નવી ભેળસેળ ચેનલ!

લલિત લાડ Wednesday 31st December 2014 08:28 EST
 

આજકાલ અમને ટીવી જોવાની એવી આદત પડી ગઈ છે કે બાથરૂમમાં પણ અમને ટીવી વિના ન્હાવાનું ગમતું નથી. ટીવીના આવા અતિશય ઓવરડોઝથી હવે અમારા મગજમાં એક નવી ચેનલ ચાલુ થઈ ગઈ છે. જેનું નામ છે ચેનલ ભેળસેળ! જરા હંભાળજો, કારણ કે એમાં ચેનલુંની ભેળસેળ થઈ જાય છે...
લોકસભાની હિન્દી કોમેન્ટ્રી
‘ક્રિકેટની હિન્દી કોમેન્ટ્રી આપનારાઓને બે ખાસ કુટુવો છે. એક તો જ્યારે મેચમાં કંઈ જ દમ ન હોય ત્યારે એમ બોલ્યા કરવું કે, ‘બડા હી કડા સંઘર્ષ... બોલ ઔર બેટ કે બિચ મેં...’ અને મેચનું પરિણામ આખી દુનિયાને ખબર હોય ત્યારે પણ એક જ ધ્રુવવાક્ય રિપીટ કર્યા કરવું કે, ‘કહતે હૈં કિ ક્રિકેટ મેં જબ તક આખરી ગેંદ નહીં ફેંકી જાતી તબ તક કુછ ભી નહીં કહા જા સકતા!’
અમારી ‘ચેનલ ભેળસેળ’ ઉપર અત્યારે લોકસભાના જીવંત પ્રસારણની રનિંગ કોમેન્ટ્રી ચાલી રહી છેઃ
‘બડા હી કડા સંઘર્ષઃ શાસક પક્ષ ઔર વિરોધ પક્ષ કે બિચ મેં... જિસ તરહ ક્રિકેટ મેં કભી કભી અતિરિક્ત રનોં કી સંખ્યા બડી મહત્ત્વપૂર્ણ હો જાતી હૈ ઇસી તરહ ઇસ લોકસભા મેં અતિરિક્ત સાંસદ બડી હી મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાતેં હુએ... કભી ઇસ તરફ કા પલડા ભારી હોતા હૈ તો કભી ઉસ તરફ કા!
‘ઔર રાજકારણ એક ઐસા ખેલ હૈ કિ જબ તક ઇસ દેશ કે આખરી નાગરિક કા દિવાલા નહીં નીકલ જાતા તબ તક કુછ ભી નહીં કહા જા સકતા!
મોદી તેમનું ભાષણ કરવા ઊભા થાય છે અને તરત જ અમારા હિંદી કોમેન્ટ્રેટર ફાલતુ ચર્ચાઓ કરવાની તક ઝડપી લે છે. મોદીનો અવાજ ગુંજી રહ્યો છે, ‘મેં આંજ એક ઉત્તરદાયિત્વ કે સાંથ... યહાં પર ઉપસ્થિત હુઆ હૂં...’
હિન્દી કોમેન્ટ્રેટર તરત ઘૂસ મારે છે, ‘આકાશ, આપને ગૌર કિયા? જબ મોદી બોલતે હૈં તો હર શબ્દ કે બિચ મેં તીન બાર અપની આંખ ઘૂમાતે હૈ! મગર ઇસ બાર ઉન્હોંને ચાર બાર અપની આંખે ઘૂમાઈ! યે દેખીયે એકશન રિપ્લે મેં... ઉત્તરદાયિત્વ કે પહલે તીન બાર, ઔર ઉત્તરદાયિત્વ કે બાદ અપની ગરદન કો હલ્કે સે પુશ દે કર કટ કરતે હુએ ચૌથી બાર અપની આંખેં ઘૂમાઈ! આકાશ, આપકો ક્યા લગતા હૈ મોદીજીને ઐસા ક્યું કિયા?’
આના જવાબમાં વળી પાછો એક્સપર્ટ બની બેઠેલો બીજો હિંદી કોમેન્ટ્રેટર લાંબું-લાંબું પિષ્ટપેષણ કરવા લાગે છે. ત્યાં જ પહેલો કોમેન્ટ્રેટર વચ્ચે બૂમ પાડી ઊઠે છેઃ
‘ઔર યે આઉટ! મતલબ કી વોક-આઉટ! બસપા કે સારે સદસ્ય વોક-આઉટ કર રહે હૈં! યે દેખીયે સ્લો-મોશન મેં... બેન્ચીસ કા ભીતરી કિનારા લેતે હુએ સારે સદસ્ય કિતને સીલી પોઇન્ટ કે ઉપર વોક-આઉટ કર રહે હૈં...’
અજિત કોમેન્ટ્રી બોક્સમાં
અમારી ‘ચેનલ ભેળસેળ’ ઉપર વન-ડે મેચ ચાલી રહી છે. ત્યાં જ અચાનક જૂની ફિલ્મોનો વિલન અજિત કોમેન્ટ્રી બોક્સમાં એન્ટ્રી મારે છે. સંજોગોવશાત્ એ જ સમયે વિરાટ કોહલી આઉટ થઈ જાય છે. તરત જ અજિત બોલી ઊઠે છે, ‘યહાં પર સર્ફ કી એડ ડાલ દો!’
તરત જ સર્ફની જાહેરખબર વગાડવામાં આવે છે. માઇકલ અજિતને પૂછે છે, ‘બોસ, આપને ઐસા ક્યૂં કિયા?’
અજિત શાંતિથી જવાબ આપે છે, ‘પહેલે યે બોલ્ડ થા, અબ યે ક્લીન બોલ્ડ હો ગયા!’
•••
નવી ઓવર શરૂ કરાવતાં પહેલાં માઇકલ ક્લાર્ક ફિલ્ડિંગમાં ફેરફારો કરાવે છે. ક્રિકેટનો કોમેન્ટ્રેટર અજિતને પૂછે છે, ‘બોસ, યે કૌન સી ફિલ્ડિંગ પોઝિશન હૈં?’
પણ અજિત પોતાના દૂરબીન વડે પેવેલિયનમાં બેઠેલી યુવતીઓ નિહાળી રહ્યો છે. એક મિનિ-સ્કર્ટ પહેરેલી છોકરીને જોઈને તે કહે છે, ‘યે ફાઇન લેગ હૈ!’ અને બીજી એક ચપોચપ ટૂંકી ચડ્ડી પહેરેલી યુવતીને જોઈને કહે છે, ‘ઔર યે ડીપ ફાઇન લેગ હૈ!’
ગૂંચવાઈ ગયેલો કોમેન્ટ્રેટર હજી કંઈ પૂછે તે પહેલાં અજિતને દૂરબીનમાં એક ઠીંગણી છોકરી દેખાય છે. ‘યે શોર્ટ ફાઇન લેગ હૈ!’ અને એક જાડી છોકરીને જોઈને કહે છે કે, ‘યે ભી ફાઇન લેગ હૈ, મગર થોડા વાઇડ હૈ!’
ક્યા સીન હૈ!
અમારી ‘ચેનલ ભેળસેળ’માં હવે મૂવી ચેનલમાં પણ ગરબડો થવા લાગી છે. ફિલ્મ ‘નમકહલાલ’નો અમિતાભનો પ્રખ્યાત સીન છે કે, ‘ઇંગ્લિશ ઇઝ એ ફન્ની લેંગ્વેજ!’ પણ અમારી સ્પોર્ટસ ચનલ પર એ સીનમાં કોમેન્ટ્રી આપનારા અમિતાભના બધા ડાયલોગ જ ફરી ગયા છેઃ
‘ક્રિકેટ ઇજ એ ફન્ની ગેમ!
‘લોગ યે ગેમ ખેલતે ટાઇમ ‘ગલી’ કો મૈદાન બના દેતે હૈં, ઔર સુસરે ક્રિકેટ કે મૈદાનમેં જહાં સડક ભી દિખાઈ નહીં દેતી, વહાં પર ‘ગલી’ હોતી હૈ! ક્રિકેટ ઇજ એ ફન્ની ગેમ....
બોલ ફેંકનેવાલા ‘બોલર’ હોતા હૈ, ફિલ્ડ કરનેવાલા ‘ફિલ્ડર’ હોતા હૈ, મગર બેટ ચલાવનેવાલા ‘બેટર’ નહીં હોતા, કભી કભી વો સુસરા ‘વર્સ્ટ’ હોતા હૈ! ક્રિકેટ ઈજ એ ફન્ની ગેમ.
જો ટીમ ગ્રાઉન્ડ કે ‘ઇન’ હોતી હૈ વો દાવ નહીં લેતી, ઔર જો ટીમ ‘આઉટ’ હો રહી હોતી હૈ, દર અસલ ઉસકી યે ‘ઇનિંગ’ ચલ રહી હોતી હૈ, બેટ્સમેન કો જો સાઇડ દિખાઈ નહીં દેતી ઉસે ‘ઓન’ કહતે હૈં ઔર સુસરી જો સાઇડ ઉસે દિખ રહી હૈ ઉસીકો ‘ઓફ’ કહતે હૈં! ક્રિકેટ ઇજ એ ફન્ની ગેમ.
જબ ‘વિકેટ’ અચ્છા હોતા હૈ તો સાલી ‘વિકેટ’ હી નહીં ગિરતી ઔર જબ વિકેટ અચ્છા નહીં હોતા તબ ઢેર સારે વિકેટ ગિરતે હૈં! વિકેટ કે પીછે ખડે રહનેવાલે કા નામ વિકેટ-‘કીપર’ હોતા હૈ મગર ઉ સુસરે કા પહિલા કામ હૈ વિકેટ કો બાર બાર ગિરાના! ક્રિકેટ ઇજ એ ફન્ની ગેમ.
અપીલ કા મતલબ હોતા હૈ ભઈયા, બિનતી! રિક્વેસ્ટ! મગર યે અપીલ હંમેશા ચિલ્લાકર હી કી જાતી હૈ. બેચારી યે બોલ હૈ જો ટર્ન લેતી હૈ, ફિર ભી સારા ક્રેડિટ વિકેટ કો જાતા હૈ કિ ભૈયા વિકેટ ટર્ન લે રહી હૈ! ઓર યે બોલ હૈ જો બાઉન્સ હોતી હૈ ફિર ભી સોઇ હુઈ પિચ કો બતા કર કહતે હૈં કિ સાલા, ઇસીમેં બહુત બાઉન્સ હૈ! ક્રિકેટ ઇજ એ ફન્ની ગેમ.
પહલે હમ કહતે થે આઈ કેન ટાક ઇન ઇંગ્લીશ, આઈ કેન વાક ઇન ઇંગ્લિશ, પર અબ તો ટીવી પર સબ કહતે હૈ ટાક ક્રિકેટ, વાક ક્રિકેટ એન્ડ ઇટ ક્રિકેટ! ડોન્ટ બી અ બંદર, ઓલ્વેઝ બી અ પંટર!’
(પંટર = જુગારની રમત લેનારો બુકી)
કુદરત કા ફૈંસલા
અમે લોકસભાની ચૂંટણીનાં પરિણામો સતત ૧૨ કલાક સુધી જોયા! પછી એવું લાગ્યા કરે છે કે સાલું, બસ પતી ગયું? હવે ફરી ચૂંટણીઓ ક્યારે આવશે? પણ અમારી ‘ચેનલ ભેળસેળ’ કમાલ છે. ઓરિસા અને બંગાળમાં આવેલા વાવાઝોડાની હોનારત માટે ખાસ પ્રોગ્રામ ચાલુ કરી દીધો... કુદરત કા ફૈંસલા!
માઇક્રોવેવ લિન્ક વડે એ લોકો સવારથી સાંજ સુધી ટીવી પર તૂટેલાં મકાનો, ઊખડી ગયેલાં ઝાડ અને ફૂલી ગયેલી લાશો બતાડે છે... ‘લાઇવ’! અને સાથે સાથે ‘કુદરત કા ફૈંસલા’ના સ્કોરની ગણતરી તો ચાલુ જ છેઃ
‘તો અભી તક જો આંકડે મિલે હૈં ઉન પર એક નજર ડાલેં? કુલ મિલા કર અબ તક હમેં ૨૫૫ લાશેં મિલી હૈં જિન મેં ૬૮ બચ્ચેં, ૫૮ ઔરતેં, ૫૧ મર્દ હૈં ઔર ૨૬ લાશેં અન્ય કી હૈં!’
‘એક મિનિટ ભાઈ! આ મર્દ અને ઔરત તો સમજ્યા, પણ આ અન્ય કોણ છે?’
‘હજી સુધી તો અન્યની વિગતો નથી મળી. પણ અમે તરત જ ડિટેઇલ્સ આપીશું. અબ આગે ચલ કર યે દેખતે હૈં કિ રૂઝાન ક્યા કહતે હૈં?’
‘રુઝાન? આમાં પણ રુઝાન?’
‘હાં! બંગાલ ઔર ઓરિસા કે ગાંવોં સે હમેં જો રૂઝાન મિલે હૈં ઉન સે પત્તા ચલતા હૈ કિ લાશોં કા આંકડા ૫૪૨ તક જા સકતા હૈં, જિન મેં ૧૦૦ બચ્ચેં, ૧૧૯ બૂઢે...’
‘ચેનલ ભેળસેળ’ ફક્ત લાશોના આંકડાઓ નથી આપતી, એ વાવાઝોડાનું પોસ્ટ-મોર્ટમ પણ બતાવે છે. ગયા વખતના વાવાઝોડા કરતાં આ વખતે પવનના સુસવાટાનો ‘ઝુકાવ’ કઈ તરફ અને કેટલા ટકા ગયો, હેલિકોપ્ટરમાં ધસી આવનાર નેતાઓની ‘સરેરાશ ઝડપ’ કેટલી હતી... આવી ચીતરી ચડે એવી વિગતોની ચર્ચાઓની વચ્ચે વચ્ચે આવતી જાહેરખબરોમાં રૂપાળી છોકરીઓ ઝરણામાં નહાતી
હોય, ક્રિકેટરો નાચતા હોય, છોકરાઓ ચોકલેટ ખાતાં હોય અને મોર્ડન ગૃહિણીઓ રસોડામાં ડાન્સ કરતાં કરતાં છોલેપૂરી બનાવતી હોય છે!
તમે કહેશો કે લલિતભાઈ, શું જમાનો આવ્યો છે? હવે આપણે ટીવી પર લાશો ગણવાના પ્રોગ્રામો જોવાનો વારો આવશે? અમે કહીએ છીએ કે બાપલ્યા, ઇન્ડિયામાં થાય ઈ ઓછું! અટલે ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઇટ છે!


comments powered by Disqus