નવી દિલ્હીઃ દિલ્હીના ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં દિલ્હીના કેપ્ટન ગૌતમ ગંભીર અને બંગાળના કેપ્ટન મનોજ તિવારીની વચ્ચે શનિવારે રણજી ટ્રોફી મેચ દરમિયાન ઉગ્ર બોલાચાલી થઇ ગઇ હતી. ટીમ ઇન્ડિયા માટે એક સાથે ઘણી મેચો રમી ચૂકેલા બન્ને ખેલાડીઓએ એકબીજાને ધમકીઓ પણ આપી દીધી હતી. બંને વચ્ચે એવી બોલાચાલી થઇ કે એમ્પાયર શ્રીનાથની વચ્ચે પડવું પડ્યું હતું.
ગૌતમ ગંભીર પશ્ચિમ બંગાળના કેપ્ટન મનોજ તિવારીને મેદાન પર મારવા દોડ્યો હતો અને સામેથી તિવારી પણ મારવા માટે ગંભીર તરફ દોડ્યો હતો. ગંભીર એટલો ક્રોધે ભરાયેલો હતો કે તેણે એમ્પાયર શ્રીનાથને પણ ધક્કો મારી દીધો હતો.
ક્રિકેટમાં અમ્પાયરને ટચ કરવું એ પણ મોટો ગુનો હોય છે, જેની સજાના ભાગ રૂપે પ્રતિબંધ પણ લાગી શકે છે. આ ઘટના આઠમી ઓવરમાં બની જ્યારે પાર્થસારથી ભટ્ટાચાર્યને મનન શર્માએ આઉટ કર્યો હતો. તિવારી ચોથા નંબર પર બેટિંગ કરવા માટે ઉતર્યો હતો. એ સમયે તેણે બોલરને હેલ્મેટ લેવા માટે ડ્રેસિંગ રૂમ તરફ ઇશારો કર્યો હતો. દિલ્હીના ખેલાડીઓને લાગ્યું કે તેઓ આ જાણી જોઇને કરી રહ્યો છે. જેના પછી તિવારી અને શર્મા વચ્ચે બોલાચાલી થઇ હતી. અચાનક પહેલી સ્લીપમાં ઉભા રહેલા ગંભીરે આવીને કેપ્ટન મનોજ તિવારીને ગાળો આપી હતી. જેના પછી તિવારે પણ ગુસ્સામાં આવીને ગંભીરને ગાળો આપી હતી.