દુબઈઃ છેલ્લા લાંબા સમયથી કંગાળ પ્રદર્શન કરી રહેલા ઈયાન બેલને સાઉથ આફ્રિકા પ્રવાસ માટેની ઈંગ્લેન્ડની ટેસ્ટ ક્રિકેટ ટીમમાંથી પડતો મૂકાયો છે. ૧૯ નવેમ્બરે જાહેર કરાયેલી ૧૬ સભ્યોની ટીમમાં બેલનો સમાવેશ થતો નથી. એક વર્ષથી બેલ નોંધપાત્ર સ્કોર કરી શક્યો નથી. તેણે જુલાઈ ૨૦૧૪ બાદ ફક્ત એક ટેસ્ટ સદી ફટકારી છે. બેલ પુનરાગમન કરવા માટે પ્રતિબદ્ધ છે, પરંતુ આ નિર્ણયને ૧૧૮ ટેસ્ટમાં ૭૭૨૭ રન નોંધાવનારા આ બેટ્સમેનની આંતરરાષ્ટ્રીય કારકિર્દીના અંતનો આરંભ માનવામાં આવે છે.
ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) દ્વારા જાહેર કરાયેલી ટીમમાં નીક કોમ્પટન અને ગેરી બેલેન્સનું પુનરાગમન થયું છે જ્યારે સમિત પટેલને પણ ટીમમાં યથાવત રખાયો છે. આદિલ રાશિદને પણ ટીમમાંથી બહાર મૂકી દેવાયો છે. ઝડપી બોલર માર્ક વૂડ અને સ્ટિવન ફિન ઈજાગ્રસ્ત હોવાથી પ્રવાસ પર જવાના નથી. એલેક્સ હેલ્સ અને ઝડપી બોલર માર્ક ફુટિટને પ્રથમ વખત ટીમમાં સ્થાન મળ્યું છે. ટીમમાંથી બહાર કરાયેલા બેલે ટ્વિટર પર નિરાશા વ્યક્ત કરતા લખ્યું હતું કે સાઉથ આફ્રિકા પ્રવાસ માટે મારી પસંદગી ન થવાથી હું ઘણો નિરાશ છું. મને લાગી રહ્યું હતું કે હું મારું યોગદાન આપી શકું છું અને તે માટે હું આકરી મહેનત કરી રહ્યો હતો.
ઈંગ્લેન્ડ ટીમઃ એલિસ્ટર કૂક (કેપ્ટન), મોઈન અલી, જેમ્સ એન્ડરસન, જોની બેરસ્ટો, ગેરી બેલેન્સ, સ્ટુઅર્ટ બ્રોડ, જોસ બટલર, નિક કોમ્પટન, માર્ક ફુટિટ, એલેક્સ હેલ્સ, ક્રિસ જોર્ડન, સમિત પટેલ, જો રૂટ, બેન સ્ટોક્સ, જેમ્સ ટેલર, ક્રિસ વોક્સ