ઇમ્યુનિટી વધારતા ખાદ્યપદાર્થો

સદાબહાર સ્વાસ્થ્ય

Wednesday 27th May 2015 07:42 EDT
 
 

આપણાં રોજિંદા જીવનમાં વપરાતાં જુદાજુદા ખાદ્યપદાર્થોમાં જુદા જુદા રોગો સામે લડવાની શક્તિ રહેલી છે. કયા પદાર્થમાં કયા ગુણો રહેલા છે એની જાણકારી મેળવવાથી યોગ્ય સમયે એ વસ્તુનો ઉપયોગ કરીને સ્વસ્થ રહી શકાય છે, ઇમ્યુનિટી (રોગપ્રતિકાર શક્તિ) વધારી શકાય છે. રોજબરોજમાં વપરાતી ખાદ્યસામગ્રી અંગેની થોડીક જાણકારી અહીં પ્રસ્તુત છે...

બદામ: રાત્રે ૮થી ૧૦ બદામ પલાળી દો અને બીજા દિવસે સવારે તેની એકદમ ચાવીને ખાઇ જાવ. આથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધવા ઉપરાંત મગજને તનાવથી લડવાની શક્તિ પણ પ્રાપ્ત થયા છે. બદામમાંથી મળતાં વિટામિન-ઈથી શરીરમાં કુદરતી રૂપે રહેલા કિલર સેલ્સને વધારવામાં મદદ મળે છે. આ કિલર સેલ્સ બેક્ટેરિયા અને કેન્સરયુક્ત કોષોનો નાશ કરવામાં સહાયરૂપ થાય છે. એ ઉપરાંત તે ત્વચાને સ્વસ્થ રાખીને કરચલી પડવાની પ્રક્રિયા ધીમી કરે છે. બદામના સેવનથી શરીરમાં બી-ટાઈપના કોષોની સંખ્યા વધે છે, જે એન્ટિ-બોડીઝના નિર્માણનું કામ કરે છે. શરીરને કાર્ડિયોવેસ્ક્યુલર રોગોથી બચાવે છે.

બ્રોકોલી: બ્રોકોલીમાં વિટામિન-એ અને વિટામિન-સી ઉપરાંત ગ્લૂટાથિયોન નામનું એન્ટિ-ઓક્સિડન્ટ તત્ત્વ રહેલું છે. જે રોગપ્રતિકાર તંત્રને મજબૂત બનાવે છે. આ શાકને સલાડના રૂપે ખાવાથી શરીરને જરૂરી માત્રામાં પ્રોટીન અને કેલ્શિયમ પણ મળી રહે છે.

મશરૂમ: રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વર્ષોથી વિશ્વમાં મશરૂમનું સેવન કરવામાં આવે છે. એ શ્વેતકણો વધારવામાં સહાયક છે. મશરૂમમાં સેલેનિયમ નામક ક્ષાર, એન્ટિ-ઓક્સિડન્ટ, વિટામિન-બી, રિબોક્લેવીન અને નાઈસીન તત્ત્વ રહેલાં છે. આ બધાના પરિણામે મશરૂમમાં એન્ટિ-વાયરલ, એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ટયુમર તત્ત્વ હોય છે. શિટાકે, મિટાકે અને રેશી નામની મશરૂમની જાતિઓમાંથી રોજ ૩૦ ગ્રામ મશરૂમનું સેવન કરવાથી ઈમ્યૂન સિસ્ટમ (રોગપ્રતિકારક શક્તિ) મજબૂત બને છે. સલાડ, સૂપ અને પાસ્તામાં મશરૂમનો વપરાશ કરી શકાય છે.

પાલક: પૌષ્ટિક તત્ત્વોથી ભરપૂર આ ભાજીને સુપર ફૂડના નામે પણ ઓળખવામાં આવે છે. એમાં રહેલાં ફોલિક એસિડથી શરીરમાં નવા કોષ બનવા ઉપરાંત ડીએનએનું સમારકામ થાય છે. એમાં રહેલા ફાઈબર, આયર્ન, એન્ટિ-ઓક્સિડન્ટ અને વિટામિન-સી શરીરને દરેક રીતે સ્વસ્થ રાખે છે. ઉકાળેલી પાલકના સેવનથી પાચનતંત્ર સારી રીતે કાર્યરત રહે છે. તેમ જ કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

લસણ: લસણમાં રહેલું એન્ટિ-ઓક્સિડન્ટ તત્ત્વ ઈમ્યૂન સિસ્ટમને બીમારીઓથી લડવાની શક્તિ આપે છે. એમાં રહેલાં એલિસિન નામક તત્ત્વથી શરીરને ઈન્ફેક્શન અને બેક્ટેરિયાથી લડવાની તાકાત મળે છે. ભોજનમાં દરરોજ લસણનો વપરાશ કરવાથી પેટના અલ્સર અને કેન્સરથી બચી શકાય છે. સવારે નરણે કોઠે લસણની બે કળી ચાવીને ખાવાથી હાઈ બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે.

સંતરા: સંતરા, લીંબુ, અનાનસ જેવાં ખાટાં ફળોમાં વિટામિન-સી વિપુલ પ્રમાણમાં હોય છે. જે લોહીમાં શ્વેતકણોના નિર્માણમાં મદદરૂપ થાય છે. સંતરાના સેવનથી બનતા એન્ટિ-બોડીઝ કોષ પર એક જાતનું આવરણ બને છે. જે વાયરસના પ્રવેશને રોકે છે. શરીરમાં એચડીએલ (સારું કોલેસ્ટ્રોલ) સંતરાનાં ઉપયોગથી વધે છે જેથી કાર્ડિયો-વેસ્ક્યુલર રોગો અને બીપી.માં ફાયદો થાય છે. રોજિંદા ભોજનમાં કોઈ પણ ખાટા ફળનો ઉપયોગ હિતાવહ છે.


comments powered by Disqus