આંદોલનકારીઓ પર અંકુશ

Wednesday 27th May 2015 05:32 EDT
 

લોકશાહી શાસન પ્રણાલીમાં ધરણાં, વિરોધ પ્રદર્શન, આંદોલન ભલે પાયાનો અધિકાર ગણાતા હોય, પણ આ જ વિરોધ જ્યારે બેકાબૂ બની જાય છે ત્યારે સૌથી પહેલો ભોગ જાહેર સંપત્તિનો લેવાતો હોય છે. વળી, આવા આંદોલનોથી આમ આદમીને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે તે અલગ. આવા નિરંકુશ વિરોધ પ્રદર્શન સામે ઘણી વખત સરકાર પણ નિસહાય બની જતી હોય છે અને સુપ્રીમ કોર્ટ પણ આવા સંજોગો અંગે એકથી વધુ વખત ચિંતા વ્યક્ત કરી ચૂકી છે. જોકે હવે આવા આંદોલનો સામે આકરો કાયદો ઘડવા ભારત સરકારે કમર કસી છે. લોકશાહી તંત્રમાં વિરોધની અભિવ્યક્તિ ભલે અબાધિત અધિકાર ગણાય, પણ તેનાથી બીજા લોકોના રોજબરોજના જીવનમાં અંતરાય ઉભો કરીને બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન ન થઇ શકે એવું સુપ્રીમ કોર્ટનું તારણ હતું. આવી સ્થિતિ નિવારવા માટે કેવા પગલાં લઇ શકાય તે સૂચવવા સુપ્રીમ કોર્ટે જસ્ટિસ (નિવૃત્ત) કે. ટી. થોમસના અધ્યક્ષપદે એક સમિતિ રચી હતી. આ સમિતિના સૂચનો ધ્યાને લઇને ભારત સરકારે જાહેર મિલકતને નુકસાન થતું અટકાવતા કાયદામાં સુધારાનો મુસદ્દો તૈયાર કર્યો છે.
સૂચિત મુસદ્દા અનુસાર કોઇ રાજકીય પક્ષ કે સંગઠન દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શન, હડતાળ કે બંધ દરમિયાન જાહેર સંપત્તિને નુકસાન થશે તો જે તે પક્ષ કે સંગઠનના નેતાઓએ નુકસાનની બજારકિંમત મુજબ વળતર જમા કરાવવું પડશે. આની સાથોસાથ દોષિતોને કેદની પણ જોગવાઇ છે. એક આકરી જોગવાઇ એવી છે કે ફરિયાદ પક્ષે ફક્ત એટલું જ સાબિત કરવાનું રહેશે કે જે તે વ્યક્તિ તોડફોડ કરનાર ટોળામાં સામેલ હતી. આ પછી આરોપીએ પુરવાર કરવું પડશે કે તે તોડફોડ કરનાર ટોળામાં સામેલ નહોતી. એક અન્ય જોગવાઇ એવી છે કે કોઇ વિરોધ પ્રદર્શન, હડતાળ કે બંધ દરમિયાન સમર્થકોએ ધમાલ મચાવી હશે તો આ માટે આયોજક પક્ષ કે સંગઠનના નેતાઓને જવાબદાર ગણીને તેમને જેલમાં મોકલી શકાશે. સાથોસાથ વીજળી, પાણી, ગટર જેવી આવશ્યક સેવાઓને નુકસાન પહોંચાડનારાને વધુ કડક સજા કરવાની જોગવાઇ પણ સૂચિત મુસદ્દામાં સામેલ છે.
સરકારે તો જાહેર સંપત્તિઓને નુકસાન થતું અટકાવવાના ઇરાદે હિંમતભેર મુસદ્દો જાહેર કર્યો છે, પરંતુ તેનો અમલ શક્ય બને છે કે કેમ તે જોવું રહ્યું. આંદોલન વેળા નુકસાન થાય તો જે તે પક્ષ કે સંગઠનના નેતાઓને જવાબદાર ઠેરવતી દંડ અને કેદની સૂચિત જોગવાઇ સામે વિરોધનો ગણગણાટ શરૂ થઇ ગયો છે. સરકારનો ઇરાદો સારો છે, પણ સર્વસંમતિ વગર તેનો અમલ શક્ય જણાતો નથી.