ડબ્લિન, નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૩ સપ્ટેમ્બરે આયર્લેન્ડની મુલાકાત લઇને ઇતિહાસ રચ્યો હતો. છ દસકાના લાંબા અરસામાં કોઇ ભારતીય વડા પ્રધાનનો આયર્લેન્ડનો આ પહેલો પ્રવાસ હતો. અમેરિકા પ્રવાસના પ્રથમ તબક્કામાં વડા પ્રધાન ડબ્લિન પહોંચ્યા હતા, જ્યાં એરપોર્ટ પર આયર્લેન્ડના આરોગ્ય પ્રધાન લિઓ વરાદકર તેમ જ અન્ય મહાનુભાવોએ આયરિશ પરંપરા અનુસાર તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
જોકે સ્વાગત સમારંભમાં સૌથી અવિસ્મરણીય પ્રસંગ હતો આયરિશ બાળકો દ્વારા સંસ્કૃત ભાષામાં પ્રાર્થનાનું પઠન. ભારતીય વડા પ્રધાનના સ્વાગત માટે યોજાયેલા શાનદાર કાર્યક્રમના પ્રારંભે પ્રાથમિક શાળાના બાળકોએ સંસ્કૃતના શુદ્ધ ઉચ્ચારો સાથે પ્રાર્થના રજૂ કરીને મોદીનું દિલ જીતી લીધું હતું. મોદી પ્રાર્થના ગાન કરી રહેલા બાળકો પાસે જઇને ઉભા રહ્યા હતા અને તેમની પ્રાર્થનાને સાંભળી હતી. બાદમાં તેમણે ઉપસ્થિત મહેમાનોને સંબોધતા હળવા શબ્દોમાં એવી ટિપ્પણી પણ કરી હતી કે ભારતમાં જો સત્તાવાર સમારંભમાં સંસ્કૃત પ્રાર્થના સાથે સ્વાગત થયું હોત તો ચર્ચાનો મુદ્દો બની ગયો હોત.
સાંજે વડા પ્રધાન મોદી આયરિશ વડા પ્રધાન એન્ડા કેનીને મળવા પહોંચ્યા હતા, જ્યાં બન્ને વડા પ્રધાનો વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા થઇ હતી. આ ઉપરાંત બન્ને દેશોના પ્રતિનિધિ-મંડળોએ આર્થિક સહકાર પર મંત્રણા કરી હતી.
ભારતીય વડા પ્રધાનને ઉષ્માભેર આવકારતાં એન્ડા કેનીએ આયર્લેન્ડની ક્રિકેટ જર્સી, સ્લિઓટર અને હર્લી ભેટમાં આપ્યાં હતાં. જ્યારે મોદીએ યજમાન વડા પ્રધાન કેનીને ભારતના રાષ્ટ્રીય સંગ્રહમાંથી પસંદગીની હસ્તપ્રતો અને અન્ય દસ્તાવેજોની નકલો ઉપરાંત માર્બલમાંથી તૈયાર કરાયેલું સ્મૃતિચિહન ભેટ આપ્યું હતું. એન્ડા કેનીએ વડા પ્રધાન મોદીના માનમાં ભવ્ય ભોજન સમારંભનું આયોજન કર્યું હતું.
વડા પ્રધાન મોદી સાંજે સાત કલાકે ડબ્લિનની ડબલ ટ્રી હિલ્ટન હોટેલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ભારતીય સમુદાયે તેમનું ભારે ઉલ્લાસભેર સ્વાગત કર્યું હતું. ભારતીય સમુદાયને સંબોધન કરતાં મોદીએ જણાવ્યું હતું કે, પ્રવર્તમાન માહોલ નિહાળીને લોકો વિચારી રહ્યા છે કે ૨૧મી સદી ભારતની રહેશે. સંબોધન બાદ વડા પ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે રવાના થયા હતા.
૬૦ વર્ષ પછી...
મોદીએ ડબ્લિનની મુલાકાત વેળા તેમની ફેસબુક પોસ્ટમાં જણાવ્યું કે ૬૦ વર્ષમાં કોઇ ભારતીય વડા પ્રધાનની આયર્લેન્ડની આ પહેલી મુલાકાત હશે. અત્યાર સુધી ૧૯૪૯ અને ૧૯૫૬માં ફક્ત જવાહરલાલ નેહરુએ જ આયર્લેન્ડની મુલાકાત લીધી હતી.
દુર્લભ હસ્તપ્રતોની ભેટ
વડા પ્રધાન મોદીએ આયર્લેન્ડના વડા પ્રધાન એન્ડા કેનીને કેટલીક ઐતિહાસિક હસ્તપ્રતો અને બ્રિટિશકાળના બે આઈરિશ અધિકારીઓને લગતા દસ્તાવેજોની ભેટ આપી હતી. બ્રિટિશ રાજ્યમાં થોમસ ઓલધમ અને જ્યોર્જ અબ્રાહમ નામના આ બે અધિકારીઓએ ભારતમાં ફરજ બજાવી હતી. આ ઉપરાંત મોદીએ તેમને ચાંદી, આરસ અને પથ્થરની હાથ બનાવટની ભેટો આપી હતી. આ ભેટોમાં શેમરોક (ત્રણ પાંદડાનું ઝૂમખું) નામે ઓળખાતું આયર્લેન્ડનું રાષ્ટ્રીય પ્રતીક, મીણબત્તીનું સ્ટેન્ડ અને આરતી લેમ્પનો સમાવેશ થતો હતો. મોદીએ એન્ડા કેનીને આપેલી હસ્તપ્રતો અત્યાર સુધી નેશનલ આર્કાઈવ્સ ઓફ ઈન્ડિયામાં સચવાયેલી હતી.