લંડનઃ એક સામાન્ય માન્યતા છે કે ડાયાબીટીસનો દર્દી મેદસ્વી, ગોળમટોળ પેટવાળો અને બેઠાડું જિંદગીવાળો હોય છે. જોકે બ્રિટનના રિસર્ચરોનું કહેવું છે કે માત્ર ઓબેટિસીને જ ડાયાબીટીસનું કારણ ન માની શકાય. નોર્મલ વજન ધરાવતા લોકો પણ ટાઇપ-ટૂ પ્રકારના ડાયાબીટીસનો શિકાર કેમ બને છે એનું કારણ સમજવા માટે બ્રિટનમાં થયેલા અભ્યાસમાં નોંધાયું હતું કે સ્ટ્રેસને કારણે પણ ડાયાબીટીસ થઈ શકે છે.
શરીરમાં સ્ટ્રેસ-હોર્મોન્સ વધે એને કારણે પાચન સંબંધિત સમસ્યાઓ આકાર લે છે. ખાસ કરીને ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ જેવી સમસ્યાને કારણે ડાયાબીટીસ થવાનું રિસ્ક વધી જાય છે. ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ થવાનું કારણ નબળું પાચન હોવા ઉપરાંત સ્ટ્રેસ પણ હોય છે. આ જ રીતે સ્ટ્રેસને કારણે ડિપ્રેશનનું રિસ્ક વધી જતું હોવાનું અમેરિકાના રિસર્ચરોનું કહેવું છે.
અમેરિકાની ડ્યુક યુનિવર્સિટી સ્કુલ ઓફ મેડિસિનના રિસર્ચરોના કહેવા મુજબ સામાજિક સ્ટ્રેસને કારણે મગજમાંથી આપમેળે સેરોટોનિન નામનું ન્યુરોટ્રાન્સમીટર પેદા થવાનું ઘટી જાય છે. રિસર્ચરોએ લેબોરેટરીમાં ઉંદરોને સ્ટ્રેસ-હોર્મોન્સનું ઇન્જેક્શન આપીને તેમના બોડીમાં સેરોટોનિન કેમિકલનું પ્રમાણ માપ્યું હતું. લગબગ ૫૩ ટકા ઉંદરોમાં સેરોટોનિન જરૂર કરતાં ઓછું હતું. રિસર્ચ અહીં અટક્યું નથી. હાઇ સ્ટ્રેસ હોર્મન ધરાવતાં અને ડિપ્રેશનનાં લક્ષણો ધરાવતાં ઉંદરોને જ્યારે ટ્રેડિશનલ એન્ટિ-ડિસ્પ્રેસન્ટ દવાઓ આપવામાં આવી ત્યારે એની અસરકારકતા પણ ઘણી ઓછી નોંધાઈ હતી.