પાકિસ્તાનના વલણમાંથી ભારતે બોધપાઠ લેવો રહ્યો

Thursday 27th August 2015 05:50 EDT
 

ભારત-પાકિસ્તાન શાંતિમંત્રણા પર ફરી એક વખત વિવાદનો પરદો પડી ગયો છે. અને આ વખતે પણ આ ના-પાક કૃત્ય પાકિસ્તાને જ કર્યું છે. ભારત અને પાકિસ્તાનના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર્સ (એનએસએ) વચ્ચે ૨૩-૨૪ ઓગસ્ટે દિલ્હીમાં યોજાનારી મંત્રણા રદ થઇ ગઇ છે કેમ કે પાકિસ્તાની પ્રતિનિધિ મંડળ કાશ્મીરી અલગતાવાદીઓને મળવાની જીદ છોડવા તૈયાર નહોતું. બન્ને દેશોની સરકારો, નેતાઓ અને રાજકીય પક્ષો આને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી રહ્યા છે. શા માટે અને ક્યા કારણસર તેઓ આવું કહે છે એ તો તેઓ જ જાણે, પરંતુ ભારતીયો જરૂર આ નિર્ણયથી ખુશ છે. હિન્દુસ્તાનના ભાગલા પડ્યા ત્યારથી પાકિસ્તાની શાસકોએ હંમેશા ભારત સાથે દુશ્મનાવટભર્યું વલણ જ અપનાવ્યું છે. આનાથી વિપરિત ભારત સરકાર અનેક કડવા અનુભવો છતાં મિત્રતાનો હાથ લંબાવતી રહી છે. ૧૯૪૮ હોય, ૧૯૬૫ હોય, ૧૯૭૧નું યુદ્ધ હોય કે પછી કારગિલ યુદ્ધ, ભારતીય પ્રજાને દરેક અવસરે પાકિસ્તાનની આંખોમાં ઝેર જ જોવા મળ્યું છે. આથી જ તો નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન પદના શપથ સમારંભમાં પડોશી વડા પ્રધાન નવાઝ શરીફને આમંત્ર્યા ત્યારે બહુમતી ભારતીયોને ગમ્યું નહોતું. આ પછી વિદેશ સચિવ સ્તરની વાટાઘાટનો તખતો રચાયો, પણ પાકિસ્તાની હાઇ કમિશને કાશ્મીરી અલગતાવાદીઓ સાથે બેઠક યોજતાં ભારતે આકરું વલણ અપનાવીને દ્વિપક્ષીય મંત્રણા રદ કરી. આ સમયે ભારતીયોએ મોદી સરકારના આકરા વલણ પ્રત્યે એવો આનંદ કર્યો હતો કે પાકિસ્તાન આ જ લાગનું છે. આ પછી બન્ને વડા પ્રધાનો વચ્ચે પ્રસંગોપાત શુભેચ્છા, ફળ કે વસ્ત્રોનું આદાનપ્રદાન થયું, પણ ભારતીયો ક્યારેય તેને દિલથી સ્વીકારી શક્યા નથી.
અલબત્ત, આનો મતલબ એવો તો હરગીઝ નથી જ કે ભારતીયો પડોશી દેશ સાથે સુમેળભર્યા સંબંધ ઇચ્છતા નથી, પણ મુખ મેં અલ્લાહ, બગલ મેં બોંબની પાકિસ્તાની નીતિ તેને આમ કરતાં અટકાવે છે. ભારતીય પ્રજા પણ પાકિસ્તાનની પ્રજા સાથે શાંતિ-ભાઇચારો ઇચ્છે છે અને તે દ્વિપક્ષીય મંત્રણા થકી જ સંભવ છે, પરંતુ લશ્કરના ઇશારે નાચતા પાકિસ્તાની શાસકો પર ભરોસો કરવો મુશ્કેલ છે. પાકિસ્તાની શાસકો ભારતવિરોધી ત્રાસવાદી જૂથોને નાથવાના બદલે હાફિઝ સઇદથી માંડીને લખવી જેવા સાપને પોષી રહ્યા છે અને દાઉદ ઇબ્રાહિમ જેવા ભારતદ્રોહી માફિયાને આશરો આપી રહ્યા છે. આ જાણવા છતાં રશિયાના ઉફામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન ભણી ફરી મિત્રતાનો હાથ લંબાવ્યો. બન્ને દેશો વચ્ચે એનએસએ સ્તરની મંત્રણા માટેની જાહેરાત થઇ ત્યારે ભારતીય પ્રજાએ એવી લાગણી અનુભવી કે મોદી સરકાર પણ પૂરોગામી સરકારોની જેમ જ એક કદમ આગળ વધીને બે ડગલાં પાછળ ચાલનારી છે. વીતેલા એક વર્ષમાં પાકિસ્તાને સરહદ પારથી અત્યાર સુધીની સૌથી વધુ ઘૂસણખોરી કરાવી હોવા છતાં અને વારંવાર સીઝફાયરનો ભંગ કર્યો હોવા છતાં આપણી સરકાર કેમ ઝૂકી રહી છે તે ભારતીયોની સમજની બહાર છે. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં જનસામાન્યની લાગણી કરતાં રાજદ્વારી વ્યૂહનું પલડું હંમેશા વધુ નમતું હોય છે, પણ જ્યારે સામેનું પાત્ર (જેમ કે, પાકિસ્તાન) નઠારું જ હોય ત્યારે તો ડિપ્લોમસીના સ્થાને લોકલાગણીને જ માન આપવું રહ્યું. દરેક વખતે પાકિસ્તાનના પાપે દ્વિપક્ષીય મંત્રણા ટલ્લે ચઢી છે, અને દરેક વખતે પાકિસ્તાને આનું ઠીકરું ભારતના માથે ફોડ્યું છે. ભારતે આમાંથી બોધપાઠ લેવો જ રહ્યો અને પાકિસ્તાન સામે ફરી મિત્રતાનો હાથ લંબાવતા પૂર્વે બે વખત વિચારવું જ રહ્યું.


comments powered by Disqus