૩૯ ટકા મેદસ્વી લોકો પોતાને જાડા માનતા નથી

Wednesday 30th September 2015 06:45 EDT
 
 

લંડનઃ બાળકો અને મોટી ઉંમર ધરાવતા લોકોમાં વધુ પડતા વજનની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે ત્યારે મેદસ્વિતા અંગેના એક અભ્યાસમાં ચોંકાવનારું તારણ જાણવા મળ્યું છે. જે અનુસાર, મેદસ્વીતા ધરાવતા ૩૯ ટકા લોકો તો પોતે જાડા હોવાનું માનતા જ નથી. આથી તેઓ ભોજન અને કસરત બાબતે પણ ખાસ ઉત્સુક્તા દાખવતા નથી.
નવાઇની વાત તો એ છે ઓવરવેઇટ ધરાવતા લોકોમાં સંતોષ અને ખુશમિજાજપણું પણ વધારે હોય છે. વ્યક્તિ જ્યારે વજન વધારે હોવા છતાં તે વધારે ન હોવાના અહેસાસમાં રાચતી હોય ત્યારે ચિંતા કરાવ્યા વગર વજન ઉતારવું ડાયેટિશિયનો માટે પણ પડકારરૂપ બની જતું હોય છે.
ઓવરવેઇટ અંગેના અધ્યનનો લેખ ‘ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ઓબેસિટી’માં છપાયો છે. તેમાં વિશદ્ છણાવટ કરતાં લખવામાં આવ્યું છે કે મેદસ્વી લોકો પોતાનું વજન કરે ત્યારે વજન થોડુંક જ વધારે છે એવો આશાવાદ બાંધીને નોર્મલ લાઇફ જીવવા લાગે છે, જે લાંબા ગાળે તેમના માટે જોખમી સાબિત થાય છે. ઓવરવેઇટ રહેવાના કારણે શરીર અનેક રોગોનું ઘર બની જાય છે.
ઇંગ્લેન્ડમાં ૨૦૦૫થી ૨૦૧૨ સુધીમાં વજન અને ઊંચાઇ અંગે ૧૩થી ૧૫ વર્ષની ઉંમરના ૧૦૦૦ બાળકોને પ્રશ્ન પૂછવામાં આવતા ૩૯ ટકાએ પોતાનું વજન બરાબર હોવાનું અનુમાન બાંધ્યું હતું. જોકે છોકરા કરતા છોકરીઓ પોતાના વજન બાબતે વધુ સચેત જણાઇ હતી.
વધતું જતું ગળપણ ખાવાનું પ્રમાણ અને ભોજનમાં વધતા જતા તેલના વપરાશના કારણે મોટાપાની સમસ્યા વધતી જાય છે. મોટાપાને કારણે ડાયાબીટીસ, હૃદયસંબંધિત તેમ જ કેન્સર જેવી બીમારીઓ પણ થાય છે.
એક રિસર્ચ એવું પણ થયું છે કે વધારે વજનથી નોર્મલ જીવનના ૭થી ૮ વર્ષ ઓછા થાય છે. વધુ વજનથી ડિમેન્શિયા નામની બીમારી પણ થાય છે. એક માહિતી મુજબ ૨૦૫૦ સુધીમાં આ બીમારીથી પીડાતા લોકોની સંખ્યા વિશ્વમાં ૧૩.૫ કરોડની હશે. મેદસ્વીતાથી થતી આ એક એવી બીમારી છે, જેનો દુનિયામાં કોઇ જ ઇલાજ શોધાયો નથી.


comments powered by Disqus