ગુજરાતમાં મંગળવારે ન બનવાનું બની ગયું. અનામતની માગ સાથે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં ધરણાં-પ્રદર્શન-રેલી કરી રહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિની અમદાવાદની મહાક્રાંતિ રેલી તો અભૂતપૂર્વ સફળતા સાથે સંપન્ન થઇ પણ સાંજ ઢળતાં પરિસ્થિતિએ જે હિંસક વળાંક લીધો તે ચિંતાજનક છે. રાજ્યનો એક પણ નાગરિક અશાંતિનો માહોલ નહોતો ઇચ્છતો, પણ ન બનવાનું બની જ ગયું. સાતેક લાખ પાટીદારો એકત્ર થયા હતા, છતાં કોઇ અનિચ્છનીય બનાવ વગર રેલી પૂરી થતાં વહીવટી તંત્રથી માંડીને આમ આદમીએ હાશકારો અનુભવ્યો હતો, પરંતુ આ શાંતિ અલ્પજીવી નીવડવાની છે તેવો ભાગ્યે જ કોઇને અંદાજ હતો.
રાજ્યભરમાં ફેલાયેલા હિંસાના આ જુવાળ માટે પાટીદાર અનામત આંદોલન સમિતિ જવાબદાર છે કે પછી અણઘડ પોલીસ કાર્યવાહી જવાબદાર છે તે અંગે મતભેદ હોય શકે, પણ એ તો હકીકત છે કે હિંસક તોફાને રાજ્યમાં શાંતિનો માહોલ ખરડી નાખ્યો છે. રાજ્યમાં ૧૩ વર્ષ પછી કરફ્યૂ-આગચંપીની ઘટનાઓ બની છે. રાજ્યની હિરાનગરી સુરતમાં લશ્કર ઉતારાયું છે. મહેસાણા, ઊંઝા, વીસનગર, કડી વગેરે નગરોમાં કરફ્યુ લદાયો છે. અમદાવાદમાં અર્ધલશ્કરી દળોની ટુકડી ઉતારાઇ છે અને નવ વિસ્તારોમાં કરફ્યુ લદાયો છે. સમગ્ર ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક બની છે. રાજ્યમાં પ્રવર્તતી ભારેલા અગ્નિ જેવી સ્થિતિને મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલની સરકાર અંકુશમાં લઇ જ લેશે તેમાં બેમત નથી, પણ અત્યારે તો આમ ગુજરાતી ઉચાટ અનુભવી રહ્યો છે.
રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા લગભગ સાડા ત્રણ મહિનાથી અનામત આંદોલન ચાલી રહ્યું છે. અને જુદા જુદા નગરો-શહેરોમાં ૧૬૨ રેલી-સભા યોજાઇ ચૂકી છે. ટીપે ટીપે સરોવર ભરાય એ ન્યાયે ૨૨ વર્ષના તેજતર્રાર યુવા નેતા હાર્દિક પટેલે પાટીદાર સમાજને એક તાંતણે બાંધ્યો - અને તે પણ કોઇ રાજકીય પક્ષની કંઠી બાંધ્યા વગર. તેની એક હાકલે અમદાવાદની મહાક્રાંતિ રેલીમાં સાતેક લાખ પાટીદાર એકત્ર થયા અને પોતાની લાગણી-માગણીને પ્રચંડ અવાજે વાચા આપી. શરૂ શરૂમાં પાટીદાર અનામત આંદોલન સમિતિની માગણીને નજરઅંદાજ કરનાર ગુજરાત સરકારે પણ વાતને વણસતી અટકાવવા માટે વરિષ્ઠ પ્રધાન નીતિન પટેલના નેતૃત્વમાં સાત પ્રધાનોની સમિતિ રચી. સમિતિએ વાટાઘાટોના પ્રયાસો શરૂ કર્યા. આંદોલનના સુકાનીઓ સાથે મંત્રણા પણ કરી, પરંતુ અફસોસની વાત છે કે કોઇ વચલો રસ્તો નીકળી શક્યો નહીં.
પાટીદાર અનામત આંદોલન સમિતિને અનામતથી ઓછું કંઇ ખપતું નથી, અને સરકારી દાવા પ્રમાણે હવે (સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર) તેના માટે સમાજના અન્ય વર્ગને અનામત આપવાનું શક્ય નથી. સુપ્રીમ કોર્ટે થોડાંક વર્ષ અગાઉ જ એક ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે દેશના કોઇ પણ રાજ્યમાં ૫૦ ટકાથી વધુ અનામત આપી શકાશે નહીં. સરકારના કહેવા પ્રમાણે રાજ્યમાં અનામતનું પ્રમાણ ૫૦ ટકાની ટોચમર્યાદાને આંબી ગયું હોવાથી તેના હાથ સુપ્રીમ કોર્ટના ચુકાદાથી બંધાયેલા છે.
તો હવે શું? અત્યારે તો આમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો દેખાય છે - મંત્રણા. પહેલાં તો રાજ્યમાં જનજીવન થાળે પડવું જોઇએ અને પછી બન્ને પક્ષકારોએ વાટાઘાટનો પુનઃ પ્રારંભ કરવો જોઇએ. ગમેતેવા વાદવિવાદ, મતભેદ, વિખવાદ કેમ ન હોય, સંવાદ થકી ઉકેલ અશક્ય નથી. રાજ્યભરમાં કુલ ૧૬૨ રેલી થઇ છે (અને અમદાવાદની ઉમેરો તો ૧૬૩), પણ વીસનગરની એકમાત્ર રેલીને બાદ કરતાં ક્યાંય છમકલું તો ઠીક, નાનોસરખો કાંકરીચાળો પણ નથી થયો! આમ છતાં શાસકોના કાને સમાજની રજૂઆત પહોંચી જ છે, તો હવે હિંસાનો માર્ગ શા માટે? પાટીદાર અનામત આંદોલન સમિતિના ઓઠાં તળે તોફાની તત્વો, રાજકીય તકસાધુઓ સમય-સંજોગનો ગેરલાભ ઉઠાવી ન જાય તે પણ સરકાર અને આંદોલનકારીઓએ જોવું રહ્યું.
સહુ કોઇએ યાદ રાખવું રહ્યું કે અશાંતિ સર્જવાના તો એકસો રસ્તા છે, પરંતુ શાંતિનો માર્ગ તો એક જ છે - અહિંસા. આ માર્ગે ચાલીને તો દૂબળોપાતળો માણસ પણ ગમેતેવા શક્તિશાળી શાસકને ઝૂકાવી શકે છે તેનું ઉદાહરણ ટાંકવાની જરૂર ખરી?! ગુજરાતમાં આક્રોશનો અગ્નિ સત્વરે શમે અને ફરી એક વખત શાંતિનો સૂરજ ઝળહળે તેવી ઇશ્વરને પ્રાર્થના.
