શ્રદ્ધા અને ઉત્તેજનાના જુવાળમાં રતિભાર પણ અવ્યવસ્થા ઉમેરાય તો કેવું પરિણામ આવે તે સમજવા માટે મક્કા કરુણાંતિકા પર નજર ફેરવવી જોઇએ. મુસ્લિમ બિરાદરોની આસ્થાના કેન્દ્રબિંદુ સમાન મક્કા નજીક આવેલા મીનામાં એવી ભારે ધક્કામુક્કી થઇ કે ૭૬૯ વ્યક્તિએ જીવ ગુમાવ્યાં, જેમાં ગુજરાતના ૧૬ સહિત ૪૫ ભારતીયોનો પણ સમાવેશ થાય છે. આશરે ૧૦૦૦થી વધુને નાનીમોટી ઇજા થયાના અહેવાલ છે. સાઉદી અરબના આ પવિત્ર શહેરમાં છેલ્લા ૨૫ વર્ષમાં હજ દરમિયાન થયેલી આ સૌથી મોટી દુર્ઘટના છે. હજુ ગયા પખવાડિયે ભારે વંટોળના કારણે ક્રેન તૂટી પડતાં ૧૦૦થી વધુ હજયાત્રીઓના મૃત્યુની પીડા શમી નથી ત્યાં યાત્રાના અંતિમ તબક્કામાં શેતાનને પથ્થર મારવાની ધાર્મિક વિધિ દરમિયાન મચેલી ભાગદોડમાં આ ગમખ્વાર દુર્ઘટના સર્જાતા વિશ્વમાં ભારે ગમગીની ફેલાઇ છે.
ઇસ્લામ ધર્મમાં હજયાત્રાનું આગવું મહત્ત્વ છે. હજયાત્રા કરવી તે દરેક મુસ્લિમ માટે જિંદગીનો પૂણ્યપ્રસંગ છે. વિશ્વના ૧૮૦ દેશોમાંથી દર વર્ષે લગભગ ૨૦ લાખથી વધુ યાત્રીઓ હજ માટે મક્કા પહોંચે છે, પણ અફસોસની વાત એ છે કે દર વર્ષે કંઇને કંઇ નાનીમોટી ઘટનાંઓ બનતાં સેંકડો લોકોનાં જીવન નંદવાઇ જાય છે. ક્યારેક ભાગદોડમાં તો ક્યારેક અગ્નિકાંડમાં. ક્યારેક માનવસર્જિત આફત તો ક્યારેક કુદરતનો કેર. કુદરતના કેરને તો નાથવો મુશ્કેલ છે, પણ માનવસર્જિત આફતને અંકુશમાં લેવાનું મુશ્કેલ નથી.
મક્કામાં હજ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ એક જ સ્થાન પર એકત્ર થતા હોવાથી સ્થાનિક વહીવટી તંત્ર આમ તો વ્યવસ્થામાં ભારે તકેદારી રાખતું હોય છે. આમ છતાં હજી જાણે કંઇક ખૂટતું હોય તેમ તાજેતરની દુર્ઘટના જોતાં લાગે છે. દોડધામ કે ધક્કામુક્કી ન થાય તે માટે સતર્ક રહેવાનું યાત્રીઓને સતત કહેવાતું હોય છે અને છતાં આવી કરુણાંતિકાઓ સર્જાતી રહે છે તે અફસોસજનક છે. આમાં પણ સૌથી વધારે દુર્ઘટનાઓ ‘શેતાનને પથ્થર મારવાની વિધિ’ દરમિયાન જ થતી હોય છે. આથી પ્રશાસને સમગ્ર પરિસ્થિતિનું પૂર્વાનુમાન કરીને સુરક્ષાની એવી ચુસ્ત વ્યવસ્થા કરવી જોઇએ કે ભાગદોડ સર્જાય નહીં અને દુર્ઘટના થતી અટકાવી શકાય. હવે તો આધુનિક ટેક્નોલોજી અને સાધનોની સુવિધા ઉપલબ્ધ છે. તેની મદદથી આવી ઘટનાઓ રોકવા વ્યવસ્થાતંત્ર ગોઠવવું મુશ્કેલ નથી. છેલ્લાં બે દસકામાં મક્કાના બુનિયાદી માળખામાં નોંધપાત્ર સુધારા અને લાખોની ભીડને અંકુશમાં રાખવા માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવા ભારે ખર્ચ કરવામાં આવ્યો છે તેની ના નહીં, પરંતુ ગયા સપ્તાહની ઘટના દર્શાવે છે કે સમગ્ર વ્યવસ્થાતંત્રને નવેસરથી ગોઠવવાની જરૂર છે. નોંધનીય
છે કે છેલ્લા અઢી દસકામાં હજ દરમિયાન જુદી જુદી દુર્ઘટનાઓમાં આશરે ૪૦૦૦થી પણ વધારે યાત્રીઓએ તેમના જીવ ગુમાવ્યા છે.
ઘાયલ થયેલાઓનો આંકડો તો આનાથી અનેકગણો વધુ છે.
સાઉદી અરબના કિંગ સુલમાને મક્કાની દુર્ઘટના અંગે તપાસના આદેશો આપ્યા છે. દુર્ઘટનાનો ભોગ બનેલાઓમાં સૌથી વધારે ઇરાનના નાગરિકો હોવાથી ઇરાન સરકારે આક્રોશ વ્યક્ત કરતાં એવી લાગણી વ્યક્ત કરી છે કે સાઉદી અરબ સરકારે આ ઘટના અંગે ઇસ્લામ સમુદાયની માફી માગવી જોઇએ. પોતાના નાગરિકોને ગુમાવનાર ઇરાન સરકારનો આક્રોશ સમજી શકાય તેવો છે, પણ શું સાઉદી અરબ સરકાર માફી માગશે તેથી આવી દુર્ઘટનાઓ બનતી અટકી જશે? ખરેખર તો તમામ મુસ્લિમ દેશોએ એકસંપ થઇને ઇસ્લામ ધર્મના કેન્દ્રબિંદુ સમાન મક્કામાં સુસજ્જ માળખું ઉભું કરવા માટે પ્રયાસ હાથ ધરવાની જરૂર છે. અહીં સવાલ નાણાંનો નથી (મુસ્લિમ દેશો કેટલા ધનાઢય છે તે સહુ કોઇ જાણે છે), પણ નાણાના અસરકારક ઉપયોગ દ્વારા એક એવું માળખું કરવાનો છે જેનાથી હજયાત્રીઓ પર સતત મંડરાતો મોતનો ખતરો દૂર થાય અને તેઓ નિશ્ચિંત મને પરવરદિગારની બંદગી કરી શકે.