દોઢ દસકા પછી સોમવારે ગીતા પાકિસ્તાનથી સ્વ-દેશ ભારત પહોંચી છે. આ સમયે દિલ્હી એરપોર્ટથી માંડીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત સુધી જોવા મળેલો ઉમંગ-ઉલ્લાસ ઉડીને આંખે વળગે તેવો હતો. છ વર્ષની એક મૂક-બધીર બાળકી ભારત-પાક.ને જોડતી સમજૌતા એક્સપ્રેસમાં બેસીને ભૂલથી પાકિસ્તાન પહોંચી જાય છે. પાકિસ્તાની રેન્જર્સ તેનો કબજો સંભાળે છે. તપાસ કરે છે, પણ ભારતમાં તેના પરિવારનો અતોપતો મળતો નથી. તેની સારસંભાળ એક સ્વૈચ્છિક સંસ્થાને સોંપાય છે. તેઓ દીકરીની જેમ તેની સંભાળ લે છે. થોડાક વર્ષો બાદ સલમાન ખાનને ચમકાવતી ફિલ્મ ‘બજરંગી ભાઇજાન’ રિલીઝ થાય છે. અખબારોને બાળકીમાંથી યુવતી બનેલી ‘ગીતા’ની યાદ આવે છે. અહેવાલોના આધારે ભારતમાં તેના પરિવારનો અતોપતો મળે છે. ભારત સરકાર રાજદ્વારી સ્તરે કાર્યવાહી હાથ ધરે છે ને ગીતા ભારત પહોંચે છે. એક હિન્દી ફિલ્મ જેવી આ કહાણી છે. ગીતા ભલે સાંભળી કે બોલી શકતી ન હોય, પણ તેની વતન-વાપસી ઘણી બોલકી છે. ગીતાનું ભારતગમન એ તમામ ભારતીયો-પાકિસ્તાનીઓ માટે સંદેશ છે જેઓ નફરતનું ઝેર ફેલાવવાનો મોકો ચૂકતા નથી. ગીતાના સ્વદેશાગમનમાં બન્ને દેશોની સરકારો માટે પણ સંદેશ છે - જો તેઓ સમજવા માગે તો. ગીતાને તો ૧૫ વર્ષના વિલંબ બાદ પણ પરિવારને મળવાનો મોકો મળી રહ્યો છે, પરંતુ બન્ને દેશની જેલોમાં દર વર્ષે ન જાણે કેટલાય બદનસીબો સ્વજનોને મળવાની રાહમાં અંતિમ શ્વાસ લે છે. ભારત-પાક.ની જેલમાં એકબીજાના દેશના ૪૫૦થી વધુ નાગરિકો કેદ હોવાનું મનાય છે. બન્ને દેશો વચ્ચે ૬૮ વર્ષથી ઊભેલી નફરતની દિવાલ વર્ષોવર્ષ મજબૂત બની રહી છે.
છેલ્લા લગભગ સાત દસકામાં બન્ને દેશો વચ્ચે ભાઇચારો વધારવાના અનેક પ્રયાસો થયા છે, પરંતુ કોઇ પ્રયાસ કામિયાબ રહ્યો નથી. ચર્ચાનો દોર તો અનેક વખત શરૂ થયો, પણ ક્યારેય તાર્કિક અંત સુધી પહોંચ્યો જ નહીં. આના માટે કોણ જવાબદાર છે એ તો આખી દુનિયા જાણે છે. હવે ગીતાના ભારત પાછા ફરવાથી બન્ને દેશો વચ્ચેના સંબંધો એકાએક સામાન્ય થઇ જશે એવું તો માની લેવાની જરૂર નથી, પરંતુ આને એક નવી શરૂઆત અવશ્ય ગણી શકાય તેમ છે. જે પ્રયાસ ગીતાને વતન પાછી પહોંચાડવા માટે થયા તે પ્રયાસ બીજા કેદીઓ માટે ન થઇ શકે? કાશ્મીર સહિતના વિવાદાસ્પદ મુદ્દાઓને અભેરાઇએ ચઢાવીને બાકીના મુદ્દાઓ પર તો દ્વિપક્ષી સંબંધ સામાન્ય બનાવવા પ્રયાસ થઇ જ શકે છે. આટલા વર્ષો સુધી પાકિસ્તાનમાં ગીતાની દીકરીની જેમ દેખભાળ કરનાર એધી ફાઉન્ડેશન તેમ જ બન્ને દેશોમાં કાર્યરત આવા બીજા સંગઠનો આગળ આવે તો એક નવી પહેલ થઇ શકે છે.