ભારત માટે બન્ને પડોશી દેશો - ચીન અને પાકિસ્તાન માથાના દુખાવો સાબિત થઇ રહ્યા છે. એક તરફ પાકિસ્તાન આતંકવાદને પાળીપોષીને ભારત સાથે પરોક્ષ યુદ્ધ ખેલી રહ્યું છે. તો બીજી તરફ, ચીન સતત સરહદે ચંચુપાત કરતું રહે છે. ક્યારેક ભારતીય સરહદમાં ઘુસીને સુરક્ષા ચોકી બનાવી લે છે તો ક્યારેક સરહદી ક્ષેત્રમાં વસતાં લોકોને ધમકાવી જાય છે. ત્રાસવાદને શરણ આપવા માટે જગતઆખામાં બદનામ પાકિસ્તાન તેનું વર્તન સુધારવા નથી માગતું તો ચીન સરહદ મુદ્દે અકડાઇ છોડવા માગતું નથી. ગયા વર્ષે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે સર્જાયેલો ઉષ્માસભર માહોલ જોતાં લાગતું હતું કે બંને દેશો સંબંધો વધુ ઘનિષ્ઠ બનાવવાની દિશામાં પગરણ માંડી રહ્યા છે, પરંતુ રાત ગઇ સો બાત ગઇ. ગયા સપ્તાહે ચીનના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળની બે દિવસની ભારત મુલાકાત દરમિયાન મંત્રણાનો મુખ્ય મુદ્દો હતો સીમાવિવાદ. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ ગયા મહિને જ ચીનની મુલાકાતે જઇ આવ્યાં છે અને આવતા મહિને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનના પ્રવાસે જઇ રહ્યા છે ત્યારે સહુ કોઇને આશા હતી કે આ મુદ્દે કંઇક પ્રગતિ થશે, પણ કંઇ નક્કર જાહેરાત થઇ નથી.
એશિયા ખંડના બે શક્તિશાળી દેશો માટે સંબંધો વધુ મજબૂત બનાવવામાં સીમાવિવાદ સૌથી મોટો અવરોધ બની રહ્યો છે. કમનસીબે સીમાવિવાદ એટલો જૂનો અને જટિલ છે કે તેના ઉકેલની દિશામાં તસુભાર પણ પ્રગતિ થતી નથી. પરિણામે ભારત અને ચીન વચ્ચેની ૪૦૦૦ કિલોમીટર લાંબી સરહદ પર વિવાદ થતા જ રહે છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના જવાનો ગમેત્યારે ભારતીય સરહદમાં ઘૂસી જઇને પોતાની સુરક્ષા છાવણી ઉભી કરી દે છે તો ક્યારેક રસ્તા પણ બનાવી લે છે. ચીનની પ્રપંચી ચાલ પણ બંને દેશ વચ્ચેના વાતાવરણને સામાન્ય બનાવવામાં અંતરાય ઊભો કરતી જ રહે છે. ચીન અરુણાચલ પ્રદેશ અને વાસ્તવિક નિયંત્રણ રેખા અંગે પણ બાંધછોડ કરવા તૈયાર નથી. ૧૯૬૨માં ચીન-ભારત વચ્ચે યુદ્ધ ખેલાયાને પાંચ દસકા જેટલો સમય વીતી ગયો છે, પણ ચીન તેનો ડંખ ભૂલ્યું હોય તેમ લાગતું નથી. આ પછીના વર્ષોમાં બંને રાષ્ટ્રના વડાઓની મુલાકાતો અને મંત્રણાઓ અનેક વખત યોજાઇ ચૂક્યાં હોવા છતાં સંવાદિતા જણાતી નથી.
સંભવ છે કે સીમાવિવાદના ઉકેલનું કામ જટિલ હોઇ શકે, પણ વ્યાપાર સહિત બીજા ક્ષેત્રોમાં દ્વિપક્ષી સંબંધોને મજબૂત બનાવવા મુશ્કેલ નથી. વ્યાપારની ભાગીદારીમાં ભારત-ચીન બહુ મોટા સહયોગી બનીને ઉભર્યા છે તે સાચું, પણ આમાં સૌથી વધારે લાભ ચીનને મળી રહ્યો છે. આજે ચીનની કંપનીઓ બહુ સહેલાઇથી ભારતીય બજારોમાં પોતાનો પગદંડો જમાવી રહી છે, જ્યારે ભારતીય કંપનીઓને ચીનના બજારો સુધી પહોંચવામાં લોઢાના ચણા ચાવવા પડે છે. આ ઉપરાંત બીજી પણ અનેક હાડમારીઓ વેઠવી પડતી હોવાનો ભારતીય વેપાર-ઉદ્યોગ ક્ષેત્રનો અનુભવ છે. બંને દેશો સીમાવિવાદ ઉકેલવા ઇચ્છે છે અને દ્વિપક્ષી વ્યાપાર વધારવા પણ ઇચ્છે છે, પરંતુ અંગત પૂર્વગ્રહો છૂટતાં નથી. બન્ને દેશના શાસકોએ સમજવું રહ્યું કે આ પૂર્વગ્રહો છોડીને જ પ્રગતિના પંથે પ્રયાણ કરી શકશે. બંને દેશના નેતાઓ, ભૂતકાળની કડવાશો છોડ્યાં વિના, એકબીજાના દેશની મુલાકાતો લેતા રહેશે અને મંત્રણાઓ કરતાં રહેશે તો તેનો ક્યારેય અંત જ નહીં આવે. બન્ને દેશના શાસકોએ સમજવું રહ્યું કે વર્તમાન વિશ્વમાં સંઘર્ષ થકી નહીં, સહભાગીદારી થકી જ વિકાસ શક્ય છે.