યુએસમાં ગેરકાયદે ઘુસણખોરીઃ બે ગુજરાતીની ધરપકડ

Wednesday 28th October 2015 07:10 EDT
 

ન્યૂ યોર્કઃ થાઇલેન્ડના લોકોને ગેરકાયદે અમેરિકામાં ઘુસાડવાના આરોપસર બે ગુજરાતીઓની નેવાર્ક લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. ૪૧ વર્ષના નીલેશકુમાર પટેલ અને ૬૫ વર્ષના હર્ષદ મહેતા કમર્શિયલ એરલાઇન ફલાઇટનો ઉપયોગ કરીને વિદેશીઓને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડતા હોવાના આરોપ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, એમ યુએસ એટર્ની પૌલ જે. ફિશમેને જણાવ્યું હતું.
અજાણ્યા લોકોને ગેરકાયદે અમેરિકામાં લાવવા, તેમને આશ્રય આપવો તેમ જ ષડયંત્ર ઘડવા બદલ તેમના પર ફોજદારી આરોપો મૂકવામાં આવ્યા છે. હર્ષદ મહેતા ખાનગી નાણાકીય લાભ મેળવવા માટે વિદેશીઓને અમેરિકામાં ઘુસાડતા હતા. આ બન્ને જણા ન્યૂ જર્સીના નેવાર્ક ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યા હતા ત્યારે યુએસ હોમલેન્ડ સિક્યુરિટીના ખાસ એજન્ટોએ તેમની ધરપકડ કરી હતી. જો નીલેશ પટેલ અને હર્ષદ મહેતા સામેના આરોપો સાચા પુરવાર થશે તો તેમને મહત્તમ દસ વર્ષની જેલની સજા અને માનવ તસ્કરી માટે સંભવિત પાંચ વર્ષની સજા થશે.
ફરિયાદ મુજબ, હોમલેન્ડ વિભાગને ચોક્કસ બાતમી મળી હતી કે નીલેશકુમાર પટેલ અને હર્ષદ મહેતા ભારતમાંથી આવતા વિદેશીઓને ગેરકાયદે અમેરિકામાં ઘુસાડવા માટેના રસ્તાઓ શોધે છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે તેઓ ભારતીય નાગરિકોની ભરતી કરતા હતા અને તેના બદલામાં તેઓ પૈસા પડાવતા હતા.
સ્પેશ્યલ એજન્ટ ડગ્લાસ ડોહર્ટીએ ક્રિમિનલ ફરિયાદમાં જણાવ્યું હતું કે ‘નીલેશ પટેલ અને હર્ષદ મહેતા ૨૦૧૪ના એપ્રિલથી અનેક વખત અંડરકવર હોમલેન્ડ સિક્યોરિટી ઇન્વેસ્ટિગેશન એજન્ટને મળ્યા હતા એ છ ભારતીયોને અમેરિકાની કાનૂની પરનવાનગી નહીં હોવા છતાં ન્યૂ જર્સીમાં ઘુસાડવા માટે તેમણે ૩૫ હજાર યુએસ ડોલરથી માંડીને ૫૦ હજાર યુએસ ડોલર ચૂકવ્યા હતા. નીલેશ પટેલ છ કેસમાં સંડોવાયેલો છે, જ્યારે હર્ષદ મહેતા આ પ્રકારના ચાર કેસમાં સંડોવાયેલો છે.’ 

ડોહર્ટીએ ફરિયાદમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે ‘૨૦૧૩ના જૂન મહિનામાં કરાયેલા સ્ટીંગ ઓપરેશનમાં ભારતથી અમેરિકામાં ગેરકાયદે રીતે લોકોને લઇ જવાની રીતરસમ જાણવા માટેના સ્મગલિંગ ઓપરેશનની જાણકારી હોમલેન્ડ સિક્યોરિટી ઇન્વેસ્ટિગેશન્સ દ્વારા મળી હતી. ઇન્વેસ્ટિગેશન્સમાં જાણવા મળ્યું હતું કે ગ્રૂપ ભારતીયો તથા અન્યોને રિક્રૂટ કરતું હતું અને અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ માટે નાણાં લેતું હતું. નીલેશ પટેલ અંડરકવર એજન્ટ ગેરકાયદે હેરાફેરી-સ્મગલિંગ કરતો હોવાની આશંકા હોવાથી તે પેલા એજન્ટને મળ્યો અને અમેરિકામાં પેકેજિસ મોકલવા વિશે ચર્ચા કરવા માગતો હોવાનું જણાવ્યું હતું. આ રીતે ૧૯૯૮થી તે લોકોને ગેરકાયદે અમેરિકામાં ઘુસાડવાનો ધંધો કરતો હોવાનું નીલેશ પટેલે એજન્ટને જણાવ્યું હતું.’
ફરિયાદમાં એમ પણ જણાવાયું હતું કે અંડરકવર એજન્ટ ૨૦૧૪ના એપ્રિથી ૨૦૧૫ જાન્યુઆરી સુધીમાં અનેક વખત પટેલ અને મહેતાને મળ્યો હતો.


comments powered by Disqus