અબુધાબીઃ લેગબ્રેક ગુગલી બોલર યાસિર શાહ (૪/૮૭) અને ઝુલ્ફીકાર બાબર (૩/૫૩)ની વેધક બોલિંગની મદદથી પાકિસ્તાને દુબઇમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને હરાવી ૧-૦થી સરસાઇ મેળવી છે. પાકિસ્તાને ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ ૩૧૨ રનમાં સમેટીને બીજી ટેસ્ટ ૧૭૮ રને જીતી હતી. પાકિસ્તાન પહેલી ટેસ્ટમાં હારતા બચ્યું હતું, પરંતુ બીજી ટેસ્ટમાં તેણે ઇંગ્લેન્ડને વિજય માટે ૪૧૯ રનનું અત્યંત કપરું લક્ષ્ય આપ્યું હતું.
• રિયાઝ પર બોલ ટેમ્પરિંગનો આરોપઃ ઇંગ્લેન્ડે બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે પાકિસ્તાનના ઝડપી બોલર વહાબ રિયાઝ પર બોલ સાથે છેડછાડનો આરોપ મૂક્યો હતો. અહેવાલ અનુસાર ચોથા દિવસે જ્યારે પ્લિનર બાબર બોલિંગ કરી રહ્યો હતો ત્યારે સ્કવેર લેગ પર ફિલ્ડીંગ કરી રહેલા રિયાઝ પાસે બોલ જતાં તેણે વિકેટકિપર તરફ બોલ જવા દીધો હતો. ડ્રિંક્સ દરમિયાન વહાબ બોલને બૂટથી જમીન પર ઘસી રહ્યો હતો. આ જોઈને ઇંગ્લેન્ડના બેટ્સમેન રૂટે તેની ફરિયાદ અમ્પાયરને કરી હતી. આ બાબતે રિયાઝ અને રૂટ વચ્ચે ચડભડ થઈ હતી, પણ અમ્પાયરોએ તેને દૂર કર્યા હતા.
• આર્ચરી વર્લ્ડ કપમાં દીપિકાને સિલ્વર મેડલઃ ભારતની સ્ટાર તીરંદાજ દીપિકા કુમારીએ આર્ચરી વર્લ્ડ કપ ફાઇનલમાં પાંચ વર્ષમાં ચોથો સિલ્વર મેડલ જીત્યો છે. તેણે ફાઇનલમાં કોરિયાની તીરંદાજ ચોઈ મિસુને પરાજય આપ્યો હતો. પ્રથમ ગોલ્ડ મેડલ જીતવાનો પ્રયાસ કરી રહેલી દીપિકાએ ક્વાર્ટર ફાઇનલમાં તથા સેમિ-ફાઇનલમાં આસાન વિજય હાંસલ કર્યો હતો. જોકે ફાઇનલ મુકાબલામાં વિશ્વની પ્રથમ ક્રમાંકિત મિસુન સામે તે ૨-૬થી હારી હતી. ભારતે ટૂર્નામેન્ટમાં બે સિલ્વર મેડલ જીત્યા છે.
• હેમિલ્ટનનું ત્રીજું વર્લ્ડ ટાઇટલઃ વર્તમાન ચેમ્પિયન લુઇસ હેમિલ્ટન અમેરિકન ગ્રાં-પ્રિ ફોર્મ્યુલા વન રેસ જીતીને ત્રીજું વર્લ્ડ ટાઇટલ હાંસલ કર્યું હતું. ગ્રિડ પર બીજા ક્રમાંકે રેસની શરૂઆત કરનાર બ્રિટનના ડ્રાઇવર હેમિલ્ટને મર્સિડીઝના સાથી ડ્રાઇવર નિકો રોસબર્ગને ૨.૮૫૦ સેકન્ડના અંતરથી પાછળ રાખી દીધો હતો. ચાલુ સિઝનમાં આ તેનો ૧૦મો વિજય છે. તેના હવે ૩૨૭ પોઇન્ટ થયા છે અને નજીકના હરિફ રોસબર્ગ તથા ચાર વર્ષના ચેમ્પિયન ફરારીના સેબેસ્ટિયન વેટ્ટલ માટે હવે હેમિલ્ટનને પછાડવો મુશ્કેલ બન્યો છે.