વડીલો સહિત સહુ વાચક મિત્રો,
મનુષ્ય સહિત સહુ ભૂચર અને જળચર પશુપંખીઓમાં ઊંડે ધરબાયેલી એષણા એ કુદરતની કરામત છે. નાનામાં નાના જીવજંતુથી માંડીને સર્વ જીવ ડીએનએની આગવી ઓળખ ધરાવે છે. એષણા કે જીજીવિષા એ દરેક જીવ સાથે જાય. સંતાન, સ્વજન, સંસ્કાર, સ્વધર્મ આદિ પ્રત્યે માનવમાત્ર, અન્ય જીવોની જેમ પોતીકી ઓળખ જાળવવા અને તેનો વિકાસ સાધવા, જાણ્યે-અજાણ્યે સતત પ્રયત્નશીલ હોય છે. ઉત્ક્રાંતિના સિદ્ધાંતનું આ પાયાનું પરિબળ છે. પોતાના કરતાં પોતાના સંતાન વધુ સિદ્ધિ પ્રાપ્ત કરે, સુખશાંતિ મેળવે તેવું તો સહુ કોઇ ઇચ્છતા હોય છેને? જોકે અમુક અંશે આ તે આપોઆપ બનતી ઘટના કે પ્રક્રિયા હોવા છતાં આજુબાજુના સર્વાંગી પરિબળો તેમાં પાયાની ભૂમિકા ભજવતા હોય છે.
આપણી ભાષામાં એક બહુ જાણીતી ઉક્તિ છે - જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. પરંતુ મનોવૈજ્ઞાનિકો આથી ઉલ્ટું માને છે. તેમણે તારવ્યું છે કે જેવી સૃષ્ટિ તેવી દૃષ્ટિ. એક ઉદાહરણ લઇએ. ધરતી માતા આપણને ફૂડ (અનાજ, ફળફળાદિ વગેરે), ફ્યુઅલ (ઈંધણ, તેલિબિયાં ઇત્યાદિ) અને ફાઇબર (કપાસ, રેશમ, શણ આદિ) પૂરાં પાડે છે. જગતનિયંતાની એ અગમચેતી કહો તો અગમચેતી, અને આગોતરું આયોજન કહો તો તેમ, પણ તેમણે માનવીની ઉત્પતિ અને તેની ઉત્ક્રાંતિ અગાઉ જ આ ત્રણ પાયાની જરૂરિયાતો સાકાર કરી. કોઇ પણ વનસ્પતિ (કે વિચારનું) બીજ ભલે એક જ પ્રકારનું હોય, પરંતુ તેના કસ, સત્વનો આધાર એ તમામ બાબત નિર્ભર હોય છે કે તે કઇ જગ્યાએ રોપાય છે, કઇ રીતે તેનો ઉછેર થાય છે અને ક્યા પ્રકારે તેને ‘ખેડ, ખાતર અને પાણી’ પૂરા પડાય છે.
યહૂદીઓનો પ્રભાવ
આ જ વાતને આપણે માનવ સમુદાયના એક દૃષ્ટાંત સાથે સમજીએ. અત્યારે વિશ્વ-ધરા પર ૭૦૦ કરોડની જનસંખ્યા વસે છે. જેમાંથી ૧૬ મિલિયન યહૂદી પ્રજાજનો હોવાનું અધિકૃત રીતે જણાવાય છે. એક કોમ કે કોમ્યુનિટી તરીકે ખૂબ અલ્પસંખ્ય પ્રજાએ વિવિધ ક્ષેત્રે અત્યંત જ્વલંત સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. બ્રિટન તેમ જ અન્ય દેશોના દૈનિકોમાં કે સામયિકોમાં અગ્રગણ્ય વ્યક્તિઓની જે શ્રદ્ધાંજલિઓ પ્રકાશિત થાય છે તેમાં અંદાજે ૨૦ ટકાથી વધુ મહાનુભાવો યહૂદી કોમના હોય છે. સામાન્ય રીતે યહૂદી કોમને વેપાર-ઉદ્યોગમાં જ અતિ સક્રિય ગણવામાં આવે છે. જ્યારે હકીકત એ છે કે કળા-સાહિત્ય, સંગીત, વિજ્ઞાન, ટેક્નોલોજી, રમતગમત, રાજકારણ, અર્થતંત્ર, સખાવત, જીવનના લગભગ દરેક ક્ષેત્રે યહૂદી સમુદાય સિદ્ધિની સાફલ્યાગાથા સોનેરી અક્ષરે લખતો રહ્યો છે. ઘણા લોકોને આશ્ચર્ય થાય છે કે ઈઝરાયેલ એ ખોબલા જેવડો દેશ, અને મુઠ્ઠી જેટલી વસ્તી... કઇ રીતે આ સમુદાય સફળતાના શીખરો આંબતો રહ્યો છે. પરંતુ મારું અંગત માનવું છે કે આ સમુદાયની સિદ્ધિના મૂળમાં રહેલું છે પરંપરાનું જતન અને સંવર્ધન. યહૂદીઓ પેઢી દર પેઢી પોતાની પરંપરાનું બહુ કાળજીપૂર્વક સિંચન કરે છે.
હમણાં બે યહૂદી ભાઇઓની અપ્રતીમ સિદ્ધિઓ વિશે મેં વાંચ્યું. આ બંધુ-બેલડીના નામ છે - માઇકલ અને યાએલ ઝાઓઇ. માઇકલ મોટો. તેનો જન્મ ૧૯૫૬માં. અને યાએલ નાનો. તેનો જન્મ ૧૯૬૧માં. બન્નેની જન્મભૂમિ નોર્થ આફ્રિકાનો મોરોક્કો દેશ. યહૂદી કોમ અરબ દેશોમાંથી સ્થળાંતર કરીને મરજીયાત કે ફરજીયાત યુરોપ, અમેરિકા કે ઓસ્ટ્રેલિયામાં વધુ સ્થાયી થઇ રહી છે. આ બન્ને ભાઇઓ સુશિક્ષિત છે. મોર્ગન સ્ટેનલી અને ગોલ્ડમેન શેક્સ જેવી મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓમાં ઊંચા હોદ્દે કામ કર્યા બાદ બંધુ-બેલડીએ સન ૨૦૧૨માં મર્જર એન્ડ એક્વિઝિશનનું કામકાજ કરતી કંપની સ્થાપી. મર્જર એન્ડ એક્વિઝિશન એટલે પોતાના વેપાર-ધંધાના વિસ્તરણ માટે, કંપનીના પાયાને વધુ મજબૂત બનાવવા, કંપનીની કામગીરીને વધુ સુગમ બનાવવા કે પછી કોઇ અન્ય કારણસર બીજી કંપનીનું હસ્તાંતરણ કરવું કે સંપાદન કરવું. બિઝનેસની ભાષામાં M&Aતરીકે ઓળખાતી આ કામગીરી વિશેષ વ્યાવસાયિક કૂનેહ માગી લે છે. ખરીદનાર વ્યક્તિને હિસાબકિતાબ કે નફાતોટાનો જ નહીં, ભાવિ વિકાસનો પણ અંદાજ હોય તો જ સોદો લાભકારક પુરવાર થાય, નહીં તો મૂળ કંપની પણ ખોટના ખાડામાં જઇ ડૂબે.
જોકે એક સમયે અન્યને ત્યાં નોકરી કરતાં આ ભાઇઓએ આપબળે, વ્યાવસાયિક સૂઝબૂઝથી આજ સુધીમાં ૧૫૨ બિલિયન ડોલરની સોદાબાજી કરી છે. આ યહૂદી ભાઇઓને શિક્ષણ ક્ષેત્રે વિશેષ રસ-રૂચિ છે તે સાચું, પરંતુ તેઓ ગીત-સંગીતના પણ શોખીન છે. નાનપણથી ઇન્સ્ટ્રુમેન્ટલ સંગીત સાંભળવાના શોખીન આ ભાઇઓ પિયાનો પણ વગાડી જાણે છે. જોકે સૌથી વિશેષ વાત એ છે કે બન્ને ભાઇઓ - માઇકલ અને યાએલ પોતે યહૂદી હોવા વિશે સુજાણ છે. માતૃભૂમિ ઇઝરાયલ પ્રત્યે તેમને અનહદ લગાવ છે. આ બન્ને ભાઇઓ વિશેનું પુસ્તક વાંચતા એક બીજી વાત પણ ખાસ ઊડીને આંખે વળગી કે યહૂદી પ્રજામાં કોઇ પણ ક્ષેત્રમાં પ્રગતિ કરવા માટે પારાવાર મહત્ત્વાકાંક્ષા, પરિશ્રમની ભાવના અને સ્પર્ધા પ્રવર્તે છે.
યહૂદીઓનો પીડાજનક ઈતિહાસ
યહૂદી કોમની સફળતાને સમજવી હોય તો તેમના ઇતિહાસ પર પણ નજર ફેરવવી જોઇએ. આજથી આશરે બે-અઢી હજાર વર્ષ અગાઉ યહૂદીઓને તેમના માદરેવતન ઇઝરાયલમાંથી ફરજીયાત દેશનિકાલ કરવામાં આવ્યા. આ પછી રઝળપાટ દરમિયાન યહૂદી પ્રજાએ વિવિધ પ્રકારના પક્ષપાત અને સંતાપ સહન કર્યા. યુરોપના દેશોમાં તે વેળાએ ઠેર ઠેર વિખરાયેલા યહૂદીઓને વેપાર-ઉદ્યોગ, રાજકારણ, શિપિંગ જેવા ક્ષેત્રોથી કાયદેસર બાકાત રાખવામાં આવતા હતા. આશરે ૩૫૦થી ૪૦૦ વર્ષ પૂર્વે મોટા ભાગના યહૂદીઓ કાં તો ખેત મજૂર હતા કે સીવણગૂંથણ કરતા હતા કે સોનીકામ કરતા હતા કે ચર્મકાર તરીકે કામ કરતા હતા. નબળાનું તો કોઇ ધણી ન હોય ને? જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલરે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન આશરે ૬૦ લાખથી વધુ યહૂદીઓને જીવતેજીવ ગેસચેમ્બરમાં હોમી દઇને સમગ્ર કોમને સફાયો કરી નાખવા પ્રયાસ કર્યો હતો.
જોકે આજે યહૂદીઓની સ્થિતિ શું છે? ઇઝરાયલ યહૂદીઓનો દેશ છે. તેની વસ્તી છે ૬૫ લાખ, તેમાં યહુદીઓ ૫૫ લાખ. આશરે ૬૦ લાખ યહૂદીઓ અમેરિકામાં વસે છે. બ્રિટનમાં ત્રણેક લાખ અને ફ્રાન્સ સહિતના યુરોપીય દેશોમાં વસતાં યહૂદીઓની સંખ્યાનો આંકડો વીસેક લાખ થાય છે. બાકીના અન્ય દેશોમાં વસે છે. આજે દુનિયાનો ભાગ્યે જ કોઇ દેશ એવો હશે જ્યાં યહૂદી ન હોય. પછી તે ઇરાન હોય કે સાઉદી અરેબિયા - ઓછીવતી સંખ્યામાં તેમની હાજરી દેખાવાની જ. ઇઝરાયલ ભલે ટચુકડું રહ્યું, પણ તેની શૂરવીરતા અને શક્તિ આજુબાજુના ૨૦ કરોડથી વધુ લોકોની વસ્તી ધરાવતા અરબ રાષ્ટ્રો માટે પડકારસમાન પુરવાર થઇ રહ્યાં છે.
યહૂદી કોમની દિશા-સ્થિતિમાં આવું આશ્ચર્યજનક પરિવર્તન કઇ રીતે થયું!
વિશ્વના પુરાતન ધર્મોમાં યહૂદીનો પણ સમાવેશ થાય છે. તેમનો લેખિત ઇતિહાસ કે કેટલાક સ્મારકો આશરે પાંચથી સાત હજાર વર્ષ જૂના હોવાનું નોંધાયેલું છે. જોકે સનાતન હિન્દુ સંસ્કૃતિ વધુ પુરાતન ગણાય. ઉદાહરણ તરીકે, સૌરાષ્ટ્રમાં આવેલા બેટ-દ્વારિકાના દરિયાઇ પેટાળમાં હાથ ધરેલા સંશોધનમાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇંડિયાને પૌરાણિક પ્રતિમાઓ, કંડારેલા પથ્થરો આદિ મળી આવ્યા છે. તેનો કાર્બન ટેસ્ટ (જે તે વસ્તુ કેટલી જૂનીપુરાણી છે તે જાણવા માટે થતું વૈજ્ઞાનિક પરીક્ષણ) પુરવાર કરે છે કે હિન્દુ સંસ્કૃતિ ઓછામાં ઓછી ૯૦૦૦ (હા, પૂરા નવ હજાર) વર્ષથી વિદ્યમાન છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઇસુ ખ્રિસ્ત અને ઇસ્લામ ધર્મના મોહમ્મદ પયગંબર બન્ને ખ્રિસ્તી કુળમાં ઉછર્યા હતા. ઇસુ ખ્રિસ્ત લગભગ ૨૧૦૦ વર્ષ પૂર્વે અને મોહમ્મદ પયગંબર લગભગ ૧૫૦૦ વર્ષ પૂર્વે. ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મના ઉદય સાથે સહજ છે કે યહૂદીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. અત્યારે જેમ ઇસ્લામના મોટા ભાગના અનુયાયીઓને યહૂદી સામે જાણે હાડવેર છે તેમ હજુ હમણાં સુધી ખ્રિસ્તીઓમાં યહૂદીઓ સામે પારાવાર ધિક્કાર વ્યાપેલો હતો.
ઇસુ ખ્રિસ્તના ૧૨ શિષ્યોમાંના એક યહૂદી શિષ્યે તેમને વધસ્તંભ પર ચઢાવવા આંગળી ચીંધી હતી તેવો ઉલ્લેખ ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં છે. આ અને આવા કારણસર યહૂદી સમુદાય પ્રત્યે દુર્ભાવ, દ્વેષ, ધિક્કાર, પૂર્વગ્રહ ખ્રિસ્તી વિશ્વમાં વ્યાપ્યા હતા. દાખલા તરીકે, બ્રિટનમાં જે કંઇ યહૂદી સમાજ હતો તેને ૧૬મી સદીમાં બળજબરીથી દેશનિકાલ કરાયો હતો. તેને પર્સીક્યુશન કહેવાય છે. સ્પેનમાં એક સમયે યહૂદીઓની મોટી વસ્તી હતી. ત્યાં કેથલિક ધર્મીઓ દ્વારા દક્ષિણ સ્પેનના અરબ સમુદાયનો પ્રભાવ ધરાવતા વિસ્તારોમાંથી ઇસ્લામને હાંકી કાઢવામાં આવ્યો ત્યારબાદ યહૂદીનો પણ એવો જ ઘાટ થયો. પોલેન્ડ, હંગેરી તથા યુરોપના અન્ય દેશના યહૂદીઓ પણ પારાવાર પીડાનો ભોગ બન્યા છે. જેમને કોઇ દેશ નહીં, જેમને એક દેશમાંથી બીજા દેશમાં ધકેલી દેવામાં આવે, જેમને રોજીરોટી માટે કાયમી વ્યવસાય કે તેવા કોઇ હક્કો ન હોય તે પ્રજાનું બીજું શું ભવિષ્ય હોય?
આ અત્યંત ત્રાસદાયક પરિસ્થિતિમાંથી મુક્તિ મેળવવા લગભગ ૩૦૦ વર્ષ પૂર્વે એક યહૂદી વિદ્વાન લેખકે ચિંતન કર્યું અને યહૂદી પ્રજાની અસ્મિતા જાળવવા પોતાના શિક્ષિત મિત્રોમાં એક ઝૂંબેશ ચલાવીને વિચારનું વહેણ વહેતું કર્યું. (આ વિદ્વાનનું નામ હૈયે તો છે, પણ પેનમાં નથી આવતું.) તમે જૂઓ મિત્રો, વિચારને પણ કેવી આગવી ગતિ હોય છે. જે યુગમાં વાહનવ્યવહાર કે સંદેશવ્યવહારની સાધનસુવિધા નહોતી તેવા અરસામાં જોતજોતામાં વૈશ્વિક યહૂદીઓના જગતમાં જનજાગૃતિનો જુવાળ પ્રગટ્યો.
કાળક્રમે વર્લ્ડ જ્યૂઇશ કોંગ્રેસ અને તેના જેવા સંગઠનોએ જનસાધારણ યહૂદીમાં વધુ આત્મવિશ્વાસ, ખુમારી અને મહત્ત્વાકાંક્ષાના બીજ રોપ્યા. આજના વિશ્વમાં યહૂદીઓ ખૂબ નાની સંખ્યામાં, પણ તેમની હાજરી દરેક સ્તરે ઉપરની હરોળમાં જોઇ શકાય છે. આ બાબત અત્યારે તો બસ આટલું જ...
નોબલ પુરસ્કાર વિજેતાઓની, છેલ્લા સોએક વર્ષના ઇતિહાસની યાદી પર નજર ફેરવશો તો તેમાં અંદાજે ૨૦ ટકા નામ યહૂદી કોમના વાંચવા મળશે. વિશ્વમાં અત્યારે ૧.૩૭ લાખ જેટલા મલ્ટી મિલિયોનેર હોવાનું માનવામાં આવે છે. આમાં પણ યહૂદી કોમની સંખ્યા લગભગ ૨૩થી ૨૫ ટકા (૪૦,૦૦૦) જેટલી હોવાનો પ્રાથમિક અંદાજ છે. પારિવારિક મૂલ્યો તેમજ પરંપરાના જતન માટે યહૂદીઓ ખૂબ જાગ્રત અને સમર્પિત રહ્યા છે તેનું આ પરિણામ છે. આપણા સમાજને યહૂદી પ્રજા પાસેથી, વિવિધ ક્ષેત્રે, ખૂબ જાણવાનું, સમજવાનું અને અનુસરવાનું પ્રાપ્ત થઇ શકે - જો સહુ કોઇ આંખ-કાન ખુલ્લાં રાખે તો.
‘મા, માતૃભૂમિ, માતૃભાષા, માતૃસંસ્થાને ક્યારેય ભૂલવા નહીં’
વાચક મિત્રો, આ શબ્દો મારા નથી. અમદાવાદથી પ્રસિદ્ધ થતા ‘દિવ્ય ભાસ્કર’ દૈનિકના સોમવાર ૨૯ જાન્યુઆરી, ૨૦૦૭ના અંકના પાન નં. ૩ ઉપરથી ટપકાવ્યા છે. આ અમૃતબિંદુ સમાન શબ્દો છે પૂ. મોરારિબાપુના. ગુજરાત સ્ત્રી કેળવણી મંડળના એક એવોર્ડ વિતરણ સમારોહમાં જશીબહેન નાયકનું સન્માન કરવામાં આવ્યું હતું તે વિશે કેટલીક માહિતી સાદર કરવાનો મારો પ્રયાસ છે. ૯૬ વર્ષનાં પૂ. જશીબહેન વીતેલા સપ્તાહે ફરી એક વખત બ્રિટનના પ્રવાસે પધાર્યાં છે. તેમના પુત્ર ડો. પ્રશાંતભાઇ નાયક લિવરપુલ વિસ્તારમાં રહે છે. અગાઉ મેડિકલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. સંગીતશાસ્ત્રને વરેલા ડો. નાયકે સાઉથ એશિયન મ્યુઝિક યુથ ઓરકેસ્ટ્રા (SAMYO) નામની સંગીતસંસ્થા સ્થાપી છે. SAMYO સંસ્થા પૂર્વ અને પશ્ચિમના સંગીતનો સુંદર સમન્વય કરી રહી છે, પણ આજે મારે મુખ્ય વાત કરવી છે પૂ. જશીબહેન વિશે.
૧૯૧૮માં જશીબહેનનો જન્મ થયો. તેમના પિતાના નામથી વાચકો કદાચ વધુ પરિચિત હશે. સુવિખ્યાત કેળવણીકાર અને સંખ્યાબંધ પુસ્તકોના લેખક તરીકે હરુભાઇ ત્રિવેદી બહુ મોટી નામના ધરાવતા હતા. જશીબહેનના પતિ ડો. રઘુભાઇ નાયકે પણ શિક્ષણ ક્ષેત્રે ખૂબ નામના મેળવી હતી. કેળવણી ક્ષેત્રે તેમના પ્રશંસનીય પ્રદાનને તો ભારત સરકારે પણ પદ્મશ્રી ખિતાબથી બિરદાવ્યું હતું. જશીબહેને પણ કેટલાક પુસ્તકો લખ્યા છે. મારા બેડરૂમમાં તેમનું એક પુસ્તક ‘સ્મૃતિના અસવાર’ હંમેશા મારી નજર સમક્ષ હોય છે. તેમના આ વાર્તાસંગ્રહમાં રજૂઆત પામેલા માર્મિક પ્રસંગો માનવીય સંઘર્ષોમાંથી પરિણમતા મધુર માનવપ્રેમનો પરિચય કરાવે છે. કુટુંબજીવન સમૃદ્ધ અને પ્રસન્ન બનાવવા તેમ જ સંતાનોને વિકાસશીલ બનાવવાનો આગ્રહ સેવતા માતા-પિતાઓ માટે આ પુસ્તક અનેક રીતે માર્ગદર્શક બની રહે તેવું છે.
૨૦૦૭ના જાન્યુઆરીમાં અમદાવાદ ખાતે ગુજરાત સ્ત્રી કેળવણી મંડળના એવોર્ડ સમારોહમાં પૂ. મોરારિબાપુએ પૂ. જશીબહેન સહિત અન્ય કેટલાક નારીરત્નોને વિવિધ એવોર્ડથી પોંખ્યા હતા. આ વિશે વધુ જાણકારી મેળવવી હોય, પૂ. જશીબહેનને મળવું હોય તો ડો. પ્રશાંતભાઇ નાયકનો સંપર્ક કરવા અનુરોધ છે. તમે કાર્યાલયમાં ન્યૂસ એડિટર ભાઇ કમલ રાવનો કોન્ટેક્ટ કરશો તો પ્રશાંતભાઇના સંપર્ક અંગે જાણકારી મળી રહેશે.
હું આ વાત પૂરી કરતાં એટલું જ કહેવા માગું છું કે આપણા સંતાન કે સાથીને માટે કેવા પ્રકારની સૃષ્ટિ આપણે સર્જી શકીએ તે વધારે અગત્યનું છે.
મેઘધનુષ જેવું વ્યક્તિત્વ ધરાવતા નરેશભાઇ પટેલને ભાવાંજલિ
નરેશભાઇ પટેલ આ ફાની દુનિયા છોડી ગયાને દસ વર્ષ થઇ ગયા, પરંતુ તેમનું સપ્તરંગી વ્યક્તિત્વ આજે પણ મારા માનસપટ પર નાનાંમોટાં સ્મરણોનું મેઘધનુષ સર્જી રહ્યું છે. એક માણસની કેટકેટલી ઓળખ! કોલોરોમા ફોટો લેબના સ્થાપક. ય‘ડડુરોપા ફૂડ્સના ચેરમેન. ભારતીય વિદ્યાભવનના નાટ્ય વિભાગના પ્રોડ્યુસર પણ ખરા અને એક્ટર પણ ખરા. જોકે આ બધાથી પણ ચાર ચાસણી ચઢી જાય તેવું તેમનું ઉમદા વ્યક્તિત્વ. પોતે જે કોઇ ક્ષેત્રે કામ કર્યું તેમાં સફળતાના સર્વોચ્ચ શિખરે પહોંચ્યા, પણ પગ તો ધરતી પર જ રાખ્યા.
વ્યક્તિ એક, પણ ઓળખ અનેક ધરાવતા નરેશભાઇ મિત્રો, સ્વજનો, સમર્થકોમાં નાટકના પ્રોડ્યુસર - એક્ટર તરીકે વધુ જાણીતા હતા એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. વર્ષોજૂના પરિચયના કારણે મારું માનવું છે કે તેમને પણ કદાચ આ જ ઓળખ વધુ પસંદ હતી. (મારા આ તારણ સાથે મત-ભેદ હોય તો નરેશભાઇના પરિવારજનો મને માફ કરે.) સ્થળસંકોચના કારણે તેમની જીવન ઝરમર વિશે વધુ રજૂઆત કરવી અશક્ય છે, પણ...
...૧૯૭૨માં લંડનમાં ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરવામાં આવી. શરૂઆતથી જ હું તેમાં યથામતિ-યથાશક્તિ નાનીમોટી પ્રવૃત્તિઓમાં સહયોગ આપતો આવ્યો છું. લગભગ ચારેક દસકા પૂર્વે નરેશભાઇ સાથે પહેલો પરિચય થયો. (જે તેમના જીવનના અંત સુધી જળવાયો.) તેમના બનેવી આર. કે. પટેલની લંડનના વુલીચ કે ગ્રીનીચ વિસ્તારમાં દુકાન હતી. ત્યાં કોલોરોમા ફોટો લેબનો પાયો નંખાયો. તે સમયે અમારા પરિવારની આઠ-દસ શોપ્સ હતી. તેમાંની એક શોપ ચિઝિક હાઇ રોડ પર હેવમોર ડ્રગ સ્ટોર નામે હતી. એક બપોરે એક સજ્જન આવ્યા. નરેશ પટેલ તરીકે પોતાનો પરિચય આપ્યો અને અમને કોલોરોમા ફોટો લેબની કામગીરી વિશે જાણકારી આપી ફિલ્મ ડેવલપ કરવાની કામગીરીના એજન્ટ બનવા માટે અનુરોધ કર્યો. આ ઓફર બન્ને પક્ષ માટે લાભકારક હતી, તેથી ઇન્કારનો તો સવાલ જ નહોતો. તેમણે બેનર મૂક્યું અને અમારી શોપમાં કોલોરોમા ફોટો લેબનું આઉટલેટ શરૂ થયું. નરેશભાઇની કાર્યશીલતા અને ફરજપરસ્તીના કારણે જોતજોતામાં તો વિવિધ વિસ્તારોમાં કોલોરોમાના ૧૫૦૦થી ૨૦૦૦ આઉટલેટ્સ ધમધમતા થઇ ગયા. કાળક્રમે કેમેરામાં ડિજીટલ ટેક્નોલોજીના પગરણ થયા અને તેમને વ્યવસાયિક માર્ગ બદલવો પડ્યો તે અલગ વાત છે, પણ ભારતીય વિદ્યાભવનના બેનમૂન નાટ્યપ્રયોગોમાં નરેશભાઇ પટેલની સ્ટેજ પર એન્ટ્રી થતી ત્યારે તેઓ છવાઇ જતા હતા. તેમાં પણ સ્વ. કાંતિ મડિયા લિખિત ‘અમે બરફનાં પંખી’ આજે પણ મારી નજર સમક્ષ તરવરે છે.
નરેશભાઇ પટેલના સંતાનો ચિ. જયેશ (ભાઇ) અને અ.સૌ. રેશ્મા (બહેન) પરિવારને મારે અભિનંદન આપવા જ જોઇએ. ભારતીય વિદ્યાભવનના મંચ પર તુષાર ત્રિવેદીએ ‘જીવણલાલે જમાવી જોડી’ નાટક સ્પોન્સર કર્યું હતું. વર્ષોબાદ નરેશભાઇના તે વેળાના લગભગ ૩૦૦થી વધુ મિત્રો, સહકાર્યકરો વગેરેને તેમણે ખાસ નિમંત્ર્યા હતા. અને ખાસ મજાની વાત તો એ હતી કે તુષારભાઇએ ચિ. જયેશ અને ચિ. રેશ્માને પણ નાટકના પાત્રો તરીકે સ્ટેજ પર ઉતાર્યા અને દર્શકોએ ભાઇ-બહેનને અભિનયના ઓજસ પાથરતા નિહાળ્યા. ખરેખર મજા માણી. શક્ય હશે તો ભવિષ્યમાં નરેશભાઇ પટેલ અને તેમની અનેકવિધ પ્રવૃત્તિઓ વિશે વધુ વિગતે વાત માંડશું.
પણ કલમને વિરામ આપતાં પૂર્વે મને સ્પર્શી ગયેલી - નરેશભાઇ સંબંધિત - એક બાબત વિશે હું આપ સહુ વાચક મિત્રોનું ખાસ ધ્યાન દોરવા માગું છું. નરેશભાઇએ નાટ્ય તથા અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થકી મા સરસ્વતી અને નટરાજની સાધના કરી તો સાથોસાથ વેપાર-ધંધામાં મસમોટી સફળતા મેળવીને લક્ષ્મીજીની ભરપૂર કૃપાને પણ વર્યા. લોકો ભલે સરસ્વતી અને લક્ષ્મીના સંગમને મુશ્કેલ માનતા હોય, પણ ઇરાદા સ્પષ્ટ હોય અને તેને સાકાર કરવાની પ્રતિબદ્ધતા હોય તો આ બન્ને આદ્ય શક્તિઓનો સમન્વય સાધવો મુશ્કેલ તો નથી જ. તમે શું માનો છો? (ક્રમશઃ) photo@sharadraval.com