ગરમીના દિવસોમાં આપણે નાજુક-નમણી ત્વચાને બચાવવા માટે સનસ્ક્રીન લગાવીને તેનું રક્ષણ કરીએ છીએ, પરંતુ તેનાથી પણ વધુ નાજુક આંખોની કાળજી લેવા માટે બહુ ઓછા લોકો પૂરતી કાળજી લે છે. સૂર્યપ્રકાશના તીવ્ર કિરણોથી ખુલ્લી આંખોને બહુ નુકસાન થવાનું જોખમ રહે છે. આ પરિસ્થિતિથી આંખોને બચાવવા માટે ગરમીના દિવસોમાં સનગ્લાસિસ બહુ જ સારું સુરક્ષા-કવચ બની શકે એમ છે.
સનગ્લાસિસ સ્ટાઇલ સાથે આંખની રક્ષા કરે છે આથી યુવતીઓના વોર્ડરોબમાં એકદમ જરૂરી એવી એક્સેસરીઝની યાદીમાં સનગ્લાસિસ પણ હોવા જ જોઈએ. સનગ્લાસિસની અગણિત વરાઇટી બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ કયા સનગ્લાસિસ અને કેવો શેડ તમારા ચહેરા પર સ્ટાઇલિશ લાગશે એ જાણી લેવું જોઈએ, જેથી તમે ખર્ચેલા નાણા પણ વસૂલ થાય.
ચશ્માં ખરીદતી વખતે કે તૈયાર કરાવતી વખતે કાળજી રાખો કે તેમાં UVA અને UVB પ્રોટેક્શન હોય. UVA એટલે અલ્ટ્રાવાયલેટ કિરણો A અને UVB એટલે અલ્ટ્રાવાયલેટ કિરણો B. સાદી ભાષામાં સૂર્યમાંથી નીકળતાં આ અદૃશ્ય કિરણો ચામડીને બહુ જ નુકસાન પહોંચાડે છે. તમે કોઈ પણ સનસ્ક્રીન લોશન લો એમાં આ બન્ને અવરોધી તત્વો હોય જ છે. આ જ રીતે સનગ્લાસમાં ઓછામાં ઓછું ૬૦ ટકા UVA પ્રોટેક્શન અને ૯૫થી ૯૯ ટકા UVB પ્રોટેક્શન હોવું જોઈએ. આથી UV પ્રોટેક્શન વગરના સનગ્લાસિસ ગમે તેવા હેવી ડિસ્કાઉન્ટમાં મળતા હોય તો પણ એ તમારા માટે નકામા છે.
સનગ્લાસિસથી તમારી આંખની આસપાસની ત્વચાને પણ ફાયદો થશે જ. કઇ રીતે? જો ઓવરસાઇઝ સનગ્લાસિસ પસંદ કરવામાં આવે તો ત્વચાને પણ લાભ થાય છે. સનગ્લાસિસનો નિયમિત ઉપયોગ કરવાથી આંખની આસપાસ કરચલીની સમસ્યા જલદી આવતી નથી. શક્ય હોય તો કથ્થઈ અથવા એમ્બર (પીળાશ પડતા રંગના) લેન્સ પસંદ કરો. સ્પોર્ટ્સની ઇવેન્ટમાં અથવા તો ડ્રાઇવિંગ વખતે પહેરવા માટે ગ્રે લેન્સવાળી ફ્રેમ પસંદ કરો.
યોગ્ય સાઇઝ
ચશ્માંની સાઇઝ મિલીમીટરમાં મપાય છે. એમાં લેન્સની પહોળાઈ, લંબાઈ અને એ બે વચ્ચેના અંતરને આધારે નક્કી કરાતી હોય છે. તમે સનગ્લાસિસ ખરીદવા શોપમાં જાઓ ત્યારે એમાં માપ લખ્યું હોય છે. દાખલા તરીકે જો ‘૬૦-૧૬-૧૧૫’ લખ્યું હોય તો બન્ને લેન્સ ૬૦ મિલીમીટર પહોળા છે, બન્ને લેન્સ વચ્ચેની જગ્યા ૧૬ મિલીમીટર છે અને ચશ્માંની દંડી ૧૧૫ મિલીમીટર છે. જ્યારે ઓનલાઇન સનગ્લાસિસની ખરીદી કરો ત્યારે પણ આ માપ જોઈને જ નક્કી કરવાનું.
પણ ચશ્માંનું માપ કેવી રીતે નક્કી કરશો? કાચની સામે ફુટપટ્ટી કે મેઝરટેપ લઈને ઊભા રહી જાઓ. બન્ને આંખો વચ્ચેનું અંતર, કેટલી સાઇઝના કાચ હોવા જોઈએ એનું અંતર અને ચશ્માંની દાંડી કેટલી રાખવી એ માપી લો. તમને તમારી આંખો માટેના લેન્સ ૬૦ મિલીમીટરના જોઈએ છે કે તેથી વધુ મોટા તે નક્કી કરો. તમે એવિએટર અને સ્ક્વેર સનગ્લાસ પણ ટ્રાય કરી શકો છો જેના લેન્સની સાઇઝ ૬૨ મિલીમીટર હોય છે.
ચહેરાનો આકાર
• સ્ક્વેર ફેસ શેપ: કરીનાના ચહેરાને ચોરસ આકારનો ચહેરો ગણાવી શકાય. લાંબી જો-લાઇનવાળો અને ચોરસ આકારના ચહેરાવાળાએ ગોળ ફ્રેમવાળા સનગ્લાસિસ પસંદ કરવા, કારણ કે ગોળાકાર સનગ્લાસિસ ચહેરાનાં ફીચર્સને સારો દેખાવ આપશે. ગોળાકાર ચશ્માંમાં પણ ફ્લેટ ચશ્માં ન પસંદ કરવાં. આંખો કરતાં મોટી સાઇઝનાં ચશ્માં તો એકદમ સ્ટાઇલિશ લુક આપશે.
• ટ્રાયેન્ગ્યુલર ફેસ શેપ: ચહેરાના આ પ્રકારના આકારમાં કપાળ મોટું અને દાઢી પાસેથી ચહેરો પાતળો હોય. આ આકારને હાર્ટશેપ ફેસ પણ કહી શકાય છે. દીપિકા પાદુકોણ અને અનુષ્કા શર્માનો ચહેરો આનું ઉત્તમ ઉદાહરણ છે. દીપિકા કે અનુષ્કા મોટા ભાગની જાહેર ઇવેન્ટમાં સનગ્લાસિસ સાથે દેખાય ત્યારે એ ચશ્માંનો આકાર એવિએટર હોય છે. આ ચશ્માં ચહેરાને આકર્ષક લુક આપે છે.
• લોન્ગ ફેસ શેપ: કેટરિના કૈફ, એન્જલિના જોલી, સારા જેસિકા પાર્કરના ચહેરાના આકારને આ શ્રેણીમાં લઈ શકાય. તમારા ચહેરાને નાનો દેખાવ આપવા ડિઝાઇનર સનગ્લાસિસ પહેરી શકાય. એમાં ચશ્માંની નીચેની બાજુની ફ્રેમ થોડી હળવી અને ઉપરની બાજુની ફ્રેમ ભારે રખાવવી.
• રાઉન્ડ ફેસ શેપ: રાની મુખરજી ગોળાકાર ચહેરો ધરાવે છે. ચહેરો થોડો મોટો અને પાતળો દેખાય એ માટે લંબગોળાકાર ફ્રેમ અથવા તો ચોરસ આકારની ફ્રેમ સારી લાગે.
• ઓવલ ફેસ શેપ: લંબગોળ આકારના ચહેરા માટે સોનાક્ષી સિંહા સારું ઉદાહરણ છે. આ ચહેરા પર તમે મોટા ભાગની સ્ટાઇલ કરી શકો છો. સ્પોર્ટ્સ સનગ્લાસિસ કે ફેશન સનગ્લાસિસ ધારણ કરી
શકો છો.