ચીને ફરી એક વખત ભારતને પોતાના વિશ્વાસઘાતી સ્વભાવનો પરચો દેખાડ્યો છે. બન્ને દેશના વડાઓની એકબીજાના દેશોની મુલાકાત પછી એક મૈત્રીપૂર્ણ માહોલ રચાયો હતો. ભારતે ભૂતકાળના ખરાબ અનુભવોની કડવાશ ભૂલીને મિત્રતાનો હાથ લંબાવ્યો હતો, ચીની ડ્રેગનનો ડંખીલો સ્વભાવ બદલાય તેવું લાગતું નથી. ગયા સપ્તાહે ચીને યુનાઇટેડ નેશન્સ (યુએન)માં પાકિસ્તાનની તરફેણમાં મતદાન કરીને પાકિસ્તાનમાં રહીને સરહદ પાર ત્રાસવાદ ફેલાવતા ઝકી ઉર રહેમાન લખવી સામેના પગલાંને અવરોધવાનું કામ કર્યું છે. હજુ આ અહેવાલની શાહી સુકાઇ નહોતી ત્યાં એવા અહેવાલ આવ્યા કે ગયા મહિને ચીનની મિસાઇલ-સજ્જ સબમરીન ભારતીય જળસીમામાં પ્રવેશીને પાકિસ્તાનના કરાચી બંદરે પહોંચી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચીન પ્રવાસના એક જ સપ્તાહ બાદ આ ઘૂસણખોરી થઈ હતી.
ચીનના પાકિસ્તાન સાથેના સંબંધો ખુલ્લી કિતાબ છે. અલબત્ત, આ સંબંધમાં વૈચારિક સમાનતા કે રાજદ્વારી ઉષ્મા કરતાં સ્વાર્થ વધુ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યો છે. ચીન-પાકિસ્તાન સંબંધ દુશ્મનનો દુશ્મન આપણો દોસ્તના સિદ્ધાંત પર આધારિત છે તે આખી દુનિયા જાણે છે, પરંતુ ચીને યુએનમાં આતંકી લખવી વિરોધી પગલાંને અવરોધવાનું કામ કર્યું છે તે સમસ્ત વિશ્વ માટે ચિંતાનું કારણ છે.
ખુદ ચીન પણ અવારનવાર ત્રાસવાદી કૃત્યોનો ભોગ બનતું રહે છે ત્યારે આવી ત્રાસવાદી પ્રવૃત્તિઓ અને ત્રાસવાદી સંગઠનનું નેતૃત્વ કરનારને બચાવવામાં પાકિસ્તાનને સાથ આપીને તેણે ત્રાસવાદ સામેના વૈશ્વિક જંગને નબળો પાડ્યો છે. આતંકી લખવીનો મુદ્દો માત્ર ભારત સાથે સંકળાયેલો નહોતો. ચીને પાકિસ્તાન સાથેનો રાજકીય સ્વાર્થ નિભાવવા માનવીય હિતોને તો કોરાણે મૂક્યા જ, સાથોસાથ ભારતને પણ છેહ દેવાનું કામ કર્યું છે. છેલ્લા થોડાક સમયથી ભારત-ચીન દ્વિપક્ષી સંબંધો અન્યોન્યને લાભકારક બને તે રીતે વિકસી રહ્યા હતા. એશિયા ખંડના બે શક્તિશાળી દેશ સંપ સાધીને વિશ્વતખ્તે એક નવી શક્તિ તરીકે ઉભરે તેવો હકારાત્મક માહોલ સર્જાઈ રહ્યો હતો. પણ ચીનના બે કરતૂતે આ દ્વિપક્ષી સંબંધોની વિશ્વસનીયતા સામે પ્રશ્નાર્થ મૂકી દીધો છે. ભારતે આ બોધપાઠ કાયમ યાદ રાખવો રહ્યો.