વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ મહત્ત્વાકાંક્ષી યોજનાઓ લોન્ચ કરી છેઃ સ્માર્ટ સિટી મિશન, સબ કે લિયે આવાસ અને ‘અમૃત’ નામે ઓળખાવાયેલી અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન. સરકારનો દાવો માનવામાં આવે તો યોજનાઓનો આ ત્રિવેણી સંગમ દેશની ૪૦ ટકા વસ્તીની જરૂરત સંતોષશે. સ્માર્ટ સિટી મિશન તળે ૧૦૦ શહેરોને ૨૪ કલાક વીજળી-પાણી જ નહીં, ઇ-ગવર્નન્સ, શ્રેષ્ઠ શિક્ષણ, ઇકો-ફ્રેન્ડલી વાતાવરણ, વિશ્વસ્તરીય પરિવહન સગવડ જેવી અનેકવિધ સુવિધાઓ પૂરી પડાશે. સબ કે લિયે આવાસ યોજના અંતર્ગત ૨૦૨૦ સુધીમાં તમામ પરિવારોને રહેણાંક પૂરું પાડવાનું લક્ષ્ય છે અને ‘અમૃત’ના ભાગરૂપે એક લાખથી વધુ વસ્તી ધરાવતા દેશના ૫૦૦ નગરોમાં માળખાગત સુવિધાઓ સાકાર થશે. કાળક્રમે આ શહેરો પણ સ્માર્ટ સિટીમાં તબદીલ થઇ જશે. નરેન્દ્ર મોદીએ શહેરોને રહેવાલાયક અને આધુનિક સુવિધાયુક્ત બનાવવાની નવી પહેલ કરી છે. તેમણે સ્માર્ટ સિટીની વ્યાખ્યા કરતા કંઇક એવી લાગણી વ્યક્ત કરી છે કે આ શહેર એવા હશે જ્યાં નાગરિક કંઈ ઈચ્છા કરે એ પહેલાં જ તેને બધી સુવિધા મળી જશે.
મોદી સરકારનું સપનું ખરેખર કાબિલે-તારિફ છે તેની ના નહીં, પણ તેની સામેના હિમાલય જેવડા પડકારોનું શું? સૌથી મોટો મુદ્દો તો આર્થિક સ્રોતનો છે. સરકારે જાહેર કર્યું છે કે ત્રણેય યોજનાઓને સાકાર કરવા આગામી છ વર્ષમાં અંદાજે ચાર લાખ કરોડ રૂપિયાનું જંગી ભંડોળ ફાળવશે, પરંતુ ભંડોળની ફાળવણીમાં વર્ષ - પ્રતિવર્ષ સાતત્ય જળવાશે? સ્માર્ટ સિટી મિશન અને ‘અમૃત’ યોજનાની વાત છોડો, માત્ર સબ કે લિયે આવાસ યોજના માટે ત્રણ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. યોજના અંતર્ગત સરકાર બે કરોડ મકાન બનાવવા માગે છે, અને તે પણ પાંચ વર્ષમાં. સરકારનું આયોજન એવું છે કે ૨૦૨૨માં દેશ સ્વાતંત્ર્યના ૭૫ વર્ષની ઉજવણી કરે ત્યારે કોઇ પરિવાર બેઘર ન હોવો જોઇએ. વ્યક્તિ હોય કે સરકાર, ઇરાદા કે લક્ષ્યો હંમેશા આસમાનને આંબતા હોવા જોઇએ તે સાચું, પરંતુ સાથે સાથે જમીની વાસ્તવિક્તા નજરઅંદાજ થઇ શકે નહીં.
‘અમૃત’ યોજના અગાઉની યુપીએ સરકારે લાગુ કરેલી જવાહરલાલ નેહરુ શહેરી નવીનીકરણ યોજનાનું બદલાયેલું સ્વરૂપ છે. તે વેળા આ યોજના નાણાભંડોળ, માળખાકીય સુવિધાનો અભાવ સહિતના અનેક કારણોસર સફળ થઇ નહોતી. સરકાર બદલાઇ એટલે તેણે પોતાના દૃષ્ટિકોણ અનુસાર યોજનાના રંગરૂપ બદલીને તેને નવા કલેવર સાથે રજૂ કરી એ તો સમજ્યા, પરંતુ શું તેણે ભૂતકાળની નિષ્ફળતાના કારણો ચકાસ્યા છે? તેના ઉકેલ શોધ્યા છે? જો આમ નહીં થયું હોય તો યોજના કાગળ પર જ રહી જવાની, યુપીએ સરકારની જેમ જ.
એક અંદાજ પ્રમાણે આજે ભારતની ૪૦ ટકા વસ્તી શહેરોમાં વસે છે. અને ગ્રામીણ પ્રદેશના લોકો રોજી-રોટીથી માંડીને સુવિધાયુક્ત જીવનની તલાશમાં દિન-પ્રતિદિન શહેરોમાં પહોંચી રહ્યાં હોવાથી શહેરો પર વસ્તીનો બોજ વધી રહ્યો છે. સરવાળે શહેરમાં ઉપલબ્ધ સુવિધાઓ અને સંસાધનો લોકોની જરૂરતો સંતોષવામાં ટૂંકા પડી રહ્યા છે. વીજળી, પાણીની અછત સર્જાય છે. ઝૂંપડપટ્ટીઓ વિસ્તરે છે અને સફાઇ-સ્વચ્છતાના પ્રશ્નો ઊભા થાય છે. સરકારે તેની યોજનાઓ સફળ બનાવવી હશે તો આ બધા મુદ્દાનો હલ પહેલાં શોધવો પડશે.
આ ઉપરાંત યોજનાઓનું અમલીકરણ કઇ રીતે થશે તેની રૂપરેખા પણ સ્પષ્ટ નથી. જેમ કે, સબ કે લિયે આવાસ યોજનામાં બનનારા બે કરોડ મકાનો માટે જમીનની જરૂર પડશે. આ જમીનનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે કે જે તે રાજ્યોએ પણ આર્થિક જવાબદારી ઉઠાવવી પડશે તે અસ્પષ્ટ છે. વળી, જમીન-મહેસૂલની કામગીરી રાજ્યો હસ્તક હોય છે એટલે રાજ્યોનો પ્રોત્સાહક પ્રતિસાદ ન મળ્યો તો યોજના આડે વધુ એક અડચણ સર્જાશે. આવાસનિર્માણ યોજનાને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપથી અમલમાં મૂકવાનું નક્કી થયું છે. મતલબ કે જનભાગીદારીશી સાકાર થનારી આ યોજનાના લાભાર્થીએ લોન લેવી પડશે, અને ભરપાઇ પણ કરવી પડશે. આ માટે સરકારે લોકોને પૂરતી રોજગારી મળી રહે તેવી યોજનાઓનો વહેલી તકે અમલ કરાવવો પડશે.
દેશના વિવિધ રાજ્યોમાં સ્માર્ટ સિટી સાકાર કરવાની યોજના સામે પણ આવા જ પડકારો છે. જેમ કે, જુદા જુદા રાજ્યોની સાથોસાથ ગુજરાતના છ શહેરો - અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જૂનાગઢ અને ગાંધીનગરને આ યોજના માટે પસંદ કરાયા છે. આમાંથી એક ગાંધીનગરને બાદ કરો તો પાંચેય શહેરો રસ્તા કે પાણી કે વીજળી કે ગંદકી જેવા કોઇને કોઇ પ્રશ્નોથી પીડાઇ રહ્યા છે. આ તમામ શહેરોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનો વહીવટ ભાજપના હાથમાં છે અને રાજ્યનું સુકાન પણ ભાજપ સંભાળે છે, છતાં આવા પ્રશ્ન વર્ષોથી યથાતથ્ છે. સરકારી તંત્ર જાહેર જીવન સાથે જોડાયેલા આ પાયાના પ્રશ્નો પણ હલ કરી શક્યું નથી તેના પરથી અંદાજ આવે છે કે સ્માર્ટ સિટીનું સપનું સાકાર કરવું કેટલું મુશ્કેલ છે.
અને છેલ્લી સૌથી મહત્ત્વની વાત - યોજનાઓના અમલીકરણ સાથે સંકળાયેલા અધિકારીઓના દૃષ્ટિકોણની. સરકારે યોજના તો જાહેર કરી છે, પણ તેનો અમલ જેમના હાથમાં છે તેવા અધિકારીઓનો દૃષ્ટિકોણ, વિચારસરણી તેણે બદલવી પડશે. આ યોજનાઓનો અમલ જેમણે કરવાનો છે તેઓ જ હકારાત્મક નહીં હોય તો યોજનાને કાગળ પરથી આગળ વધારવી મુશ્કેલ બની જશે.
આ ત્રણેય યોજનાઓ દેશની પ્રગતિને વેગ આપવા, કરોડો ભારતવાસીઓનું જીવન બદલી નાખવા સક્ષમ છે. પરંતુ આ બધું ત્યારે જ શક્ય બનશે જો યોજનાઓનો યોગ્ય અને અસરકારક અમલ થશે...