મતદારો કોઇ એક પક્ષ કે મોરચાને વિકાસ, સુશાસન અને સામાજિક ન્યાય જેવા મુદ્દે જંગી બહુમતી સાથે વિજયી બનાવે તે અલગ વાત છે અને આ રીતે શાસનધૂરા સંભાળનાર પક્ષ કે મોરચો પ્રજાના વિશ્વાસને યથાર્થ ઠેરવે તેવું આચરણ-વ્યવહાર કરે તે અલગ બાબત છે. બિહારમાં કંઇક આવું જ જોવા મળ્યું છે. નીતિશ-લાલુના મહાગઠબંધનને ચૂંટણીમાં ભવ્ય વિજય મળ્યો તો તેમણે પ્રતિભાવમાં કહ્યું હતું કે આ વિજય સુશાસન અને સામાજિક ન્યાયનો થયો છે, પરંતુ નીતિશ દ્વારા પ્રધાનમંડળની પસંદગી અને તેના શપથગ્રહણ વેળા તો આવું કંઇ જોવા મળ્યું નથી. મંચ પર માત્રને માત્ર જોવા મળ્યો હતો લાલુ પ્રસાદનો પ્રભાવ. મુખ્ય પ્રધાન નીતિશ કુમાર બાદ શપથ લીધા બાદ લાલુના દીકરા તથા નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે અને પછી બીજા દીકરા તેજ પ્રતાપે શપથ લીધા. અહીં સહુના મનમાં સવાલ એ ઉઠે છે કે નીતિશ જે ‘બિહાર મોડેલ’ની વાત કરે છે તે શું લાલુના સહયોગમાં સાકાર થઇ શકશે? જાતિ-પરિવાર આધારિત રાજકારણ સુશાસન પર વિપરિત અસર તો નહીં કરેને? અને સૌથી મોટો સવાલ તો એ છે કે આ મહાગઠબંધન સરકાર ખરેખર એનડીએનો મજબૂત વિકલ્પ બનીને ઉભરશે કે કેમ. આ બધા સવાલ
એવા છે કે જેનો જવાબ સમય જ આપશે. પરંતુ બિહારનું અત્યારનું ચિત્ર સ્પષ્ટ કરે છે કે વિધાનસભાની ચૂંટણીઓ બાદ લાલુ પ્રસાદ મહાનાયક તરીકે ઉભર્યા છે.
નીતિશ કુમાર ભલે મુખ્ય પ્રધાન બની ગયા, પણ છેલ્લા થોડાક દિવસના ઘટનાક્રમથી તેમની છાપ એક મજબૂર નેતા તરીકેની ઉપસી છે. જ્યારે લાલુ પ્રસાદ લાલુ પ્રસાદ શક્તિશાળી નેતા તરીકે છવાઇ ગયા છે. મહાગઠબંધન સરકારનો ૨૦ નવેમ્બરનો શપથગ્રહણ સમારોહ નિહાળ્યા બાદ બિહારી સમુદાયમાં એક જ મુદ્દો ચર્ચાય રહ્યો છે કે નીતિશ કુમાર પણ સત્તા માટે સિદ્ધાંત સાથે સમાધાન કરવા લાગ્યા કે શું. જો આમ ન હોત તો તેમણે પહેલી જ વખત વિધાનસભ્ય બનેલા અને બહુ ઓછું ભણેલા ૨૬ વર્ષના યુવાનને પોતાના પછીના ક્રમે પ્રધાન પદના શપથ અપાવ્યા ન હોત. તેને પ્રધાનમંડળમાં નંબર-ટુ તરીકે નાયબ મુખ્ય પ્રધાન પદનું સ્થાન પણ ન જ આપ્યું હોત. લાલુ પ્રસાદનો એક દીકરો નાયબ મુખ્ય પ્રધાન તો બીજાને કેબિનેટ પ્રધાન બનાવાયો છે. મહત્ત્વના મંત્રાલયો સોંપાયા છે. જે દર્શાવે છે કે નીતિશ કુમારને ક્યાંકને ક્યાંક સમાધાન કરવા પડી રહ્યા છે. સરકારના શપથગ્રહણ સમારોહમાં જે પ્રકારે રાજદનું વર્ચસ રહ્યું છે તે નીતિશ કુમાર પરનું રાજકીય દબાણ દર્શાવે છે.
ભારતીય લોકતંત્રની સૌથી મોટી કમનસીબી એ છે કે સુશાસન અને ભાઇચારાના મુદ્દે ચૂંટણી તો લડાય છે, પણ સરકાર રચાયા બાદ તેનો સહિયારો અમલ ભાગ્યે જ ક્યાંય જોવા મળે છે. લાલુ પ્રસાદના કહેવા પ્રમાણે બિહારમાં આ જનાદેશ ભાઇચારાને મળ્યો છે. જ્યારે વાસ્તવિક્તા એ છે કે અસરકારક વહીવટ માટે સરકારમાં સુશાસન અને ભાઇચારો બન્નેનો સમન્વય આવશ્યક છે. બિહારમાં જે પ્રકારે જાતિવાદ આધારિત મતદાન થયું છે અને તેના પગલે લાલુ પ્રસાદનું રાજકીય વર્ચસ વધ્યું છે તે જોતાં રાજદ્વારી વિશ્લેષકોને આશંકા છે કે બિહારમાં સુશાસન પાછળ રહી જશે અને પરિવાર તથા જાતિવાદી રાજકારણનો પ્રભાવ વધશે.
આ જ પરિબળ નીતિશ કુમારની અગ્નિપરીક્ષા કરી શકે છે. નીતિશનો ભૂતકાળ જૂઓ તો જણાશે કે તેઓ કેન્દ્રમાં પ્રધાન પદે રહ્યા કે બિહારમાં મુખ્ય પ્રધાન પદે, હંમેશા એક લાયક નેતા તરીકે જવાબદારી નિભાવી છે, પરંતુ લાલુ પ્રસાદની સંસ્કૃતિ અલગ છે. બન્ને એક જ વિચારધારાનું ફરજંદ હોવા છતાં પણ તેમની કાર્યપદ્ધતિ તદ્દન વિરોધાભાસી છે. આ સંજોગોમાં કાં તો નીતિશનો અભિગમ બદલાશે, નહીં તો લાલુ પ્રસાદનો. નીતિશ કુમારે હંમેશા સુશાસનની વાત કરી છે, જ્યારે લાલુ પ્રસાદે હંમેશા જાતિવાદને પ્રાધાન્ય આપ્યું છે. રાજદની આ સંસ્કૃતિ નીતિશ કુમાર માટે મોટો પડકાર બની રહેશે. કોણ કોને બદલે છે, અને કોણ કેટલું બદલાય છે એ જોવું રહ્યું.
