વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા અમેરિકા પ્રવાસે, પણ છવાઇ ગયા છે દુનિયાભરમાં. એક વર્ષના ટૂંકા ગાળામાં તેમનો આ બીજો અમેરિકા પ્રવાસ પહેલા પ્રવાસ કરતાં પણ વધુ સફળ પુરવાર થાય તો નવાઇ નહીં. યુનાઇટેડ નેશન્સ (યુએન) સિક્યુરિટી કાઉન્સિલમાં કાયમી સભ્યપદની મજબૂત દાવેદારીથી માંડીને દિગ્ગજ મૂડીરોકાણકારો, ટોચની મલ્ટીનેશનલ કંપનીઓના વડાઓ, ઇન્ફર્મેશન ટેક્નોલોજીનું વૈશ્વિક વડું મથક ગણાતી સીલીકોન વેલીમાં વર્ચસ ધરાવતી કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ સાથે મુલાકાત... બધે ન.મો. ન.મો. સાંભળવા મળતું હતું. અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં કાયમી સ્થાન માટે વધુ એક વખત ભારતનું સમર્થન કર્યું તો યુએન બેઠકમાં પણ મોદીનું ભાષણ ચોટદાર રહ્યું. આતંકવાદ મુદ્દે એમણે કરેલી ટિપ્પણી ખૂબ મહત્ત્વની બની રહી. યુએનની સ્થાપનાને ૭૦ વર્ષ થયાં છે, પણ આજ સુધી આતંકવાદની ચોક્કસ વ્યાખ્યા ઘડવામાં આવી નથી તેને આશ્ચર્ય જ ગણવું રહ્યું. મોદીએ પાકિસ્તાનનો ઉલ્લેખ પણ કર્યા વગર ઘણી વાતો કહી દીધી. આઇએસ સામે સમગ્ર વિશ્વે એકસંપ થઇને લડવું જોઇએ તેવી હાકલ પણ કરી અને બ્રાઝિલ, જપાન તથા જર્મનીના સબળ સમર્થન સાથે યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં સ્થાન માટેનો ભારતનો દાવો મજબૂત પણ કર્યો. અલબત્ત, તેનું પરિણામ ક્યારે મળે છે એ તો સમય જ કહેશે, પરંતુ ભારતની રજૂઆતને ગંભીરતાપૂર્વક ધ્યાને લેવામાં આવી છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે.
અત્યાર સુધી ભારતમાંથી વિદેશમાં જઇ વસતાં બૌદ્ધિક ધન માટે ‘બ્રેઇન ડ્રેઇન’ જેવો નકારાત્મક શબ્દ વપરાતો રહ્યો છે, પરંતુ નરેન્દ્ર મોદીએ આમાં પણ ભારત માટે ‘તક’ નિહાળી છે. અને આ જ અભિગમ તો મોદીને અન્ય નેતાઓની સરખામણીએ મુઠ્ઠીઉંચેરા સાબિત કરે છે. મોદીએ એસએપીમાં તેમના પ્રવચન દરમિયાન ‘બ્રેઈન ડ્રેઈન’નો મુદ્દો છેડતાં કહ્યું હતું કે આ તો બ્રેઈન ગેઇન છે, બ્રેઇન ડિપોઝીટ છે... એક
દિવસ આ લોકો (ભારતીયો) જ એમની માતૃભૂમિ માટે જરૂર કંઈકને કંઇક કરશે અને સમગ્ર દુનિયા માટે દાખલારૂપ બનશે.
વોલસ્ટ્રીટનાં ધુરંધરોથી માંડીને સીલીકોન વેલીના ચીફ એક્ઝિક્યુટિવ્સ સાથેની મુલાકાતમાં એમણે ડીજીટલ ઇન્ડિયાની વાત કરી અને તેના માધ્યમથી ભારત શું હાંસલ કરવા માગે છે તે મુદ્દે એટલી ચોટદાર રજૂઆત કરી કે સહુ કોઇ ભારત પર વરસી પડ્યા તેમ કહેવામાં જરા પણ અતિશ્યોક્તિ નથી. ગૂગલે ૫૦૦ રેલવે સ્ટેશનો પર વિનામૂલ્યે વાઈ-ફાઈ આપવાની જાહેરાત કરી છે. ક્વોલકોમ કંપનીએ ૧૫ કરોડ ડોલરનું વેન્ચર કેપિટલ ફંડ જાહેર કર્યું છે. આ મૂડીમાંથી મોબાઈલ અને અન્ય પ્રકારની નેટસેવા માટેનું માળખું ઉભું થશે. માઈક્રોસોફ્ટે પાંચ લાખ ગામડામાં લો-કોસ્ટ બ્રોડબેન્ડ નેટવર્ક ઉભું કરવામાં મદદ કરવાનું જાહેર કર્યું છે. મોદીની રજૂઆત જ એવી હતી કે કંપનીઓને વડાઓને સ્પર્શી જ જાય. તેમણે સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટરને ‘નવા પાડોશી’ ગણાવ્યા તો સાથોસાથ ભારત આર્થિક સુધારાની ઝડપ વધારવા માગે છે એવો ભરોસો પણ આપ્યો.
મોદીનો આ અમેરિકા પ્રવાસ આમ અનેક દૃષ્ટિકોણથી સફળ સાબિત થયો છે, પરંતુ સરકારે દેશમાં પોતાના વચનોનો અસરકારક અમલ કરવા માટે આવશ્યક પગલાં પણ લેવા જ રહ્યાં. વિદેશમાં જે જાહેરાતો થઇ હોય અને વચનો અપાયા હોય તેનો સમયબદ્ધ અમલ જરૂરી છે. મોદીના આ પ્રવાસે વિશ્વતખ્તે દેશની છાપ વધુ ઉજળી બનાવી છે, દેશનું વજન વધાર્યું છે ત્યારે સરકારે પણ વિદેશી મૂડીરોકાણ આકર્ષવાથી માંડીને વિવિધ ક્ષેત્રોના વિકાસ માટે વિદેશી સહયોગ સાધવાનો આ સોનેરી અવસર ચૂકવા જેવો નથી.