રિયો ડી’ જાનેરોઃ બ્રાઝિલની ફૂટબોલ ટીમના કેપ્ટન અને બાર્સેલોનાના હાઈપ્રોફાઈલ સ્ટાર નેયમારની આશરે રૂ. ૩૧૧ કરોડની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ બ્રાઝિલની કોર્ટે આપતા સનસનાટી મચી ગઈ છે. બ્રાઝિલ કોર્ટના સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું છે કે નેયમારે બે વર્ષ ૨૦૧૧થી ૨૦૧૩ સુધીની કમાણી પર ઓછો ટેક્સ આપ્યો હતો અને આ મામલે જ કોર્ટે ચુકાદો આપ્યો છે.
નેયમારે રૂ. ૧૦૬ કરોડ જેટલો ટેક્સ ઓછો ભર્યો છે તેમ બ્રાઝિલીયન ટેક્સ ઓથોરિટી માને છે અને આ જ કારણે તેઓએ ફૂટબોલ સ્ટાર સામે કેસ કર્યો હતો. સાઓ પાઉલો સ્થિત રિજિયોનલ ફેડરલ કોર્ટના જજ કાર્લોસ મુટાએ નેયમારની રૂપિયા ૩૧૧ કરોડની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે, જેથી તેની હરાજી કરીને ટેક્સ તેમ જ પેનલ્ટીની રકમ વસૂલ કરી શકાય.