એડિલેડ, તા. ૨૯ઃ જોસ હેઝલવુડે કરિયર બેસ્ટ પ્રદર્શન કરતાં ૭૦ રનમાં ઝડપેલી છ વિકેટની મદદથી ઓસ્ટ્રેલિયાએ અત્રે રમાયેલી ઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટ મેચની સાથે ત્રણ મેચની સિરીઝ પણ ૨-૦થી જીતી છે. ઓસ્ટ્રેલિયાએ ત્રીજા જ દિવસે ન્યૂ ઝીલેન્ડને હરાવીને ભવ્ય વિજય મેળવ્યો હતો. ન્યૂ ઝીલેન્ડનો બીજો દાવ ૨૦૮ રનમાં સમેટાયો હતો. જેની સામે ૧૮૭ રનના ટાર્ગેટને ઓસ્ટ્રેલિયાએ સાત વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. હેઝલવુડ મેન ઓફ ધ મેચ બન્યો હતો જ્યારે શ્રેણીમાં ત્રણ સદી વડે ૯૮.૬૬ની એવરેજથી ૫૯૨ રન નોંધાવનાર વોર્નરને મેન ઓફ ધ સિરીઝ થયો હતો.
આસાન જણાતો લક્ષ્યાંક પિન્ક બોલ દ્વારા થોડાક મુશ્કેલ બન્યો હતો અને ઓસ્ટ્રેલિયાએ ૬૬ રનના સ્કોર સુધીમાં ઓપનેર વોર્નર (૩૫), બર્ન્સ (૧૧) તથા કેપ્ટન સ્મિથ (૧૪)ની વિકેટ ગુમાવી હતી. શોન માર્શ સાથે ચોથી વિકેટ માટે ૪૯ રનની ભાગીદારી નોંધાવ્યા બાદ એડમ વોજિસ પણ ૨૮ રન બનાવીને બોલ્ટનો શિકાર બન્યો હતો. ત્યાર બાદ માર્શ બંધુ શોન તથા મિશેલે બાજી સંભાળીને છઠ્ઠી વિકેટ માટે ૪૬ રન ઉમેર્યા હતા. શોન માર્શ ૧૧૭ બોલમાં છ બાઉન્ડ્રી વડે ૪૯ રન બનાવીને આઉટ થયો હતો. મિશેલ પણ ૧૮ રન બનાવીને પેવેલિયન પરત ફરતા ઓસ્ટ્રેલિયાએ ૧૭૬ રનના સ્કોરે છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. નેવિલને (૧૦)ને આઉટ કરીને બાઉલ્ટે પોતાની પાંચમી વિકેટ ખેરવી હતી.
ટેસ્ટ ક્રિકેટમાં નવો યુગ
ઓસ્ટ્રેલિયામાં અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે એડિલેડ ખાતે પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ સાથે માત્ર દિવસના જ ટેસ્ટ મેચ રમવાની પરંપરા તૂટી છે. આ જ રીતે પહેલી જ વખત સત્તાવાર ઉપયોગમાં લેવાયેલો પિંક બોલ પણ પ્રેક્ષકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ સધરલેન્ડે જણાવ્યું હતું કે રમતને વધારે મનોરંજક બનાવતી તે અમે સારી રીતે જાણીએ છીએ. અમારે કશુંક નવું કરવાની જરૂર હતી.