યુએનઃ દૃઢ નિર્ણય સાથે તટસ્થતા પણ જરૂરી

Tuesday 24th November 2015 12:57 EST
 

યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલે (યુએનએસસી)એ આતંકવાદના વિરોધમાં સર્વાનુમતે એક ઠરાવ પસાર કર્યો છે. તેમાં એકસંપ થઇને વિશ્વમાંથી આતંકવાદને નેસ્તનાબૂદ કરવાનો ઇરાદો વ્યક્ત થયો છે. પેરિસમાં શ્રેણીબદ્ધ આત્મઘાતી આતંકવાદી હુમલા અને તે પૂર્વે રશિયાના એક યાત્રિક વિમાનને બોમ્બ વિસ્ફોટ દ્વારા ઉડાવી દેવાના તાજેતરના આતંકી કૃત્યથી સમગ્ર વિશ્વ હચમચી ગયું છે. આતંકવાદી પરિબળોને કોઇ પણ ભોગે લોખંડી હાથે મસળી નાખવા જોઇએ એવો સૂર વિશ્વભરમાંથી ઉઠ્યો છે ત્યારે યુએનના આ ઠરાવને વ્યાપક આવકાર મળવો સહજ છે. પરંતુ લાખ રૂપિયાનો સવાલ એ છે કે આ ઠરાવની પ્રાસંગિક્તા શું? આની સાથોસાથ જ ઉઠતો બીજો સવાલ છેઃ શું તેની કોઇ ઉપયોગિતા છે ખરી? આ સવાલો ઉઠવાનું કારણ એ છે કે પાછલા ૧૬ વર્ષમાં આ ૧૪મો પ્રસંગ છે, જ્યારે યુએન સિક્યુક્ટી કાઉન્સિલે આવો કોઇ પ્રસ્તાવ પસાર કર્યો હોય. જો પહેલા જ ઠરાવનો અસરકારક અમલ થયો હોત તો આજે ધરતી પર આતંકવાદનો અજગર આટલો ફૂલ્યોફાલ્યો ન હોત.
યુનાઇટેડ નેશન્સના છેલ્લા ૭૦ વર્ષના ઇતિહાસ પર નજર ફેરવશો તો જણાશે કે વિશ્વમાં શાંતિ, સદભાવ અને ભાઇચારો સર્જવાના તેના પ્રયાસ સફળ થયા નથી. પછી તે ઇઝરાયલ-પેલેસ્ટાઇનનો મોરચો હોય કે ઇરાન-ઇરાક કે નોર્થ કોરિયા-સાઉથ કોરિયાનું યુદ્ધ હોય. વૈશ્વિક સંગઠન હોવા છતાં યુએન હંમેશા અમેરિકાના ઇશારે વર્ત્યું છે તેના અનેક ઉદાહરણ ઇતિહાસમાં વાંચવા મળશે. વિશ્વનું નેતૃત્વ કરતું હોવા છતાં યુએનની સફળતા સામે હંમેશા શંકાની સોય ઉઠતી રહી છે તેના મૂળમાં આ જ વાત છે.
છેલ્લા ત્રણ દાયકામાં આતંકવાદનો સૌથી વધુ ભોગ ભારત બન્યું છે. જમ્મુ-કાશ્મીર અને પંજાબથી માંડીને મુંબઇ, અમદાવાદ, ગાંધીનગર, હૈદરાબાદ, ચેન્નઇ, જયપુર, અજમેર, મેરઠ જેવા અનેક શહેરોમાં જાહેર સ્થળોએ સેંકડો નહીં, હજારો લોકોએ ત્રાસવાદી હુમલાઓમાં જીવ ગુમાવ્યા છે. આ સમયે યુએન અને તેની સિક્યુરિટી કાઉન્સિલ ક્યા હતા? ઓસામા બિન લાદેન પોતાના દેશ માટે ખતરો બન્યો હોવાનું જણાયું કે અમેરિકાએ તેને પાકિસ્તાનમાં ઘૂસીને ઠાર માર્યો. આ જ અમેરિકાએ સેંકડો ભારતીયોનો જીવ લેનાર દાઉદ ઇબ્રાહિમ કે હાફિઝ સઇદ જેવા ‘પાકિસ્તાન શરણાર્થીઓ’ને ઝબ્બે કરવા ભારત તરફ મદદનો હાથ લંબાવ્યાનું જાણ્યું નથી. યુએન માટે તો જાણે પંચ જ પરમેશ્વર છે. અમેરિકા, બ્રિટન, રશિયા, ચીન, રશિયા કે ફ્રાન્સમાંથી કોઇ પણ એકને ઊની આંચ આવે તો પણ આખી દુનિયામાં હોબાળો મચાવી દો, પરંતુ બીજો કોઇ દેશ આખો બરબાદ થઇ જાય તો પણ હરફ સુદ્ધાં નહીં ઉચ્ચારવાનો!
ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)નો જન્મ કઇ રીતે થયો છે તે આખી દુનિયા જાણે છે, સિવાય કે યુએન. જે સમયે અમેરિકા ઇરાકમાં તબારી વેરતું હતું ત્યારે જો યુએને - આંખ આડા કાન કર્યા વગર - અમેરિકા સામે કાર્યવાહી કરી હોત તો આઇએસ આટલું સબળું બન્યું ન હોત. આઇએસને નેસ્તનાબૂદ કરવું જ જોઇએ તેની ના નહીં, પરંતુ યુએન અને તેની સિક્યુરિટી કાઉન્સિલે એ પણ વિચારવું જોઇએ કે સંપૂર્ણ નિષ્પક્ષતા વિના તે ક્યારેય દુનિયાનું ભલું કરી શકવાનું નથી.
યુએન જેવા વિશ્વ-મોભીએ તો સર્વજન હિતાય, સર્વજન સુખાયના સૂત્રને નજરમાં રાખીને કામ કરવું રહ્યું. અને આ માટે સૌપ્રથમ તો તેણે પોતાની જાતને મોટા દેશોની ચુંગાલમાંથી મુક્ત કરાવવી પડશે. યુનાઇટેડ નેશનની પુનઃરચના લાંબા અરસાથી પેન્ડીંગ છે. સમગ્ર આયોજનને કાગળ પરથી આગળ ધપાવીને સંગઠનના આકાર અને તેની કાર્યપદ્ધતિ અંગે નવેસરથી સમીક્ષાનો આ જ સમય છે. આજે સમગ્ર વિશ્વ અન્યોન્યના સહયોગમાં સહિષ્ણુતાની દિશામાં મક્કમ ડગ માંડી રહ્યું છે ત્યારે યુએન જેવા શક્તિશાળી સંગઠનની તાતી જરૂર છે. પરંતુ આ સંગઠન નિષ્પક્ષ અને નિડર હોય તે પાયાની પૂર્વશરત છે. જો આમ ન થયું તો યુએન અશાંતિગ્રસ્ત વિસ્તારોમાં શાંતિ સેના મોકલતું રહેશે અને આતંકી પરિબળો પોતાનું કામ કરતાં રહેશે.


comments powered by Disqus