દુબઈઃ ભૂતકાળમાં મેચ ફિક્સિંગના અનેક આક્ષેપનો સામનો કરી ચૂકેલી પાકિસ્તાની ક્રિકેટ ટીમ સામે ફરી મેચ ફિક્સિંગના આરોપ થયા છે. પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે ૧૭ નવેમ્બરે શારજાહમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં પાકિસ્તાનના ખેલાડીઓ જે રીતે આઉટ થયા હતા તેનાથી પાકિસ્તાન અને ઇંગ્લેન્ડના પૂર્વ ખેલાડીઓએ મેચ ફિક્સિંગની આશંકા વ્યક્ત કરી છે. આ મામલે ટીમના કોચ વકાર યુનુસ સામે પણ આંગળી ચીંધાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી મેચમાં ઇંગ્લેન્ડનો છ વિકેટે વિજય થયો હતો. આ મેચમાં ટોપ ઓર્ડર બેટ્સમેને મજબૂત શરૂઆત કરતાં ૨૯.૩ ઓવરમાં બે વિકિટે ૧૩૨ રન કર્યા હતા. જોકે ૩૯.૩ ઓવર સુધીમાં એટલે કે ૧૦ ઓવરમાં જ પાંચ વિકેટ ગુમાવી દેતાં સ્કોર સાત વિકેટે ૧૫૬ રન થઈ ગયો હતો. આ ૧૦ ઓવરમાં માત્ર ૨૪ રન જ ઉમેરાયા હતા. જે પાંચ બેટ્સમેનો આઉટ થયા હતા, તેમાનાં ત્રણ રનઆઉટ થયા હતા.
આ મામલે ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને ટ્વિટ કરતાં કહ્યું કે, આપણને મૂર્ખ સમજી રહ્યા હોય તેમ પાકિસ્તાને પોતાની વિકેટો ફેંકી દીધી હતી, જેમાં ત્રણ રનઆઉટ થયા હતા તો કેટલાક શોટ્સ એવા રમ્યા હતા જે આ પહેલાં જોવા મળ્યા નહોતા. માઇકલ વોને ત્યાર બાદ પોતાની ટ્વિટ ડિલીટ કરી નાખી હતી.
પાકિસ્તાનના ઘણા પૂર્વ ખેલાડીઓ પણ નારાજ છે અને આ તમામ બાબત માટે કોચ વકાર યુનુસને જવાબદાર માની રહ્યા છે.