સિલિકોન વેલીના મહેમાન બનેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અમેરિકાની ઓટોમોટિવ કંપની ટેસ્લા મોટર્સના કેમ્પસની મુલાકાત લીધી હતી અને ટેસ્લાની કેટલીક ક્રાંતિકારી શોધોમાં તેમણે ઘણો રસ લીધો હતો. આ મુલાકાત બાદ તેમણે ટ્વિટ કર્યું હતું કે તેઓ ટેસ્લા મોટર્સની ‘પાવરવોલ’ ટેક્નોલોજીથી ખૂબ પ્રભાવિત થયા છે.
આ ટેક્નોલોજીમાં બેટરીમાં લાંબા સમય સુધી વીજળીનો સંગ્રહ થઇ શકતો હોવાના કારણે ભારતના ગામોમાં ખેડૂતો માટે આ ટેક્નોલોજી અનેકવિધ રીતે ઉપયોગી સાબિત થઇ શકે છે. મોદીએ ટેસ્લાના કેમ્પસમાં એક કલાક જેટલો સમય ગાળ્યો હતો, જે દરમિયાન ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્ક તેમની સાથે રહ્યા હતા.
સીઇઓ મસ્કે મોટર ઇન્ડસ્ટ્રીની સિકલ બદલી નાખવા સક્ષમ અને અક્ષય ઊર્જાના ક્ષેત્રમાં ભારત જેવા વિકાસશીલ દેશો માટે મહત્ત્વપૂર્ણ બની રહે તેવી ટેસ્લાની ક્રાંતિકારી ટેક્નોલોજીઓ અંગે મોદીને પ્રેઝન્ટેશન આપ્યું હતું. જેમાં બેટરી ટેક્નોલોજી, એનર્જી સ્ટોરેજ અને રિન્યૂએબલ એનર્જી (અક્ષય ઊર્જા)નો સમાવેશ થતો હતો.
મોદીએ આ પ્રસંગે ટેસ્લામાં કામ કરતા ભારતીયો સાથે પણ વાતચીત કરી હતી અને તેમની સાથે સમૂહમાં તસવીર પણ ખેંચાવી હતી. ઇલેક્ટ્રિક વાહનો પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનો કરતાં વધુ સારા હોવાનો મત ધરાવતા એન્જીનિયર્સના એક સમૂહે ૨૦૦૩માં ટેસ્લાની સ્થાપના કરી હતી.