કોલકતાઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના પ્રમુખ જગમોહન દાલમિયાના નિધન બાદ હવે બોર્ડના ભવિષ્ય ઉપર પ્રશ્નાર્થ મૂકાયો છે. સવાલ એ છે કે દાલમિયા બાદ હવે ૪૦૦૦ કરોડ રૂપિયાના બીસીસીઆઇનું મેનેજમેન્ટ કોણ સંભાળશે। નવા પ્રમુખની પસંદગી બોર્ડના સેક્રેટરી અનુરાગ ઠાકુર સામાન્ય સભાની વિશેષ બેઠક બોલાવશે તેમાં થશે.
બોર્ડના અધિકારીએ જણાવ્યું હતું કે બોર્ડની આચારસંહિતાની કલમ ૧૬ડીમાં જણાવ્યું છે કે પ્રમુખનું નિધન થાય તો સેક્રેટરી વિશેષ બેઠક બોલાવવા માટે નોટિસ જાહેર કરશે. ૨૧ દિવસમાં આ બેઠક બોલાવવામાં આવતી હોય છે જેના કારણે ઇન્ટ્રિમ પ્રમુખની પસંદગી કરી શકાશે.
આગામી પ્રમુખ કોણ?
દાલમિયાના નિધન બાદ બોર્ડના કોઈ સિનિયર સભ્યને એડહોક પ્રમુખ પસંદ કરી શકાય છે. એડહોક પ્રમુખ તરીકે રાજીવ શુકલા, અનુરાગ ઠાકુર, શશાંક મનોહર હોડમાં સૌથી પ્રબળ દાવેદાર છે. આ ઉપરાંત તાજેતરમાં પશ્ચિમ બંગાળ ક્રિકેટ એસોસિએશનનું પ્રમુખ પદ સંભાળનાર પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીનું નામ પણ ચર્ચામાં છે. એડહોક પ્રમુખ પસંદ કરાયા બાદ આ મામલો સ્પેશિયલ એજીએમમાં જશે.