વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ વેળા પણ શનિવારે આપ સહુ સુજ્ઞ વાચકોની સેવામાં ઉપસ્થિત થવાનું સદભાગ્ય સાંપડ્યું છે. (જોકે, શુક્રવારની ત્રણ રક્તપાતભરી ઘટનાઓની પીડા સાવ ખંખેરી શકતો નથી) વર્ષોપૂર્વે મારા બાળકો નાના હતા કે ત્યારબાદ તેમને ત્યાં સંતાનોની પા પા પગલી થઇ ત્યારે, આપની જેમ, હું પણ એક નાની રમત રમતો હતો... આઈ સી ફ્રોમ માય લિટલ આઈ, સમથિંગ બિગિનિંગ વીથ એ... કે પછી બી... કે પછી સી... કે બીજો કોઇ અંગ્રેજી મૂળાક્ષર આવે. બે, પાંચ કે સાત વર્ષના પુત્ર-પુત્રી (પૌત્ર-પૌત્રી) સાથે રમવાની મજા પડી જાય - તેને પણ અને આપણને પણ. ક્યારેક આપણે વોલ પેઇન્ટના કલરની વાત કરીએ તો ક્યારેક કાલીઘેલી ભાષામાં તે આપણને કંઇક પૂછવાનો પ્રયાસ કરે. ક્યારેક આકાશમાં વાદળાં કેવાં દેખાય છે તેની વાત હોય, તો ક્યારેક ફળફૂલ કે શાકભાજીના રંગ કે નામની વાત પણ હોય.
આપણે ભલેને આયુષ્યનો પાંચમો, છઠ્ઠો કે સાતમો કે આઠમો ઊંબરો (દસકો) વટાવી દીધો હોય, પણ આ બાળસહજ સ્વભાવ જીવનના અંત સુધી સાચવી રાખવા જેવો છે.
આ આપણે નાની આંખોની દુનિયાની વાત કરી તો ચાલો, નાની પાંખોની વાત પણ ફરી એક વખત કરી લઉં.
ભારતના ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે જે ઉત્પાદન થાય છે, તેમાંથી લગભગ ૪૫ ટકા જેટલું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. આમાં વડોદરાની એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ કદાચ સૌથી જૂની કહેવાય. આ પછી મહેતા પરિવારની ટોરેન્ટનું આગમન થયું તો લગભગ આ જ અરસામાં રમણભાઇ પટેલ અને ઇન્દ્રવદનભાઇ મોદીની જુગલ જોડીએ કેડિલા ફાર્માની સ્થાપના કરી ભારતીય દવાઉદ્યોગમાં ટોચનું સ્થાન મેળવ્યું. કાળક્રમે બન્ને ભાગીદારો અલગ થયા. બન્ને પરિવારો દવાઉદ્યોગમાં જ સક્રિય છે, પણ પારસ્પરિક સંબંધોનું ફોર્મ્યુલેશન ભૂલ્યા નથી. આજે ય તેમની વચ્ચે એવા જ સંપ-સદ્ભાવ જળવાયા છે. રમણભાઇના પુત્ર પંકજભાઇ પટેલ ઝાયડસ કેડિલાના અધિપતિ છે તો ઇન્દ્રવદન મોદીના પુત્ર ડો. રાજીવ મોદી કેડિલા ફાર્માસ્યુટિકલ્સનું સુકાન સંભાળી રહ્યા છે. રમણભાઇ અને ઇન્દ્રવદનભાઇની જોડીએ નવું સાહસ કર્યું, અને સિદ્ધિને વર્યા. વડીલ રમણભાઈએ સુંદર કવિતાઓ પણ કંડારી છેઃ ‘હું નાની પાંખે ઊડી શકું છું, હું મોટી પાંખે ઊડી શકું છું. સિમીત છે ગગન!’.... વાહ...વાહ
રમણભાઇ પટેલ ભાદરણના વતની. ભારતમાં દવાઉદ્યોગ ક્ષેત્રે આગવી નામના મેળવનાર રમણભાઇ ભાદરણના વતની છે તે કદાચ ઓછા જાણતા હશે, પણ ભાદરણના મગ વિશે ભાગ્યે જ કોઇ અજાણ હશે. ભાવિનીબહેન જાની સાથે મારો લગભગ પંદરેક વર્ષ જૂનો પરિચય. ગુજરાતી ફિલ્મ-ટીવી પરદે તેમનો ભારે દબદબો. ગુજરાતના એકમાત્ર સ્ટેન્ડઅપ મહિલા કોમેડિયન પણ ખરા. માત્ર મનોરંજન ક્ષેત્રે જ નહીં, સમાજસેવાલક્ષી કાર્યોમાં પણ એટલા જ સક્રિય. લંડન પણ આવતાં-જતાં રહે છે. ગુજરાતમાં કલાકારો તો અનેક છે, પણ ભાવિનીબહેને કંઇક અનોખું કર્યું અને સફળતાને વર્યાં.
થોડાક વર્ષ પૂર્વે બહેનોની સંસ્થા ‘સંગમ’ દ્વારા ‘આપણો લગ્નોત્સવ’ નામનો લગ્નગીતોનો યાદગાર કાર્યક્રમ યોજાયો હતો. ગીત-સંગીત પીરસવામાં માયાબહેન તો ખરાં જ. જેમાં ભાવિનીબહેને બે-ત્રણ બહુ સરસ ટીખળી આઇટેમ રજૂ કરી હતી. આમાંની એક વાત ભાદરણના મગની પણ હતી.
મગ ચલાવે પગ એ ગુજરાતી કહેવત તો તમે સાંભળી જ હશે (અષાઢી બીજપર્વે યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મગના પ્રસાદનું વિશેષ મહત્ત્વ છે તેના મૂળમાં આ જ વાત છે. લાંબી પદયાત્રામાં જોડાયેલા ભાવિકોને અશક્તિ ન વર્તાય, પગમાં જોર રહે તે માટે ખોબલામોઢે ફણગાવેલા મગના પ્રસાદનું વિતરણ કરાય છે...), પણ ભાદરણના મગની તો વાત જ અલગ છે. જરાક કરકરા અને સહેજ તીખાશ સાથે ગળચટ્ટો સ્વાદ. આ મગ કેટલાય દસકાથી ભાદરણના ટ્રેડમાર્ક જેવા બની ગયા છે, પણ આ ટેસ્ટી મગ સૌપહેલાં બનાવ્યા હતા કોણે?
કોઇએ મને માહિતી આપી છે તે પ્રમાણે પચાસેક વર્ષ પૂર્વે એક અછતવાળા ભાઇએ પરિવારનો નિર્વાહ ચલાવવા તેમની માતાની મદદથી ઘરમાં જ ફરસાણ બનાવીને વેંચવાનું શરૂ કર્યું. આમાં તળેલા મગ પણ ખરા. આવા મગ તો બીજા ફરસાણવાળા પણ વેચતા હતા, પરંતુ મા-દીકરાએ તેમના મગને અલગ સ્વાદ આપ્યો - અને ભાઇ, મગના ધંધાને પગ આવ્યા. ધંધો ધમધોકાર ખીલ્યો. મગ એ જ હતા, પણ રેસીપીમાં કંઈ નવીનતા દાખવી અને રિદ્ધિ-સિદ્ધિ પધાર્યાં.
એકની સફળતા જોઇને બીજાએ, અને બીજાનું જોઇને ત્રીજાએ વેપાર શરૂ કર્યો... બધાનો વેપાર પૂરબહાર જામ્યો છે. આજે ભાદરણ બસ સ્ટેન્ડ પર જ ઓછામાં ઓછી પાંચથી સાત ‘ભાદરણના મગ’ની દુકાન છે. મિત્રો, કોઇએ મને કહ્યું હતું કે ભાદરણથી દર મહિને પાંચ ટન મગની નિકાસ થાય છે. અને હું જાણું છું ત્યાં સુધી, બ્રિટન, આફ્રિકા, અમેરિકા, કેનેડા તો ઠીક, છેક જાપાન, ઓસ્ટ્રેલિયા સુધી આ મગ પહોંચે છે.
પરંતુ આ બધી જુદી જુદી વાત, પ્રસંગનો સાર શું છે? એક જ - કંઇક નવું કરો. સાહસના બીજને પરસેવાનું પાણી સીંચો. પછી જૂઓ, સફળતાના કેવા મીઠામધુરા ફળ મળે છે. લોકો હોંશે હોંશે તમારા પગલે ચાલશે. ભાદરણનો જ દાખલો જૂઓને. એક માતા-પુત્રની આગવી સૂઝબૂઝે તેમનો ધંધો તો ધમધોકાર ચલાવ્યો જ... આજે તેમના પગલે ચાલીને કેટલાય પરિવારો આ મગનો ધંધો કરીને ધીકતી કમાણી કરે છે. ગુજરાતના અસંખ્ય ગામડાંઓમાં વિવિધ ગૃહઉદ્યોગ ચાલી રહ્યા છે તેમાં ખાણીપીણી ખૂબ વિકસ્યા છે.
વાચક મિત્રો, તમને કદાચ લાગશે કે સી.બી.એ આજે આ શું માંડ્યું છે? પણ આજે મારે તમને અલગ અલગ વિષયની વાત કરવી છે, અલગ અલગ મુદ્દાની વાત કરવી છે. હકારાત્મક્તાની વાત કરવી છે. વિદ્વતાની ટોપી પહેરીને, ભારેખમ શબ્દો વાપરીને મોટી મોટી વાતો કરવાનું મને નથી આવડતું. મને તે જરૂરી પણ લાગતું નથી. આપ સહુએ મને આપની વૈચારિક રીતે ચાકરી કરવાનો અવસર આપ્યો છે અને માનવંતા વાચકો દર સપ્તાહે ૧૦માંથી ૭ કે ૮ માર્ક આપતા રહ્યા છે (આ તો હું માની લઉં છું - દલા તરવાડીની વાત યાદ છે ને!) એટલે મારા માટે તો ભયો ભયો...
દરરોજ સવારે પ્રાતઃકર્મ પતાવ્યા બાદ હલ્કીફૂલ્કી અંગકસરત, પ્રાણાયમ અને પછી ‘ગુજરાત સમાચાર’ના કેલેન્ડર પર નજર ફેરવી લઉં. આગામી સપ્તાહમાં ક્યા તહેવાર આવી રહ્યા છે તે જોઇ લઉં. રાતભર આરામ કરીને હળવાફૂલ થઇ ગયેલા મનમાં દિવસ દરમિયાન શું શું કરવાનું છે અને શું શું થઇ શકે એમ છે તેનું મંથન ચાલતું હોય ત્યારે ખબર પણ ન પડે એમ મનમાં મોહમ્મદ રફી કે મન્ના ડે કે લતાજી કે પ્રવેશી જાય. હું તો ગીત-ભજન-ગઝલ કે કવિતા મોટા અવાજે લલકારી લઉં છું. મારા ફ્લેટમાં મને કોઇ રોકનાર પણ નથી ને કોઇ ટોકનાર પણ નથી. સારું ગાઉં તો કોઇ વન્સમોર કહેનાર પણ નથી ને બેસૂરું ગાઉં તો કોઇ અટકાવનાર પણ નથી. વર્ષોના વીતવા સાથે એક સ્વસ્થ જીવનશૈલી ઘડાઇ ગઇ છે, જે મારા સ્વાસ્થ્યને ટનાટન રાખી રહી છે.
ફિલ્મઃ ચોરી ચોરી (૧૯૫૬)
ગાયિકાઃ લતા મંગેશકર
ગીતકારઃ હસરત જયપુરી
પંછી બનું ઊડતી ફરું મસ્ત ગગન મેં
આજ મેં આઝાદ હૂં દુનિયા કે ચમન મેં
પંછી બનું ઊડતી ફરું મસ્ત ગગન મેં
આજ મેં આઝાદ હૂં દુનિયા કે ચમન મેં
હિલ્લોરી હિલ્લોરી હિલો હિલો હિલો હિલ્લોરી (૪)
ઓ મેરે જીવન મેં ચમકા સવેરા
ઓ મિટા દિલ સે વો ગમ કા અંધેરા
ઓ હરે ખેતો મેં ગાયે કોઈ લહેરા
ઓ યહા દિલ પર કિસી કા ન પહેરા
રંગે બહારો ને ભરા મેરે જીવન મેં
રંગે બહારો ને ભરા મેરે જીવન મેં
આજ મેં આઝાદ હું દુનિયા કે ચમન મેં
પંછી બનું ઊડતી ફરું મસ્ત ગગન મેં
આજ મેં આઝાદ હૂં દુનિયા કે ચમન મેં
ઓ દિલ યે ચાહે બહારો સે ખેલું
ઓ ગોરી નદીયાં કી ધારો સે ખેલું
ઓ ચાંદ, સૂરજ, સિતારો સે ખેલું
ઓ અપની બાહોં મેં આકાશ લે લૂં
બઢતી ચલું ગાતી ચલું અપની લગન મેં
બઢતી ચલું ગાતી ચલું અપની લગન મેં
આજ મેં આઝાદ હું દુનિયા કે ચમન મેં
પંછી બનું ઊડતી ફીરું મસ્ત ગગન મેં
આજ મેં આઝાદ હૂં દુનિયા કે ચમન મેં
હિલ્લોરી હિલ્લોરી હિલો હિલો હિલો હિલ્લોરી (૪)
ઓ મેં તો ઓઢુંગી બાદલ કા આંચલ
ઓ મેં તો પહેનૂંગી બીજલી કી પાયલ
ઓ છીન લૂંગી ઘટાઓ સે કાજલ
ઓ મેરા જીવન હૈ નદીયાં કી હલચલ
દિલ સે મેરે લહર ઊઠે ઠંડી પવન મેં
દિલ સે મેરે લહર ઊઠે ઠંડી પવન મેં
આજ મેં આઝાદ હૂં દુનિયા કે ચમન મેં
પંછી બનું ઊડતી ફીરું મસ્ત ગગન મેં
આજ મેં આઝાદ હૂં દુનિયા કે ચમન મેં
પંછી બનું ઊડતી ફીરું મસ્ત ગગન મેં
આજ મેં આઝાદ હૂં દુનિયા કે ચમન મેં
•••
... અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે વૈજ્ઞાનિક
હમણાં અંગ્રેજી સાપ્તાહિકમાં એક પુસ્તકનો રિવ્યુ વાંચી રહ્યો હતો. પુસ્તકનું નામ હતુંઃ હાઉ ટુ રેઈઝ એન એડલ્ટઃ બ્રેક ફ્રી ઓફ ધ ઓવરપેરન્ટીંગ ટ્રેપ એન્ડ પ્રિપેર યોર કિડ ફોર સક્સેસ. અમેરિકાની નામાંકિત યુનિવર્સિટીમાં કાઉન્સેલિંગ એક્સપર્ટ તરીકે કામગીરી કરતાં સુશ્રી જૂલી લીથકોટ-હેમ્સે આ પુસ્તક લખ્યું છે. (આ અસામાન્ય મહિલા કાયદાશાસ્ત્રના પારંગત છે અને સ્ટેનફર્ડ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાની ફ્રેશમેન કોલેજના પૂર્વ ડિન છે). પરિવારમાં નાના બાળકને ઉછેરવા આપણે સહુ ખૂબ મથામણ કરીએ છીએ, પણ આપણા દ્વારા થતો આ ‘ઉછેર’ વધુ સુયોગ્ય કેમ બને તે વિશે પણ સમય મળ્યે તેવું વિચારવું હિતકર છે. હું તો આવા લેખો કે પુસ્તકો હાથમાં આવે ત્યારે અવશ્ય વાંચું છું, અને સમય મળ્યે વાગોળું છું. આમાંથી કંઇક ઉપયોગી, હિતકર અવારનવાર આપ સહુની સમક્ષ રજૂ કરતો રહું છું એ તો આપ સહુ જાણો જ છો. વાત જ્ઞાન-માહિતીની, નિષ્ણાંતોના અભિપ્રાયોની જ ચાલી રહી છે ત્યારે ચાલો બીજો પણ એક રસપ્રદ કિસ્સો ટાંકી જ દઉં.
ઘરમાં નાની ઉંદરડી ઘૂસી આવે ત્યારે કેવું કમઠાણ સર્જાય છે તે આપણે સહુ એક યા બીજા સમયે નજરે જોઇ ચૂક્યા છીએ. માંડ એક આંગળી જેટલું કદ અને વજન તો પાશેર પણ ન હોય તેવા જીવને જોઇને ત્રણ - સાડા ત્રણ મણની કાયા ધરાવતી વ્યક્તિ કેવી ઉછળકૂદ કરી મૂકતી હોય છે?! કોણ કોનાથી ડરે છે ને કોણ કોનાથી ભાગે છે તે જ ન સમજાય. પણ જો હું તમને કહું કે ઉંદરને પણ સ્વપ્નાં હોય છે તો? તમે કદાચ કહેશો કે આ શું ટાઢાપ્હોરના ગપ્પા હાંકવાનું શરૂ કર્યું છે. બકવાસ બંધ કરો અને કંઇક જાણવા જેવી વાત કરો.
પણ મિત્રો, તમને જાણીને નવાઇ લાગશે કે દુનિયાભરમાં શિક્ષણ ક્ષેત્રે જેના નામના સિક્કા પડે છે તેવી યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના વિદ્વાને આ વાત કરી છે. ડો. હ્યુગો સ્ફિયર્સે એક ઓનલાઇન જર્નલમાં આ મજાનું સંશોધન પ્રકાશિત કર્યું છે. હ્યુગોભાઇ કહે છે કે ઉંદરને પણ સપનાં આવે છે. લ્યો બોલો... તમને નથી લાગતું કે માળું આ વૈજ્ઞાનિકો તો કવિ કરતાં પણ ડગલું આગળ નીકળી ગયા. કવિ માટે તો એવું કહેવાયું છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. હવે આપણે એવું કહેવું પડશે - જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે વૈજ્ઞાનિક. (પંકજ વોરા, યોગેશ પટેલ, મૃગાંક શાહ માફ કરે!) આ વૈજ્ઞાનિકો પણ અવનવા સંશોધનો કરીને આપણી જ્ઞાનસંપદામાં વધારો કરતાં રહે છે.
ખેર, હ્યુગો સ્ફિયર્સે એક એક્સપેરિમેન્ટ કર્યો હતો - જ્યારે ઉંદર ઊંઘમાં હોય છે ત્યારે તેના સુષુપ્ત મગજમાં શું ચાલતું હોય છે તે જાણવાનો આ પ્રયોગ હતો. તેમને આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઉંદરના સુષુપ્ત મગજમાં પણ એવા વિચાર ચાલતા હોય છે કે પોતે જાગશે ત્યારે ખાવાનું મેળવવા માટે ખાંખાંખોળા કરવા પડશે અને ક્યાં અને કઇ જગ્યાએ ખાંખાંખોળા કરશે તો તેનો ઇરાદો પાર પડશે!
વાચક મિત્રો, આપનામાંથી કદાચ કોઇના મનમાં પ્રશ્ન ઉઠશે કે આવા બધા શોધ-સંશોધનનો કોઇ અર્થ ખરો? શા માટે તેઓ આવા સંશોધન કર્યા કરે છે? આવા પ્રશ્નના જવાબમાં એટલું જ કહી શકાય કે વિજ્ઞાન એવું ક્ષેત્ર છે જ્યાં વિચારને સીમાડા નડતા નથી ને કલ્પનાને લગામ હોતી નથી. એક નાની અમસ્તી શોધ ભવિષ્યની વિરાટ સફળતા માટેના દ્વાર ખોલી નાખતી હોય છે. હ્યુગો સ્ફિયર્સને પણ કોઇએ - તેના સંશોધન અભ્યાસની તાર્કિક્તા વિશે - પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમનો જવાબ પણ કંઇક આવો જ હતોઃ આજે વિમાન ટેક્નોલોજીનો ઉદ્યોગ બિલિયન, નહીં ટ્રિલિયન ડોલર્સનો બિઝનેસ છે. આજથી લગભગ સવાસો વર્ષ પૂર્વે માણસને પણ પાંખો આવી. વિમાનની શોધ થઇ ત્યારે પણ કોઇએ વિચાર્યું હશેને... આનો ફાયદો શું?! પણ આજે આપણે જોઇએ છીએ આ ઉદ્યોગ વિમાનોના ઉત્પાદનથી માંડીને તેનું મેઇટેનન્સ, પ્રવાસીઓની સુવિધા, અનેક એરલાઇન્સથી માંડીને ટ્રાવેલ એજન્સીઓ, કેટરીંગ વગેરે ક્ષેત્ર દુનિયાભરમાં કરોડો લોકોને રોજગારી પૂરાં પાડે છે. એક સમયે આકાશમાં ઉડવાની કલ્પના પણ થઇ શક્તી નહોતી, આજે વિમાની કંપનીના સંશોધકો કલાકના ૪૦૦૦ માઇલની ઝડપે ઊડી શકે તેવું અલ્ટ્રા સુપરસોનિક (અવાજ કરતાં પણ વધુ ઝડપી) વિમાન વિકસાવવાના કામે લાગ્યા છે. અમેરિકામાં તો આ ક્ષેત્રે અબજો ડોલરના મૂડીરોકાણનું આયોજન પણ થઇ રહ્યું છે. હવે તમે કદાચ આ અલ્ટ્રા સુપરસોનિક વિમાનની વાત સાંભળીને કહેશો કે તો પછી સી.બી., હવે અમદાવાદ-લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઇટની જફાબાજી બંધ કરોને... ઘરેથી નીકળ્યાને કલાકમાં હિથ્રો એરપોર્ટ. ત્યાંથી કલાકમાં અમદાવાદ. અને પછીના કલાકમાં તો સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મણિનગરના ઘરે પહોંચીને ગાંઠિયા-ખમણની જયાફત ઉડાવતા હશું. આવું વિચારતા મિત્રોને હાલ પૂરતાં તો મુબારકબાદી અને શુભકામનાઓ.
હું ફરી એકવાર સહેજ ડાયવર્ઝન કરવા માંગુ છું. મનુષ્યે કંઇ યુગો પૂર્વે કંદરા, ગુફામાંથી બહાર નીકળીને પર્વતો પરથી નીચે ઉતરી કેટલી લાંબી મજલ કાપી છે. તેણે ખાણીપીણી, રહેણીકરણી, જીવનશૈલી એવા તે કેળવ્યા છે કે ઓ’લી આદમ-ઇવની બેલડી ફરી પૃથ્વી પર ઉતરી આવે તો આ બધું જોઇને મૂંઝાઇ જ જાય. તેને ય થઇ જાય કે જૂઓ તો ખરા મારા વાલીડાં કેવા બદલાઇ ગયા છે.
ખેર, બીજું પણ એક વિજ્ઞાન છે.... દરેક વ્યક્તિએ જીવનમાં આક્રમક વલણ અપનાવવું જ રહ્યું. જરા ઉભા રહો... હું અહીં બીજા લોકો સામેના આક્રમક વલણની નહીં, પણ પોતાની જાત સામેના જ આક્રમક વલણની આ વાત કરું છું. તમે માર્ક કરજો - માણસના વિચાર, વાણી અને વર્તન જ કેટલીકવાર મુશ્કેલી નોતરતા હોય છે. આથી દરેક વ્યક્તિએ પોતાના વિચાર, વાણી અને વર્તનને અંકુશમાં રાખવા જોઇએ. અને આવા સ્વનિયંત્રણ માટે જરૂર પડ્યે આક્રમક વલણ અપનાવતા પણ ખચકાવું જોઇએ નહીં.
ફાસ્ટ કારમાં સારી બ્રેકીંગ સિસ્ટમ અનિવાર્ય છે તે જ નિયમ આપણી પ્રગતિને પણ લાગુ પડે છે. તમે ચોક્કસ લક્ષ્ય સ્થાને પહોંચવાના ઇરાદે પ્રગતિના પંથે પૂરપાટ આગળ ધપી રહ્યા હો અને કોઇ નબળી પળે વિચાર, વાણી કે વર્તનમાં સ્હેજ ચૂક થઇ તો? એવો ‘ગંભીર અકસ્માત’ થઇ શકે છે કે તમે નિર્ધારિત માર્ગ પરથી ફંગોળાઇ જાવ. પરંતુ જો તમારી (વિચાર, વાણી, વર્તનને અંકુશમાં રાખતી) ‘બ્રેકીંગ સિસ્ટમ’ સારી હશે, અને જો તમે - નબળી - પળો સાચવી લેશો તો નિયત મુકામે થોડાક મોડા પહોંચશો, પણ પ્રવાસ અધવચ્ચે તો નહીં જ અટકી પડે. ભારતમાં તમે હાઇ-વે પર ઠેર ઠેર હોર્ડિંગ્સ વાંચ્યા હશે - દુર્ઘટના સે દેર ભલી... તેના જેવી આ વાત છે. આપણા સહુમાં સારા-નરસા પાસાંનો વિચાર કરી શકે, તેવી આંતરિક સૂઝબૂઝ, શક્તિ હોવી જ રહી.
•••
જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી
પક્ષી, પાણી, પ્રકાશ (કેટલાક કહે છે - પ્રેમને!) અને પવનને સરહદના કોઇ સીમાડા નડતા નથી. આજે સવારે, નિત્યક્રમ અનુસાર, ચાલવા ગયો ત્યારે મને બે સ્થળ વિશે વિચારવાનો અવસર સાંપડ્યો. મારા માટે વોક એ માત્ર તનની કસરત નથી, મનની પણ કસરત છે. પગલાંની હારોહાર વિચારો પણ ડગલાં ભરતાં હોય છે.
મારા ૭૮ વર્ષના જીવનમાં હું વતન ભાદરણમાં માત્ર પાંચ કે સાત વર્ષ જ રહ્યો છું - શાળાજીવનમાં. બીજા બે-ત્રણ વર્ષ પરચુરણના ઉમેરી દો. બધું મળીને દસકો પણ માંડ થાય. ગામમાં ઘર નથી, અને સીમમાં ખેતર પણ નહીં. હા, ભાદરણનું મહાકાળેશ્વર મંદિર અવશ્ય મારા જીવનનું મહત્ત્વનું કેન્દ્રબિંદુ રહ્યું છે. મંદિરને લગોલગ આવેલું સ્મશાન પણ મારા માટે મંદિર જેટલું જ પવિત્ર સ્થાન. ગુજરાત પ્રવાસ વેળા આ બન્ને સ્થળોની ‘યાત્રા’ અવશ્ય હોય. મનગમતા સ્થળોની મુલાકાત હોય, અને પવિત્ર સ્થળોની યાત્રા હોય... ખરુંને?
વતનમાં ભલે મુકામ ઓછો રહ્યો, પણ આ પાંચ ફૂટ સાડા આઠ ઇંચની કાયાના બીજ ભાદરણની ભૂમિમાં રોપાયેલા છે.
મારા જીવનમાં આવું જ બીજું મૂલ્યવાન સ્થળ છે - દારે-સલામ. (ટાંઝાનિયા) ૧૯૬૦થી ૧૯૬૬ વચ્ચેના સાડા છ વર્ષ મારા માટે તો આ કર્મભૂમિમાં વૈચારિક પરિપકવતાના બની રહ્યાં. કંઇક સ્વપ્નો નિહાળ્યાં. અને કેટલાક સાકાર પણ થયાં. તે શંકર મંદિર, તે દરિયાતટ, શિશુ કુંજ, ટી. બી. શેઠ પુસ્તકાલય. બ્રિટિશ કાઉન્સિલની લાઇબ્રેરી, ઈસ્ટ ઉપાંગમાં આવેલું મારું ચારેક વર્ષનું નિવાસસ્થાન...
દારે-સલામ મુકામ વેળાના જૂના મિત્ર મનુભાઇ ઠક્કરે હમણાં જાણ કરી કે મિસિસ ભાટીયા લેસ્ટર કે અન્ય સ્થળે નિવાસ કરે છે. આ બહેનના હાથની ફૂલકાં રોટલી અને રસોઇ ચારેક વર્ષ ખાધી છે. તેઓ નાના નિવાસમાં મારા જેવા કેટલાય ‘બજરંગ’ને જમાડતા હતા. ઘર નાનું હતું, પણ તેમનું દિલ વિશાળ હતું. ઘરના સભ્ય હોઇએ તેવા હેતભાવથી સહુને ભોજન કરાવે. વાત દારે-સલામમાં મેળવેલા હેતભાવની જ નીકળી છે તો બીજી કેટલીક બ્હેનો-માતાઓને પણ યાદ કરવા જ રહ્યાં.
તે વેળા એક ફ્લેટમાં મારો મુકામ હતો. આઠ ફ્લેટના મકાનમાં રહેતી કેટલીક બહેનોએ ભાઇને સ્નેહથી ભીંજવ્યો તો કેટલીક ભાભીઓએ દિયર કે દીકરા જેવા લાડ લડાવ્યા અને ઘણાંએ માતા જેવું વ્હાલ વરસાવ્યું. આ બધાને આજે પણ હું ભૂલી શક્યો નથી - લલિતાભાભી (નટુભાઇ), જશુભાભી (રસિકભાઇ), કુસુમભાભી (મનુભાઇ), હસુબહેન (નટુભાઇ), શારદાબહેન (નંદુભાઇ), લલિતાબહેન (ચંદુભાઇ), સુશીલાબહેન (રતિલાલ) અને ભાનુબહેન (જશભાઇ)...
(કાન્તીભાઈ, રમણભાઈ, મનુભાઈ, વિઠ્ઠલભાઈ, જશભાઈ, શાન્તીભાઈ, લવજીભાઈ જેવા મિત્રો મહેરબાન હતા ને!)
તે વેળા હું કસ્ટમ ખાતામાં કારકૂનની નોકરી કરતાં કરતાં લંડન યુનિવર્સિટીમાં (એક્ષ્ટર્નલ) અભ્યાસ કરતો હતો. આ ગાળામાં એક નાનું પણ ચોટદાર સૂત્ર શીખ્યોઃ કુથલી કરે તે કરમાય. તે દી’ની ઘડી ને આજનો દિવસ... આજની તારીખે પણ હું આ સૂત્રને ચુસ્તપણે અનુસરી રહ્યો છું. ઓલ્ડ ઇઝ ગોલ્ડ જેવી વાત છે. ન તો તે સમયે મને બીજાની નિંદા-કુથલીમાં રસ હતો અને ન તો આજે છે. કોઇની પીઠ પાછળ વાત કરવાની નહીં, અને વાત કરવાની જ હોય તો ડંકે કી ચોટ પર કરવાની... કોઇની સાડીબારી રાખવાની નહીં. ટીકા કરવાની પણ પત્રકાર તરીકે મારી ફરજ તો ખરીને!
વિકાસ માટે વ્યક્તિએ પોતે જ સંઘર્ષ કરવો રહ્યો. વિનાકારણે વિટંબણા ઉભી કરવાનો માનવસ્વભાવ છે. બની શકે તો તેના નિવારણ માટે પણ સ્વઆયોજિત અભિયાન આદરવું રહ્યું.
અહ્ં બ્રહ્માસ્મી...
હું બ્રહ્મ છું... પ્રિય વાચક મિત્રો, રખે માની લેતા કે હું આવો દાવો કરી રહ્યો છું. આવો દાવો કરનારા લાખ્ખો ભોંમાં ભંડારાઇ ગયા છે, અને પોતાને ઇશ્વર ગણાવતા બચ્યા-કુચ્યા લોકોના પણ - આજે નહીં તો કાલે - આ જ હાલહવાલ નિશ્ચિત છે. શ્રદ્ધા બાબત મને અમુક-તમુક ભગવાન પૂરતો જ રસ છે એવું નથી, હું તો નિરાકાર પરમેશ્વરમાં માનું છું. આથી જ આદિ શંકરાચાર્ય રચિત પ્રાર્થનાના એક શ્લોકને રજૂ કરતાં મારી જાતને રોકી શકતો નથી.
મનોબુદ્ધયહંકાર ચિત્તાની નાહં
ન ચ શ્રોત્રજિહવે ન ચ ઘ્રાણ નેત્રે
ન ચ વ્યોમભૂમિ ન તેજો ન વાયુ
ચિદાનંદ રૂપઃ શિવોહમ્ શિવોહમ્...
અર્થાત્ (હું) મન - બુદ્ધિ - અહંકાર અને ચિત્ત નથી
કર્ણ કે જીભ નથી અને નાક કે આંખ નથી
આકાશ - પૃથ્વી - અગ્નિ - વાયુ (કે જળ) નથી
(હું) ચિત્ આનંદ (સ્વ)રૂપ શિવ છું - હું શિવ છું.
પરંતુ આ પ્રાર્થના અંતરમનમાં રમતી થઇ કઇ રીતે? તાજેતરમાં એક જૂના સજ્જન મિત્ર મળી ગયા. મિત્ર સાથે પેટભરીને ગોષ્ઠી થઇ. જૂના મિત્રો સાથે મિલન-મુલાકાતના અવસરને હું પરમાત્માની કૃપા સમજું છું. તેમની સાથેની વાતચીતમાં આ પ્રાર્થનાનો ઉલ્લેખ થયો, અને તે જ પળે મનમાં ઘંટડી વાગી કે આ પ્રસાદ વાચક મિત્રો સુધી પહોંચાડવો જ રહ્યો... અસ્તુ. (ક્રમશઃ)