત જો કોઇ ભારતીય નાગરિક વિદેશી આવક કે સંપત્તિ ઉપર જાણીજોઇને કરચોરી કરતો હોવાનું સાબિત થશે તો તેને ત્રણથી દસ વર્ષ કેદ ભોગવવી પડશે. કોઇ ભારતીય નાગરિક તેના ઇન્કમટેક્સ રિટર્નમાં આ બાબત છુપાવતાં જણાશે તો તેને છ માસથી માંડીને સાત વર્ષ કેદની સજા ફટકારવાની જોગવાઇ આ ખરડામાં છે. એટલું જ નહીં, આવી આવક કે સંપત્તિ છુપાવવામાં મદદરૂપ થનાર બેન્ક કે નાણાં સંસ્થાઓ સામે પણ કાનૂની કાર્યવાહી થશે. ટૂંકમાં આ કાયદો ભારે આકરો હશે. આમ હવે મોદી સરકારે હવે ખરા અર્થમાં કાળાં નાણાંના દૂષણને નાથવા માટે કમર કસી હોય તેવું લાગે છે.


comments powered by Disqus