લોસ એન્જલસઃ અમેિરિકન-ગુજરાતી સંજય પટેલની એનિમેટેડ શોર્ટ ફિલ્મ ‘સંજય’સ સુપર ટીમ’ને ઓસ્કર એવોર્ડ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. અન્ય નવ ટાઈટલની સાથે આ ફિલ્મ પણ ઓસ્કરની રેસમાં છે.
ઓસ્કર એવોર્ડ માટે કુલ ૬૦ એનિમેટેડ શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં હતી. આમાંથી છેવટે ૧૦ ફિલ્મ પસંદ કરાઇ છે, જેમાં સંજય પટેલની ફિલ્મ પણ સામેલ છે. શોર્ટ ફિલ્મ્સ એન્ડ એનિમેશન બ્રાન્ચના સભ્યો હવે તેમાંથી પાંચ ફિલ્મને શોર્ટ લિસ્ટ કરશે. પિક્સર એનિમેશન સ્ટુડિયોઝ દ્વારા તૈયાર કરાયેલી ‘સંજય’સ સુપર ટીમ’માં આર્ટિસ્ટ સંજય પટેલ એક યુવાનની સ્ટોરી કહેવા પોતાના અનુભવનો ઉપયોગ કરે છે. એ યુવાન પ્રથમ પેઢીનો ભારતીય અમેરિકન છે. તેને વેસ્ટર્ન પોપ કલ્ચર ખૂબ જ ગમે છે અને તેના કારણે તેના પિતાની પરંપરાના મામલે તેને ઘર્ષણ થાય છે. સંજય પટેલે ફિલ્મનું ડાયરેક્શન કર્યું છે અને નિકોલ પેરેડિસ પ્રોડ્યુસર છે. ચોથી ડિસેમ્બરે ફિલ્મ રિલીઝ થશે. સંજયે તેના અનુભવનો ઉપયોગ કરીને ફિલ્મનું નિર્દેશન કર્યું છે.

