સાઉથ આફ્રિકાનો ઐતિહાસિક શ્રેણીવિજય

Wednesday 28th October 2015 07:03 EDT
 
 

મુંબઈઃ સાઉથ આફ્રિકાએ ભારત સામેની પાંચમી અને અંતિમ મેચમાં ભારતને ૨૧૪ રને પરાજય આપી પાંચ વન-ડે મેચની સિરીઝમાં ૩-૨થી જીત મેળવી ઇતિહાસ રચ્યો છે. સાઉથ આફ્રિકાની ટીમ આ પહેલાં ભારતમાં એક પણ વખત વન-ડે સીરિઝ જીતવામાં સફળ થઈ નહોતી ત્યારે ડી વિલિયર્સની આગેવાનીમાં આફ્રિકા ભારતની ધરતી પર પ્રથમ વખત વન-ડે સિરીઝ જીતી છે.

રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતાં ડી કોક, ડુ પ્લેસીસ અને ડી વિલિયર્સની આક્રમક સદીની મદદથી ૫૦ ઓવરના અંતે ચાર વિકેટ ૪૩૮ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ ૩૫.૫ ઓવરમાં ૨૨૪ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

૪૩૯ રનના જંગી સ્કોર સામે ભારતે ૨૨ રને રોહિત શર્માની વિકેટ ગુમાવ્યા બાદ વિરાટ કહોલી પણ માત્ર સાત રન બનાવી આઉટ થયો હતો. અહીંથી રહાણે અને શિખર ધવને ટીમના રકાસને અટકાવતાં સ્કોર ૧૫૦ રનની પાર પહોંચાડયો હતો. બંને આફ્રિકન બોલરો સામે ટક્કર જીલી રહ્યા હતા ત્યારે રબાદાએ ધવનને આઉટ કરી ભારતને ત્રીજો ઝટકો આપ્યો હતો. ધવન અને રહાણે વચ્ચે ૧૧૨ રનની ભાગીદારી નોંધાઈ હતી. ધવનના આઉટ થયા બાદ રૈના ૧૨ રને પેવેલિયન પરત ફર્યો હતો. રહાણે આક્રમક બેટિંગ કરી રહ્યો હતો ત્યારે સ્ટેને આઉટ કરી ભારતને મોટો ઝટકો આપ્યો હતો. ભારતે ૧૮૫ રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ ભારતની હાર નિશ્ચિત બની હતી. આ સમયે ધોનીએ લોઅર ઓર્ડર બેટ્સમેનો સાથે મળીને સ્કોર આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સમગ્ર ટીમ ૨૨૪ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભુવનેશ્વર ખર્ચાળ બોલર

સાઉથ આફ્રિકાના બેટ્સમેનોએ મેચની શરૂઆતથી જ આક્રમક રમત દર્શાવી હતી જેમાં ભારત તરફથી ભુવનેશ્વરે પોતાની ૧૦ ઓવરમાં ૧૦૬ રન આપી સૌથી વધુ ખર્ચાળ બોલર સાબિત થયો હતો. ભારત તરફથી ૧૦ ઓવરમાં સૌથી વધુ રનનો રેકોર્ડ પણ ભુવનેશ્વરના નામે થઈ ગયો છે. આ પહેલાં ભારત તરફથી સૌથી વધુ રન આપવાનો રેકોર્ડ વિનયકુમારના નામે હતો જેણે નવ ઓવરમાં ૧૦૨ રન આપ્યા હતા. આ ઉપરાંત ભુવનેશ્વર એક મેચમાં સૌથી વધુ રન આપવાના મામલે વિશ્વનો બીજો બોલર બની ગયો છે. વિશ્વમાં સૌથી વધુ રન આપવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના માઇક લેવિસના નામે છે જેણે આફ્રિકા સામે ૧૦ ઓવરમાં ૧૧૩ રન આપ્યા હતા.

ચોથી વન-ડેમાં ભારતનો વિજય

ભારતે વિજયાદશમીના દિવસે ચેન્નઇમાં રમાયેલી ચોથી વન-ડેમાં સાઉથ આફ્રિકાને ૩૫ રને પરાજય આપી પાંચ વન-ડે મેચની સિરીઝમાં ૨-૨થી બરાબરી કરી હતી. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં વિરાટ કોહલીની સદી અને રૈનાની અર્ધી સદીની મદદથી આઠ વિકેટે ૨૯૯ રન બનાવ્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ ૫૦ ઓવરના અંતે નવ વિકેટ ગુમાવી ૨૬૪ રન બનાવી શકી હતી. ૧૩૮ રન બનાવનાર વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.


comments powered by Disqus