નવી દિલ્હીઃ સિંગાપુર ગ્રાં પ્રી દરમિયાન મરિના બે સર્કિટમાં ટ્રેક પર ચાલવા બદલ મૂળ ભારતીય એવા બ્રિટિશ નાગરિક યોગવિતમ પ્રવીણ ઢોકિયાની ધરપકડ કરવામાં આવી છે. તેના પર અવિવેકી રીતે ટ્રેક પર ચાલવાનો અને ડ્રાઈવરોનો જીવ જોખમમાં નાખવાનો આરોપ મૂકાયો છે.
ગયા મંગળવારે ૨૨ સપ્ટેમ્બરે તેને કોર્ટમાં હાજર કરાયા બાદ આ આરોપો નક્કી કરાયા હતા. સ્થાનિક ટીવી ચેનલના જણાવ્યા પ્રમાણે તેને રિમાન્ડમાં મોકલવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૨૦ સપ્ટેમ્બરે યોજાયેલી સિંગાપુર ગ્રાં પ્રી દરમિયાન પ્રવીણ મરિના બે સર્કિટ પર ચાલતો જોવા મળ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરીને તેને કોર્ટ સમક્ષ હાજર કર્યો હતો. તેની સામે પીનલ કોડ ૩૩૬ (એ)ના આધારે આરોપો ઘડવામાં આવ્યા હતા. આ આરોપો પ્રમાણે તેને ૧૫,૦૦૦ ડોલરનો દંડ કરવામાં આવ્યો હતો તથા તેનો પાસપોર્ટ પણ જપ્ત કરી લેવાયો છે.
બીજી તરફ પ્રવીણે કોર્ટને વિનંતી કરી હતી કે ૧૫,૦૦૦ ડોલરનો દંડ તેના માટે ખૂબ જ મોટો છે. તેની પાસે એટલા પૈસા જ નથી કે તે દંડ ભરી શકે. તેની પાસે જે પણ બચત હતી તેમાંથી તેણે ટિકિટો ખરીદી હતી. હવે તેની પાસે પૈસા બચ્યા નથી. આ ઉપરાંત તેણે એમ પણ જણાવ્યું કે, તે અત્યારે બેરોજગાર છે. બીજી તરફ તેણે કોઈ વ્યક્તિને ફોન કરવાની પરવાનગી માગી હતી, જેને મેજિસ્ટ્રેટે મંજૂર રાખી હતી.
અદાલતના નિર્ણય બાદ તેના સીસીટીવી ફૂટેજ જારી કરવામાં આવ્યા હતા. વીડિયોમાં દેખાય છે કે તે ટી-શર્ટ અને શોર્ટ્સ પહેરીને રેસની વિપરીત દિશામાં ચાલી રહ્યો હતો. તેના આ કરતૂતના કારણે ટ્રેક પર સુરક્ષા કાર તૈનાત કરવાની ફરજ પડી હતી.