આજકાલ સાત-આઠ વર્ષના ટાબરિયાંઓ કલાકો સુધી કમ્પ્યુટર પર ચોંટી રહે છે કે વીડિયો ગેમ્સ રમ્યા કરે છે કે પછી સ્માર્ટ ફોનમાં ગેમ્સ રમવામાં જામી પડેલા જોવા મળે છે. કેટલાક માતા-પિતા એવું માનતાં હોય છે કે કમ્પ્યુટરનો ઉપયોગ કરવાથી કે વીડિયો ગેમ્સ રમવાથી બાળક સ્માર્ટ અને ઇન્ટેલિજન્ટ બનશે. વળી બાળકો જ્યાં સુધી વીડિયો ગેમ્સ રમતાં હોય ત્યાં સુધી મા-બાપ પોતાના અન્ય કામો કરી શકતાં હોવાથી તેઓ પણ બાળકો આ ગેમ્સ રમે એની સામે વાંધો ઊઠાવતાં નથી. જોકે કેટલાક અભ્યાસના તારણો બાળકો દ્વારા વીડિયો ગેમ્સના વધુ પડતા ઉપયોગ સામે લાલ બત્તી ધરે છે.
વીડિયો ગેમ્સના તરફદારો કહે છે કે આ તો નિર્દોષ મનોરંજનનું સાધન છે અને એનાથી બાળકોમાં પ્રોબલેમ્સ સુલઝાવવાનું કૌશલ્ય વિક્સે છે. જ્યારે આ ગેમ્સના ટીકાકારો કહે છે કે હિંસક ગેમ્સ રમીને બાળક પણ હિંસક વૃત્તિઓ ધરાવતું થાય છે અને છેવટે તેનામાં સમાજવિરોધી માનસિક્તા વિકસે છે. આ દાવાને ચકાસવા માટે કોઇ વૈજ્ઞાનિક પુરાવા નહોતા ત્યાં સુધી તો તેમની દલીલમાં વજૂદ જણાતું હતું, પણ અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટીમાં બ્રેઇન-ઇમેજ દ્વારા કરાયેલો અભ્યાસ સૂચવે છે કે વીડિયો ગેમ્સની હિંસકતાની બાળમાનસ પર વિપરીત અસર પડે છે.
મગજ હિંસક બને છે
અમેરિકામાં વીડિયો ગેમ્સની અસરો બાબતમાં થયેલા પહેલવહેલા વૈજ્ઞાનિક સર્વેમાં તંદુરસ્ત મગજ ધરાવતાં ૧૩થી ૧૭ની વયજૂથનાં ૪૪ બાળકોને પસંદ કરાયાં હતાં. એમાં છોકરીઓની સંખ્યા ઓછી હતી. આ બાળકોને બે જૂથમાં વહેંચી દેવાયાં હતાં. એક જૂથના બાળકોને અડધા કલાક માટે હિંસક વીડિયો ગેમ રમવા માટે આપવામાં આવી હતી તો બીજા જૂથનાં બાળકોને કાર-રેસની ગેમ અડધા કલાક માટે રમવા આપવામાં આવી હતી. બાળકો આ ગેમ રમતાં હતાં ત્યારે તેમના મગજને ફંકશનલ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગના સાધનો સાથે જોડી દેવામાં આવ્યાં હતાં.
આ અભ્યાસમાં જોવા મળ્યું હતું કે જે બાળકો હિંસક વીડિયો ગેમ્સ રમતાં હતાં તેમના મગજના લાગણીવિષયક ભાગમાં ભારે સક્રિયતા જોવા મળી હતી. તેથી વિરુદ્ધ મગજના જે ભાગમાં એકાગ્રતા અને સાતત્યના મજ્જાતંતુઓ આવેલા છે ત્યાં ઓછી સક્રિયતા જોવા મળી હતી. હિંસક વીડિયો ગેમ રમી રહેલાં બાળકોના મગજની એક જાતની વીડિયો ફિલ્મ ઉતારીને આ સંશોધકોએ પુરવાર કર્યું છે કે આવી ગેમ્સ બાળકના મગજને હિંસક બનાવી દે છે.
અમેરિકામાં ઇ.સ. ૧૯૭૦ના દાયકાથી અત્યાર સુધીમાં એવા અનેક મનોવૈજ્ઞાનિક અભ્યાસો થયા છે જેમાં બાળમાનસના અભ્યાસ દ્વારા એવું પુરવાર કરાયું છે કે હિંસક વીડિયો રમનારા બાળકની વર્તણૂક હિંસક બની જાય છે, પણ મગજની ફિલ્મ ઉતારીને આ પહેલવહેલો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ સંશોધન કરનારી ઇન્ડિયાના યુનિવર્સિટીની ટીમના વડા ડો. વિન્સેન્ટ મેથ્યુઝ કહે છે કે બાળક ૨૦ વર્ષનું થાય ત્યાં સુધી તેના મગજનો વિકાસ ચાલુ જ હોય છે. આ કારણે હિંસક ગેમ્સ મગજનો વિકાસ ખોટી રીતે કરે એવી પૂરેપૂરી સંભાવના છે.
ઇન્ડિયાના યુનિવર્સિટી તરફથી આ સર્વે ૧૩ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર ન કરવામાં આવ્યો એનું કારણ એ હતું કે તેઓ એક કલાક સુધી મેગ્નેટીક રેઝોનન્સનું યંત્ર સહન કરી શકે એવી શક્યતા ઓછી હતી. હકીકતમાં ત્રણથી ૧૩ વર્ષના બાળકોનું મગજ વધુ કુમળું હોવાથી હિંસક વીડિયો ગેમ્સની તેમના પર વધુ હાનિકારક અસર થતી હોવાની સંભાવના રહે છે.
કાયમી નુકસાન પણ થાય
વીડિયો ગેમ્સની બાળમાનસ પર થતી અસરો વિશે સંશોધન કરનારી ટીમના વડા કહે છે કે જે બાળકો ૩૦ મિનિટ અથવા એથી પણ ઓછા સમય સુધી હિંસક વીડિયો ગેમ્સ રમે છે તેમના મગજને કાયમી નુકસાન થતું હોવાની શક્યતા પણ નકારી શકાય નહીં.
આ સંશોધકોએ અગાઉ પણ એક રિસર્ચ કર્યું હતું જેમાં છેલ્લા એક વર્ષમાં હિંસક દૃશ્યો જોનારા માનવીઓના મગજનો સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં જોવા મળ્યું હતું કે આ લોકોના મગજમાં હિંસાના ભાવો કાયમી બની ગયા છે.