લોકતંત્રમાં સર્વોપરી કોણ - ન્યાયતંત્ર કે સંસદગૃહ? વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં છેલ્લા એક પખવાડિયાથી આ પ્રશ્ન ચર્ચાના ચકડોળે ચઢ્યો છે. દેશના ઉચ્ચ ન્યાયાલયોમાં ન્યાયાધીશોની નિમણૂક માટે નેશનલ જ્યુડિશ્યલ એપોઇન્ટમેન્ટ્સ કમિશન (એનજેએસી) રચવાનું સૂચવતા કાયદાને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ગણાવીને ફગાવી દીધો છે. જસ્ટિસ કેહરના નેતૃત્વ હેઠળની પાંચ સભ્યોની બેન્ચે ૪ વિરુદ્ધ એક મતે ચુકાદો આપતાં અભિપ્રાય વ્યક્ત કર્યો છે ન્યાયમૂર્તિઓની પસંદગીમાં સરકારી ભૂમિકાને કોઇ સ્થાન હોય શકે નહીં.
લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર દ્વારા લેવાયેલા કોઇ નિર્ણય સામે સર્વોચ્ચ અદાલત સવાલ ઉઠાવે કે તેમાં જરૂરી સુધારાવધારા માટે આદેશ આપે તેમાં કંઇ આશ્ચર્યજનક હોય શકે નહીં, પરંતુ આ ચુકાદો બંધારણીય બાબતોના નિષ્ણાતો અને કાનૂનવિદોમાં ચર્ચાસ્પદ બન્યો છે. આ કાયદો સંસદમાં સર્વાનુમતે પસાર થયો હોવા ઉપરાંત દેશના અડધાથી વધુ રાજ્યોની વિધાનસભાએ પણ તેને મંજૂરી આપી હતી.
ભારત સરકારે સુપ્રીમ કોર્ટ અને હાઇ કોર્ટમાં ન્યાયાધિશોની નિમણૂક માટે ૨૨ વર્ષ જૂની કોલેજિયમ સિસ્ટમના સ્થાને એનજેએસીની રચનાનો નિર્ણય કર્યો હતો. કોર્ટની બેન્ચનું માનવું છે કે, ન્યાયતંત્રની સ્વતંત્રતામાં હસ્તક્ષેપ કરતો આ કાયદો બંધારણીય માળખાનો ભંગ કરે છે. આથી ન્યાયમૂર્તિની નિયુક્તિ માટે જૂની કોલેજિયમ સિસ્ટમ યથાવત્ રહેશે. જોકે આ ચુકાદો ફરમાવવાની સાથોસાથ કોર્ટે કોલેજિયમ સિસ્ટમમાં જરૂરી સુધારાવધારા માટે સુનાવણી યોજવાનું પણ નક્કી કર્યું છે. મતલબ કે કોર્ટ પણ સ્વીકારે છે કે ન્યાયમૂર્તિઓની પસંદગી માટેની કોલેજિયમ સિસ્ટમમાં કંઇક તો અયોગ્ય છે. સરકારનો દાવો માનવામાં આવે તો તેણે કોલેજિયમ સિસ્ટમમાં રહેલા છીંડાને ધ્યાનમાં રાખીને જ એનજેએસીનો કાયદો ઘડ્યો છે. ખેર, ચુકાદાથી એવું લાગે છે કે સરકાર સુપ્રીમ કોર્ટના ગળે આ વાત ઉતારી શકી નથી.
બન્ને તંત્ર વચ્ચે સર્વોપરિતાનો પ્રશ્ન ભૂતકાળમાં પણ વિવાદનો વિષય બન્યો છે, પરંતુ આ વખતે વિવાદ ગંભીર છે. ભારતમાં ૨૨ વર્ષથી ન્યાયાધીશો જ અન્ય ન્યાયાધીશોની નિયુક્તિ કરે એવી કોલેજિયમ સિસ્ટમ અમલી છે. અગાઉ ચીફ જસ્ટિસની ભલામણ મુજબ નિમણૂકો થતી હતી. કોલેજિયમ વ્યવસ્થાના અમલ પછી તાજેતરનાં વર્ષોમાં ન્યાયતંત્રમાં વિલંબ અને ભ્રષ્ટાચારની ફરિયાદો વધી છે. આથી ન્યાયાધીશોની નિમણૂક માટે એક સ્વતંત્ર કમિશન નીમવાની દરખાસ્ત અંગે યુપીએ સરકારના શાસન વેળા વિચારણા હાથ ધરાઇ હતી. યુપીએ સરકારનું અધૂરું કામ વર્તમાન એનડીએ સરકારે આગળ ધપાવ્યું. સરકારે સંસદમાં બંધારણ સુધારા ખરડો રજૂ કર્યો. સંસદમાં સર્વાનુમતે બહાલી મળ્યા પછી ૨૨ રાજ્યોની વિધાનસભામાં પણ તેને સર્વસંમતિ મળી. રાષ્ટ્રપતિએ તેના પર હસ્તાક્ષર કરતાં એનજેએસીની રચનાનો તખતો તૈયાર થઇ ગયો હતો. જોકે ગયા વર્ષે એપ્રિલમાં સુપ્રીમ કોર્ટમાં એનજેએસીની બંધારણીય યોગ્યતાને પડકારાતાં સુનાવણી શરૂ થઈ. આખરે પાંચ સભ્યોની બેન્ચે કમિશનની રચના કરતા બંધારણીય સુધારા ખરડાને ‘ગેરબંધારણીય’ ઠરાવ્યો.
કાયદાવિદ્ રામ જેઠમલાણીએ સુનાવણી વેળા કોર્ટને અનુરોધ કર્યો હતો કે કારોબારી એટલે કે સરકાર ન્યાયાધીશોની નિમણૂકમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. આ માટે એમણે કટોકટી કાળ વેળા ન્યાયતંત્રની પ્રતિષ્ઠા સામે ઉઠેલી શંકાનો પણ હવાલો આપ્યો હતો. રામ જેઠમલાણીની વાતમાં દમ પણ છે. ભૂતકાળમાં ન્યાયાધીશોની નિયુક્તિમાં સરકારની અસરકારક ભૂમિકા રહેતી હતી અને અનેક સરકારોએ મનમાની પણ કરી છે. તે વેળા ન્યાયતંત્રની સ્વાયત્તતા સલામત નહોતી તે સ્વીકારવું રહ્યું. પરંતુ સાથોસાથ કોઇએ એ પણ ન ભૂલવું જોઇએ કે સરકારની ભૂમિકાવાળી આ પ્રથાને ૧૯૯૩માં સુપ્રીમ કોર્ટે રદ કરીને તેના સ્થાને કોલેજિયમ પ્રણાલી લાગુ કરી હતી. સમય વીત્યે કોલેજિયમ પ્રણાલીમાં રહેલા છીંડા પણ ખૂલ્લાં પડ્યાં. આથી જ તો બંધારણીય સમીક્ષા પંચ અને સંસદીય સમિતિએ પણ ન્યાયાધીશોની નિયુક્તિ કરતી કોલેજિયમ સિસ્ટમને રદ કરીને તેના સ્થાને કમિશન રચવાની આવશ્યક્તા દર્શાવી હતી.
બંધારણમાં થયેલા સુધારાને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ઠરાવ્યો છે ત્યારે હવે સરકાર - સંસદ શું કરશે તે જોવાનું રહે છે. કાનૂની જંગ આગળ વધશે કે નહીં તે વાતનું અહીં મહત્ત્વ નથી. મૂળ પ્રશ્ન ન્યાયતંત્રને ભ્રષ્ટાચારથી બચાવવાનો છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી કાયદા પ્રધાન સદાનંદ ગૌડાએ એવો પ્રતિભાવ આપ્યો હતો કે આ ચુકાદો આશ્ચર્યજનક છે. ચુકાદાથી આશ્ચર્ય પામનારાઓમાં ગૌડા એકલા નથી, અનેક લોકો છે. કાનૂનવિદ્ અરુણ જેટલીએ ભલે સરકાર વતી ખાતરી ઉચ્ચારી હોય કે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું પાલન થશે, પરંતુ હવે સહુ કોઇની નજર સુપ્રીમ કોર્ટ ભણી મંડાયેલી છે. કારોબારી અને ન્યાયપાલિકા વચ્ચેના આ સંઘર્ષમાં બંધારણીય કટોકટી ઉકેલવાની ચાવી અત્યારે તો ન્યાયાધીશોના હાથમાં જ જણાય છે.