વડીલો સહિત સહુ વાચક મિત્રો, - આપ આ પાનમાં જોવા મળતી અભિનેત્રીને ઓળખો છો? બહુ ઓછા ભારતીય એવા હશે, જે સૌંદર્યવાન દિપીકા પદૂકોણના ચહેરાથી અપરિચિત હશે. કદાચ આપનામાંથી કોઇ તેને રૂબરૂ મળ્યું પણ હશે. અને આમનેસામને મળવાનો મેળ ન પડ્યો હોય તો પણ ફિલ્મના મોટા પરદે કે ટીવીના ટચુકડા પરદે તો આ અભિનેત્રીને અભિનયના કામણ પાથરતી અવશ્ય નિહાળી જ હશે. ગોરો વાન ને નમણી નાગરવેલ જેવી દેહયષ્ટિ. અભિનયમાં ભલભલા હીરોને ટક્કર આપે તેવી. કારકિર્દીની પહેલી હિન્દી ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’થી માંડીને છેલ્લી રિલીઝ થયેલી ‘હેપ્પી ન્યૂ યર’ એમ ૨૫ જેટલી ડ્રામા, રોમેન્ટિક, કોમેડી, એકશન ફિલ્મોમાં તે શાહરુખ ખાનથી માંડીને અમિતાભ બચ્ચન, રજનીકાંત, અક્ષય કુમાર, સૈફ અલી ખાન, ફરહાન અખ્તર, અભિષેક બચ્ચન, રણબીર કપૂર, રણવીર સિંહ વગેરે તારલાઓ સાથે તે કામ કરી ચૂકી છે. અને ત્રણ ફિલ્મો ફ્લોર પર છે. સાચું કહું તો મેં દિપીકાની એકેય મૂવી જોઇ નથી, પણ ક્યાંકને ક્યાંક તેના વિશે વાંચ્યું છે જરૂર. હિન્દી ફિલ્મના રસિયાઓ તેનું કામ વખાણે છે. બોલીવૂડની ટોપ-ફાઇવ હિરોઇનની યાદી તૈયાર કરો તો તમારે તેમાં દિપીકાનું નામ ઉમેરવું જ પડે.
પણ જો હું એમ કહું કે આવી ચુલબુલી અભિનેત્રી ડિપ્રેશનની બીમારીનો ભોગ બની હતી તો?! હું જાણું છું કે મોટા ભાગના વાચકો મનમાં ગણગણશે - આ સી.બી. પણ શું ઠોકંઠોક કરે છે... આટલી સફળ કારકિર્દી ધરાવતી અભિનેત્રીને તે વળી શું ચિંતા હોય? સી.બી.ની કંઇક સમજફેર થઇ હોય તેવું લાગે છે. વગેરે વગેરે...
વાચક મિત્રો, હું જાણું છું કે માત્ર તમારા જ નહીં, કોઇના પણ મનમાં આવા પ્રતિભાવો ઉઠવા સ્વાભાવિક છે. દિપીકા પદૂકોણને તે વળી શું ઉપાધિ, ચિંતા કે મુશ્કેલી હોય શકે? પરંતુ જો હું એમ કહું કે... સફળતમ કારકિર્દી ધરાવતી અભિનેત્રીએ ખુદ જાહેરમાં આ વાત કબૂલી છે તો..? હવે તો માનશોને, બાપલ્યા?
હા, પોતે ડિપ્રેશનની બીમારીનો ભોગ બન્યાની વાત આ ચુલબુલી અભિનેત્રીએ જાતે કબૂલી છે - અને તે પણ જાહેરમાં. આવી બીમારીથી પીડાતા લોકો પ્રત્યે સદભાવના વ્યક્ત કરવા માટે દિપીકાએ આવી હિંમતપૂર્વકની કબૂલાત કરી છે. તેનું માનવું છે કે પોતાની આવી જાહેર કબૂલાત અન્યોને પણ પોતાની બીમારી વિશે જાહેરમાં આવવા અને સારવાર મેળવા પ્રેરણાદાયી બનશે... ‘આજના યુગમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહેલી આ બીમારી પ્રત્યે લોકોમાં જાગૃતિ વધશે. જેમ હું આ બીમારી સામે લડીને તેમાંથી બહાર નીકળી તેમ બીજા લોકો પણ તેનો સામનો કરે, આમાંથી બહાર નીકળે તેમ હું ઇચ્છું છું.’
દિપીકાનું આ વલણ, હિંમત જોઇને મને હોલિવૂડની ટોચની હીરોઇન એન્જેલિના જોલીનો એક કિસ્સો યાદ આવે છે. થોડાક મહિના પહેલાંની જ વાત છે. જેના અભિનય, સૌંદર્યના ચાહકો વિશ્વભરમાં વસે છે તેવી આ અભિનેત્રીને બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું. આંખોને ચકાચૌંધ કરી દેતી ગ્લેમરની આ દુનિયામાં ગુણ કરતાં સૌંદર્યનું પલડું હંમેશા નમતું હોય છે, પણ એન્જેલિનાએ સર્જરી કરાવીને સ્તનયુગ્મ જ કઢાવી નાંખ્યા. વાત અહીં પૂરી નથી થતી. કરોડોમાં કમાતી આ અભિનેત્રી માટે કોસ્મેટિક સર્જરી ચણા-મમરા ફાકવા જેવી સામાન્ય બાબત ગણાય. તેણે ધાર્યું હોત તો થોડોક સમય ફિલ્મી દુનિયાથી ઓઝલ થઇ જઇને આવી સર્જરી કરાવીને પાછી અભિનયના કામે લાગી ગઇ હોત ને કોઇને જાણ પણ ન થઇ હોત. પણ ના. તેણે સરાજાહેર પોતાની બીમારીની વાત કરી, અને સર્જરીની પણ વાત કરી. વાત જાહેર કરવાનો તેનો ઉદ્દેશ ઉમદા હતો, ફિલ્મી સનસનાટી ફેલાવવાનો નહીં. તેનું કહેવું હતું કે ‘દુનિયાભરમાં બ્રેસ્ટ કેન્સરનો રાક્ષસ માથું ઊંચકી રહ્યો છે. સ્ત્રીઓમાં આ રોગ પ્રત્યે જાગૃતિ આવે, આ રોગનો ભોગ બનેલી સ્ત્રીઓ શરમ-સંકોચ ન અનુભવે, અને જુસ્સાભેર આ બીમારી સામે લડે તે માટે જાહેરમાં મારી શારીરિક તકલીફની આ વાત કબૂલી રહી છું.’
એન્જેલિના હોય કે દિપીકા, મુસીબત સામે લડવાની આ સ્ત્રીસહજ શક્તિ જ તેમને પુરુષો કરતાં એક ડગલું આગળ રાખતી હોય છે. તમે જ જૂઓ, દિપીકા ફિલ્મી પરદે કેવી સ્વસ્થ, ઉત્સાહિત, ચુલબુલી, આત્મવિશ્વાસથી છલકતી દેખાય છે, પણ તે અંદરથી ખાલીપો અનુભવી હતી એ તો તેણે આપણને કહ્યું ત્યારે ખબર પડીને? માંહ્યલો પડી ભાંગ્યો હોય ત્યારે બહારથી બધું ઠીકઠાક હોવાનો દેખાવ કરવાનું બહુ કઠિન બનતું હોય છે તે દિપીકાની વાત પરથી સમજાય છે. દિપીકા કહે છે કે તે દિવસોમાં એવું જ લાગતું કે... જાણે જિંદગી ઠપ્પ થઇ ગઇ છે.... શું કરવું તે સમજાય નહીં... કોને વાત કરવી તેની પણ અવઢવ... દિપીકા કહે છે કે ચોમેરથી મૂંઝવણો એવો ઘેરો ઘાલતી કે મને બહુ રડવાનું મન થતું હતું.
ટિકિટબારી પર ટંકશાળ પાડતી સુપરહીટ ફિલ્મો આપનારી, બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ જીતી ચૂકેલી ૨૯ વર્ષની અભિનેત્રીની આ કબૂલાત ઘણું કહી જાય છે. આ બધી સફળતાને કોરાણે મૂકીને દિપીકાએ મનમાં અનુભવેલી ભરતી-ઓટની વાત જાહેર કરવાની જે હિંમત દાખવી છે તેના માટે આપણે સહુએ તેને સલામ કરવી જોઇએ. અભિનંદન આપવા જોઇએ. આપણે બધા આમાંથી ઓછાવત્તે અંશે કંઇક પામી શકીએ તેમ છીએ.
આધુનિક યુગમાં અત્ર-તત્ર-સર્વત્ર ભૌતિક સુખસગવડના અઢળક સાધનો ઉપલબ્ધ છે. કહી શકાય કે સમગ્રપણે માનવજાત સારા દિવસો માણી રહી છે, પણ ડિપ્રેશન એક એવી માનસિક બીમારી છે, જેને તમે માપી શક્તા નથી. તાવ આવ્યો હોય તો તમે થર્મોમીટરની મદદથી શરીરનું ટેમ્પરેચર જાણી શકો. લોહીનું દબાણ વધારે છે કે ઓછું એ તમે બ્લડપ્રેશર માપવાના યંત્રથી જાણી શકો. ડાયાબિટીસ હોય તો તમે મશીનથી સુગરલેવલ ચેક કરી શકો... પરંતુ મનની સ્થિતિનો તાગ પામવો અઘરો છે. માનસિક બીમારી, અસુખ એ મીઠી પેશાબ કરતાં વધુ ગુપ્ત દર્દ છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)ના આંકડાઓ પર નજર ફેરવશો તો તમને આ સમજાઇ જશે. ડિપ્રેશનથી પીડાતા દર્દીઓની સંખ્યામાં ભારત સૌથી મોખરે છે. ૧૫થી ૨૯ વર્ષના વયજૂથને આવરી લેતા અભ્યાસના તારણ અનુસાર ભારતમાં દર એક લાખ વ્યક્તિમાંથી ૩૫.૫ વ્યક્તિએ ડિપ્રેશનની બીમારીના કારણે આત્મહત્યા કરી હતી. ભારતીય ટીનેજરથી માંડીને યુવા પેઢી શિક્ષણ, રોજગારી, પરિવાર, આર્થિક ચિંતા, મૈત્રી, પ્રેમ, ધિક્કાર, ઉપેક્ષા જેવા એક યા બીજા કારણસર ડિપ્રેશનની ચુંગાલમાં સપડાયેલી જોવા મળે છે. સારો અભ્યાસ કર્યો છે તો નોકરી નથી મળતી ને સારી નોકરી મળી છે તો મનગમતી છોકરી કે છોકરો નથી મળતા અને સારો જીવનસાથી મળ્યો છે તો સંબંધમાં ઉષ્માનો અભાવ વર્તાય છે અને સંબંધમાં ઉષ્મા છે તો આર્થિક પળોજણ મૂંઝવી રહી છે... આ અને આવા કારણોનો અંત જ દેખાતો નથી. જેટલા માથા છે એટલા કારણો છે. જાણે અફાટ રણમાં ઝાંઝવાના જળ જોઇ લો.
દરેકના ડિપ્રેશન માટે જુદું જુદું કારણ જોવા મળે છે. તુંડે તુંડે મર્તિભિન્ના જેવી જ આ વાત છે, જેમ બે વ્યક્તિના વિચારોમાં ભાગ્યે જ સમાનતા જોવા મળે તેમ ડિપ્રેશનના કારણોમાં પણ ભિન્નતા જોવા મળે. વય, શિક્ષણ, નોકરી-ધંધો, પારિવારિક બેકગ્રાઉન્ડ, આર્થિક સદ્ધરતા જેવા અનેક કારણો સમસ્યાના મૂળમાં જોવા મળતા હોય છે. આર્થિક તવંગર દેશોની યાદીમાં અમેરિકા અચૂક સ્થાન મેળવે, પણ આ દેશમાં ય ડિપ્રેશનનો ભોગ બનેલાનો આંકડો ચોંકાવનારો છે. અહીં દર એક લાખ વ્યક્તિએ ૧૩ વ્યક્તિ ડિપ્રેશનથી હેરાન-પરેશાન થઈ આત્મહત્યા કરે છે. આપણા બ્રિટનની જ વાત કરોને... અહીં આ પ્રમાણ ૫.૯ વ્યક્તિનું છે.
કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે માનસિક હતાશા માટે ભૌતિક કે બાહ્ય કારણ કરતાં આંતરિક કે માનસિક કારણ વધુ જવાબદાર હોય છે. પરિવાર હોય, સમાજ, જ્ઞાતિ સંસ્થા કે સામાજિક સંગઠન હોય કે પછી દેશ હોય, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉદભવતી સમસ્યાઓ ઉકેલવાના બદલે તેની સામેથી મોં ફેરવી લે છે ત્યારે વ્યક્તિના મન-સમંદરમાં ભરતી-ઓટની લહેરો ઉઠવાની જ. તોફાની દરિયામાં ઉઠતા વિરાટ મોજાં જેમ કિનારાના વિસ્તારોમાં માથાં પછાડીને વિનાશ વેરે છે તેમ મનમાં ઉઠતાં હતાશાના, નિરાશાના મોજાં વ્યક્તિનાં જીવનમાં સુખશાંતિને તહસનહસ, ખેદાનમેદાન કરતાં રહે છે.
હું અગાઉ આ લેખમાળામાં લખી ચૂક્યો છું તેની જ પુનરુક્તિ કરું તો, સાઇકિયાટ્રિસ્ટ્સ, સાઇકોલોજિસ્ટ્સ, મનોચિકિત્સકો કહે છે કે વ્યક્તિના મનોજગતમાં સાચા, ખોટા કે કહેવાતા કારણોસર ઉઠતા વિચારોના મોજાંને નાથવાનું વિકટ છે. તમને બે દૃષ્ટાંતો સાથે આ વાત જરા વિગતવાર સમજાવું.
એક સમયે અમેરિકાના પ્રમુખ પદે બિરાજનાર જ્યોર્જ બુશના જીવનની આ વાત છે. ઝિમ્બાબ્વે જેવા ૭૨ ટકાનો ગરીબી દર ધરાવતા દેશના પ્રમુખ રોબર્ટ મુગાબે પણ જાહોજલાલી ભોગવતા હોય (તાજેતરમાં તેમણે પોતાના ૯૧મા જન્મદિને ૨૫ હજાર લોકોને મિજબાની આપીને દસેક કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો હતો) તો અમેરિકા જેવા સમૃદ્ધ દેશના શાસક જ્યોર્જ બુશ તો કેવી જાહોજલાલીમાં જીવતા હશે?! પ્રમુખ બુશને પણ કોઇ વાતે અભાવ નહોતો.
સર્વોચ્ચ સત્તાસ્થાન, રૂપવંતી-ગુણવંતી જીવનસાથી, સમજદાર સંતાનો, ભવ્યાતિભવ્ય મહાલયમાં નિવાસ, વિશ્વના અનેક દેશો કુરનિશ બજાવતા હોય અને એક નાનકડો નિર્ણય લેવાનો હોય તો પણ સલાહ-મસલત માટે વિશ્વના શ્રેષ્ઠ સલાહકારો હાજર હોય... છતાં જ્યોર્જભાઇને સતત તનાવ, સ્ટ્રેસ સતાવે. સમય વીત્યે દારૂની લતે ગળામાં ટાંટિયા ભરાવ્યા. દારૂ, વાઇન, વ્હીસ્કી માનવશરીર માટે ભલે કેટલાકના મતે સારા ગણાતા હોય, પણ પ્રમાણભાન જળવાય તો જ. તેનું વધુ પ્રમાણ શરીરની હોજરી, લીવર, કિડનીમાં અને જીવનના સુખશાંતિમાં બાંકોરાં પાડી દે. પ્રમુખ આલ્કોહોલ ડિપેન્ડન્ટ થઇ ગયા. આવા લોકો બે-ચાર પેગ ઠઠાડે નહીં ત્યાં સુધી મગજના દરવાજા ખૂલતાં નથી હોતાં. જોકે તેઓ સમય વર્ત્યે સાબદા થઇ ગયા અને યોગ્ય કાઉન્સેલિંગ થકી લતમાંથી છુટ્યા.
બાય ધ વે, આપણા બ્રિટનમાં પણ આવી આલ્કોહોલ એનોનિમસ નામની એક સંસ્થા દારૂના બંધાણીઓને વ્યસનમાંથી મુક્તિ અપાવવાનું કામ કરે છે. વિશ્વસ્તરે કામ કરતી આ સંસ્થાના કાઉન્સેલર્સ વ્યસનમાંથી મુક્તિ ઝંખતા દારૂના બંધાણીને મળે છે, તેની શારીરિક-માનસિક સ્થિતિનો અભ્યાસ કરીને તેને બંધાણમાંથી છુટકારો અપાવવાના ઉપાયો સૂચવે એટલું જ નહીં, જરૂર પડ્યે વ્યક્તિને મેડિકલ ટ્રીટમેન્ટ પણ આપે. તેઓ વ્યક્તિને બંધાણમાંથી શક્ય તેટલી વહેલી મુક્તિ મળે તે માટે બનતા પ્રયાસ કરે છે.
યુએસ પ્રેસિડેન્ટ જ્યોર્જ બુશના ઉદાહરણ દ્વારા હું એ જણાવવા માગું છું કે અમુક હાંસલ થાય કે તમુક હાંસલ ન થાય એટલે જ ડિપ્રેશન આવે છે એવું નથી. સફળતાના શિખરે પહોંચનારી વ્યક્તિ પણ અકારણ-સકારણ શૂન્યતાની ખાઇમાં જઇ પડતી હોય છે. ક્યાં જવું? કઇ દિશામાં જવું? કેવી રીતે જવું? તેવા પ્રશ્નોના જાળામાં અટવાઇને મનુષ્ય જિંદગીની નાવને ખોરંભે ચઢાવી દે છે.
હવે એક બીજું ઉદાહરણ આપણા બ્રિટનનું, આપણા ગુજરાતી પરિવારનું જ આપું. અહીં રજૂ કરેલા સમગ્ર ઘટનાક્રમનો હું સાક્ષી છું. ૧૯૬૬માં એક ગુજરાતી ભાઇ બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેમનો પગાર વર્ષના ૩૫૦ પાઉન્ડ. વત્તા ઓવરટાઇમ મળે તે. ખાધેપીધે સરસ મજાનું જીવન જીવતા હતા. સુખી પરિવાર હતો. આ દરમિયાન તેમણે ફુટબોલ પુલ્સ ટિકિટ લીધી અને નસીબના બળિયા (કે ઠળિયા) જેવા ભાઇ ૨.૫ લાખ પાઉન્ડ જીત્યા. (તે જમાનામાં!) જો તેમણે આ રકમ વ્યવસ્થિત આયોજન કરીને બેન્કમાં મૂકી હોત તો વર્ષેદહાડે ૬થી ૭ ટકા વ્યાજ મળે, મળે ને મળે જ. આમ તેમને વર્ષે ૧૫ હજાર પાઉન્ડ મળતા થયા. મહિને લગભગ ૧૨૫૦ પાઉન્ડ. અને અઠવાડિયે આશરે ૩૦૦ પાઉન્ડ. જે વ્યક્તિને અઠવાડિયે ૬થી ૮ પાઉન્ડ મળતા હતા. તેને પ્રતિ સપ્તાહ ૩૦૦ પાઉન્ડ મળે તો તે અધધધ કહેવાય કે ન કહેવાય?
...પણ ઢગલાબંધ પાઉન્ડે આ સીધાસાદા ભાઇના જીવનમાં અશાંતિની આંધી ઉભી કરી. જે વ્યક્તિ એક સમયે પોતાની એક રોટલી કે ભાખરીમાંથી અડધી સામેવાળી વ્યક્તિને વહેંચીને ખાતી હતી તેમની આવક વધી, પણ જીવ ટૂંકો થયો. નાણાંની રેલમછેલ જોઇને, જરૂરિયાત મિત્રો-સ્વજનો મદદ માટે આવતા થયા તો કચવાટ વધતો ગયો. પાઇ-પૈસાનું દાન કરવાનું તો ઠીક, મહેમાન આવે તો પણ મોં મચકોડે. મનમાં એમ જ કે આ આવ્યા છે તો હમણાં મદદ માટે હાથ લંબાવશે.
બ્રિટનમાં વસતાં ઘણા લોકો એ પરંપરાથી વાકેફ હશે કે જ્યારે અહીં કોઇને મોટી રકમની લોટરી કે જેકપોટ લાગે છે ત્યારે સ્થાનિક પેરિસ ચર્ચના અગ્રણીઓ તેમને મળવા જતા હોય છે. અને ધર્મકાર્ય, સત્કાર્ય માટે યથાયોગ્ય આર્થિક મદદ આપવા અનુરોધ કરતા હોય છે. લોટરી કે જેકપોટ વિજેતા પણ કદી તેમને નિરાશ કરતો નથી. પોતાને મળેલા પુરસ્કારમાંથી રાજીખુશીથી એકથી માંડીને પાંચ ટકા જેટલી રકમ સત્કાર્યો માટે આપતા હોય છે. પરંતુ આપણા ગુજરાતી ભાઇ સાવ નામક્કર ગયા. ચર્ચના અગ્રણીઓને મોં પર જ ચોપડાવી દીધું કે તેઓ કાણી પેની પણ આ રીતે આપવા માગતા નથી. ખેર, ચર્ચના અગ્રણીઓ તો પાછા જતા રહ્યા પણ સમય વીત્યે આ ભાઇના ‘વાણી-વર્તન’ની સ્થાનિક અખબારોમાં પણ નોંધ લેવાઇ હતી.
સમયના વહેવા સાથે આ ભાઇ અને તેમનો પરિવાર - પત્ની, બે પુત્રી અને એક પુત્ર જાણે ગુપ્તવાસમાં વસતાં હોય તેવું જીવન જીવવા લાગ્યા. સમાજમાં ક્યાંય આવવા-જવાનું નહીં, કોઇને હળવા-મળવાનું નહીં. (ક્યાંક કોઇક મદદ માગશે તો?!) ઘરમાં રહેવું, ખાવું-પીવું ને ટીવી જોવું. સંતાનો આશાસ્પદ ભાવિ ધરાવતા હતા, પણ કમનસીબે માર્ગ ભટકી ગયા. આ ત્રણેય સંતાનો ૭થી ૧૩ વર્ષના હતા ત્યારે તેમને મેં જોયેલા છે. તેમના ઘરે ગયેલો છું. ત્યાં અગાઉ જે આનંદ-ઉમંગ-ઉત્સાહનો માહોલ જોવા મળતો હતો તે નાણાંની રેલમછેલ થતાં ઉડી ગયો હતો.
વાસ્તવિક જીવનના આ બન્ને ઉદાહરણો બે અંતિમો જેવા છે. એકમાં વિશ્વના સર્વોચ્ચ શક્તિશાળી શાસકની વાત છે, તો બીજામાં મારા, તમારા જેવા આમ આદમીના જીવનની વાત છે. બન્ને ઘટનાપ્રસંગો સ્થળ, દેશ, કાળ સંદર્ભે અલગ અલગ છે, પણ મૂળમાં એક જ વાત છે - નરી આંખે ન દેખાતું - ડિપ્રેશન.
કોઇ વાતનો ડર, ભીતિ, આશંકા માણસને જીવતેજીવ અડધો મારી નાખે છે. અહીં મને એક બહુ જ પ્રસિદ્ધ સુભાષિત યાદ આવે છેઃ
પ્રારભ્યતે ન ખલુ વિઘ્નભયેન નીચૈઃ
પ્રારભ્ય વિઘ્નવિહતાઃ વિરમન્તિ મધ્યાઃ ા
વિઘ્નૈઃ પુનઃ પુનરપિ પ્રતિહન્યમાનાઃ
પ્રારબ્ધમુત્તમજ્નાઃ ન પરિત્યજન્તિ ાા
આવા લોકોની કાર્યશૈલીથી અપરિચિત માણસને તો એમ જ લાગે કે વાહ, ભાઇ કેવું ઊંડાણપૂર્વક વિચારી વિચારીને ઝીણવટભર્યું આયોજન કરે છે! પણ સાચી વાત એ હોય છે કે ભાઇ ડરના માર્યા વિચારને અમલમાં મૂકવાની હિંમત જ કરતા નથી. તેમના મનમાં નિષ્ફળતાની આશંકાએ એવી જડ ઘાલી હોય છે કે તે કામ શરૂ કરવાની હિંમત જ કરી શક્તા નથી.
સંસ્કૃત સુભાષિતમાં આ જ વાત કરી છે. નીચ એટલે કે જેમના વિચારો નીચા છે, નબળા છે તેવા માણસો ડરના માર્યા કંઇ કાર્ય શરૂ કરતા નથી જ્યારે કેટલાક મધ્યમ (વિચારસરણી ધરાવતા) માણસો વચ્ચે વિઘ્ન આવે તો શરૂ કરેલું કાર્ય અધૂરું છોડી દે છે, પણ જેઓ શ્રેષ્ઠ છે - વિચારોમાં, તેના અમલમાં દૃઢ ઇચ્છાશક્તિ ધરાવે છે - તેઓ ગમેતેવા વિઘ્નો છતાં હાથ ધરેલું કાર્ય અધવચ્ચે છોડી દેતાં નથી. અને આવા માણસો જ સફળતાના શિખરે બિરાજતા હોય છે.
મિત્રો, વાત દિપીકા પદૂકોણથી શરૂ કરી અને મારી-તમારી-આપણી વાત કરી. કેટલાક નામનો ઉલ્લેખ કર્યો, અને અમુકનો ઉલ્લેખ ટાળ્યો. પણ વાતનો સૂર એક જ છે - હૈયે હામ હશે ને મનોબળ દૃઢ હશે તો મેરુ જેવી મુશ્કેલી પણ પાર કરવી મુશ્કેલ નથી.
વાચક મિત્રો, તમે જ કહો કોના જીવનમાં મુશ્કેલી નથી હોતી? એક વ્યક્તિ તો એવી શોધી બતાવો કે જેને જિંદગીમાં ક્યારેય ચિંતાનો, ડરનો, આશંકાનો એરુ આભડ્યો ન હોય. મુશ્કેલી તો દરેકના જીવનમાં હોય જ છે, મહત્ત્વ છે તેનો સામનો તમે કઇ રીતે કરો છો તેનું. મારી પાસે તો દરેક મુશ્કેલીનું એક જ ઓસડ છે - ઇશ્વરણસ્મરણ. મને તો મારા ઇષ્ટદેવતામાં અખૂટ શ્રદ્ધા છે. ગમે તેવી વિપદા હોય તેમનું સ્મરણ કર્યું નથી કે કટોકટી પૂંછડી દબાવીને નાઠી નથી.
મિત્રો, હંમેશા યાદ રાખો કે મુશ્કેલીને તમે કઇ રીતે પડકારો છો તેના પર જ બધી વાતનો મદાર છે. જો સબળા બનશો તો તમે મુશ્કેલીના તોફાની ઘોડાને નાથી શકશો અને જો તમે નબળા પડ્યા તો તે તમારા પર સવાર થઇ જશે. મને લાગે છે કે કલમને વિરામ આપતાં પહેલાં મારે ગાંધીબાપુનું એક બહુ જ પ્રેરણાદાયી વાક્ય ટાંકવું જ રહ્યુંઃ Strength does not come from physical capacity. It comes from an indomitable will. શક્તિ કંઇ શારીરિક ક્ષમતા થકી નથી આવતી, એ તો મજબૂત મનોબળ થકી જ હાંસલ થઇ શકે. અસ્તુ. (ક્રમશઃ)
કંઇક આવી જ વાત કરતું અંગ્રેજીમાં એક વાક્ય છેઃ Cowards die many times before their death. ડરપોક માણસો મૃત્યુ પહેલાં જ મરી ગયેલા જેવા થઇ જાય છે. આપણી ભાષામાં કહીએ તો મૃત્યુથી ડરનારા અધમૂઆ જેવા જ છે. મેં જિંદગીમાં એવા પણ માણસો જોયા છે જેઓ કોઇ કામ શરૂ કરતાં પહેલાં ઘણું બધું વિચારતા હોય છે. કોઇપણ કામના મંડાણ પૂર્વે તેના સારા-નરસાં પાસાંનો વિચાર કરવો આવશ્યક જ નહીં, અનિવાર્ય છે, પણ બધું વિચાર્યા પછી કામ તો શરૂ કરવું પડેને? પણ આવા લોકો પાણીમાંથી પોરાં ને પોરાંમાંથી પાણી કાઢ્યાં કરતા હોય છે. હાથ-પગ નહીં હલાવવાના, બસ મગજમાં ઘોડાં દોડાવ્યા કરવાના.