ગ્વાંગ્ઝુઃ વિશ્વની નંબર વન ટીમ સાનિયા મિર્ઝા અને માર્ટિના હિંગીસે તેમની વિજયકૂચ જારી રાખતા ગ્વાંગ્ઝુ ઓપનનું શનિવારે ટાઈટલ જીતવા સાથે જ આ સત્રનું છઠ્ઠું ટાઇટલ જીત્યું છે. આ ટોચની ક્રમાંકિત જોડીએ જુ શિલિન અને યુ ઝીઓડીની જોડીને ફાઇનલમાં ૬-૩, ૬-૧થી પરાજય આપી સતત બીજું ડબલ્યુટીએ ટાઇટલ મેળવ્યું હતું.
સાનિયા-હિંગીસની જોડીના દબદબાનો અંદાજ એ પરથી આવી શકે છે કે ફાઇનલ મેચમાં તેમણે એક પણ સેટ ગુમાવ્યો નહોતો. ૨૦૧૫ના સત્રમાં સાનિયાનું આ સાતમું ટાઇટલ છે અને હિંગીસ સાથે છઠ્ઠું ટાઇટલ તેણે મેળવ્યું છે. સાનિયા અગાઉ સિડનીમાં એક ટ્રોફી બેટેની-મેટ્ટેક સેન્ડ સાથે ટાઇટલ જીતી હતી.
સાનિયા-હિંગીસે માર્ચમાં સાથે જોડાયા બાદ અત્યાર સુધીમાં ૧૩માંથી છ ટાઇટલ જીત્યા છે. જેમાં ઇન્ડિયા વેલ્સ, મિયામી, કાર્લસ્ટોન, વિમ્બલ્ડન, યુએસ ઓપન અને હવે ગ્વાંગ્ઝુ ઓપનનો સમાવેશ થાય છે. તેઓ હવે સાથે મળીને જીત-હારનો ૪૨-૭નો રેકોર્ડ ધરાવે છે.