વોશિંગ્ટનઃ વિશ્વના સૌથી શક્તિશાળી નેતાઓની ઊંઘ અંગે થયેલા એક અભ્યાસના આધારે દાવો કરાયો છે કે વિન્સ્ટન ચર્ચિલ માત્ર ચાર કલાકની જ ઊંઘ લેતા હતા જ્યારે બ્રિટનના પ્રથમ મહિલા વડા પ્રધાન માર્ગારેટ થેચર પણ માત્ર ચાર જ કલાક ઊંઘ લેતાં હતાં. વિન્સ્ટન ચર્ચિલને બપોરે ૯૦ મિનિટની પાવરનેપ એટલે કે આરામની આદત હતી જેનાથી તેઓ ફરી સ્ફૂર્તિનો અહેસાસ કરતા હતા.
તમને જાણીને નવાઈ લાગશે કે જેમણે ઇલેક્ટ્રિસિટીનો શોધ કરી અને જેમને ‘ગ્રાન્ડફાધર ઓફ ઇલેક્ટ્રિસિટી’ તરીકે ઓળખવામાં આવતા હતા તે નિકોલા ટેસ્ટા માત્ર બે જ કલાકની ઊંઘ રાત્રે લેતા હતા.
ઉલ્લેખનીય છે નેશનલ સ્લીપ ફાઉન્ડેશન લોકોને એવી સલાહ આપે છે કે તેઓએ સાતથી નવ કલાકની ઊંઘ લેવી જોઇએ પણ આ નેતાઓની ઊંઘ તો માત્ર બે કે ચાર કલાકની હોવા છતાં તેઓ સ્વસ્થ રહેતા. આ યાદી બહુ મોટી છે, ઇટલીના ટોચના રાજકીય નેતા સિલ્વીઓ બર્લુસ્કોની માત્ર બે કલાકની જ ઊંઘ લે છે જ્યારે બરાક ઓબામા માત્ર છ કલાકની ઊંઘ લે છે. જે પણ નેતાઓ સફળ થયા છે તેઓ ઊંઘની જેટલી મર્યાદા નક્કી કરાઇ છે તેનાથી બહુ જ ઓછી ઊંઘ લેતા જણાયા છે. આજે પણ વિશ્વભરમાં નેતાઓ માત્ર ત્રણથી છ કલાકની જ ઊંઘ લે છે. માઇક્રોસોફ્ટ ફાઉન્ડેશનના બિલ ગેટ્સ સરેરાશ સાત કલાકની ઊંઘ લે છે અને બિલિયોનેર ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર ત્રણ કે ચાર કલાકની જ ઊંઘ લે છે.
જાણીને નવાઇ લાગશે કે બરાક ઓબામાથી લઇને બિલ ગેટ્સ દરેક સેલિબ્રિટિઝ બહુ જ ઓછી ઊંઘ લે છે. અત્યાર સુધીમાં જે પણ લોકો સફળ થયાં છે તેમની ઊંઘ ઓછી હોવાનો દાવો આ સવેમાં કરવામાં આવ્યો છે. અને અંતમાં, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી. તેમના નામનો તો સર્વેમાં સમાવેશ થતો નથી, પરંતુ એવું મનાય છે કે ભારતના આ સફળ અને સબળ નેતા પણ રાતની માત્ર ચાર જ કલાક ઊંઘ લે છે.