છેલ્લા કેટલાક દસકાઓથી દુનિયામાં જળવાયુ પરિવર્તન (ગ્લોબલ વોર્મિંગ) એક એવો સળગતો મુદ્દો રહ્યો છે, જેના પર વૈશ્વિક સંમેલનો, સમજૂતી-કરારો અને ચર્ચાઓના દોર તો અનેક યોજાયા છે, પણ નક્કર પરિણામોની રાહ આજે પણ કાગના ડોળે જોવાઇ રહી છે. ૧૯૭૯માં જિનિવાથી શરૂ થયેલો ક્લાઇમેટ કોન્ફરન્સનો સિલસિલો આજે ફ્રાન્સના પેરિસ સુધી પહોંચ્યો છે. સોમવારથી શરૂ થયેલા અને ૧૨ દિવસ સુધી ચાલનારા સંમેલનમાં ફરી એક વખત ૧૯૦ દેશો ગ્લોબલ વોર્મિંગના વધારાને ૨ ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખવાના લક્ષ્ય સાથે કામે લાગ્યા છે. કારણ? નિષ્ણાતો જાણે છે કે ઉષ્ણતામાનમાં માત્ર બે ડિગ્રીનો વધારો વિશ્વમાં દુષ્કાળ, પૂર, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવી કુદરતી આફતોનો ઝંઝાવાત સર્જી શકે છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના તારણ અનુસાર વિશ્વ હવે તે દોરમાં પ્રવેશ્યું છે, જેમાં તેણે જળવાયુ પરિવર્તનના ગંભીર ખતરાનો સામનો કરવો પડશે. ચિંતા વધી છે. ૧૫૦ વર્ષ પૂર્વે ઔદ્યોગિક ક્રાંતિના મંડાણ થયા ત્યારથી અત્યાર સુધીમાં આ ધરતી પરના સૌથી વધુ ગરમ રહેલા ૧૫ વર્ષોની યાદી તૈયાર કરતાં જણાય છે કે આમાંથી ૧૪ વર્ષ તો ૨૧મી સદીના છે. મતલબ કે વર્ષ ૨૦૦૦ બાદ ઔદ્યોગિક ક્રાંતિની સૌથી વધુ આડઅસર જોવા મળી છે. આમાં પણ ૨૦૧૫નું ચાલુ વર્ષ તો સૌથી વધુ ગરમ રહ્યું છે. જો આ જ રફતાર ચાલુ રહી તો સન ૨૧૦૦ સુધીમાં ગરમીનો પારો ૪.૫ ડિગ્રી સેલ્સિયસ વધી જવાનો ખતરો મંડરાય રહ્યો છે. પર્યાવરણવિદો આના દુષ્પરિણામોની કલ્પના કરતાં પણ થથરી જાય છે. જળવાયુ ક્ષેત્રે ચિંતાજનક હદે પરિવર્તન આવી રહ્યું હોવા છતાં સૌથી સમસ્યા એ છે કે વિકસિત દેશો વિકાસશીલ દેશો ઉપર કાર્બન ઉત્સર્જન (કાર્બન એમિસન) ઘટાડવાનું દબાણ કરે છે અને વિકાસશીલ દેશો વિકાસ માટે મજબૂર છે.
પૃથ્વીનું વધતું તાપમાન દુનિયાની સામે ગંભીર પડકાર બનીને ઉભર્યું છે તે સહુ કોઇ સ્વીકારતું હોવા છતાં હકીકત એ છે કે જળવાયુ પરિવર્તનની પ્રક્રિયાને અટકાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે જ ઘણા અવરોધ છે. સૌથી મોટા ઔદ્યોગિક પ્રદૂષણકર્તાઓની યાદીમાં ટોચના ક્રમે વિકસિત દેશોના નામ આવે છે. આમ છતાં પણ તેઓ ઇચ્છે છે કે અવિકસિત અથવા વિકાસશીલ દેશોના કાર્બન ઉત્સર્જનમાં કાપ મૂકાય. આનો સીધો મતલબ એ છે કે આ દેશોના ઔદ્યોગીકરણમાં કાપ મૂકાય. આ વાત વિકાસશીલ દેશો માટે સંભવ નથી. વિકસિત દેશોને પણ કાર્બન ઉત્સર્જનમાં કાપ મૂકવા માટે એ જ રીતે કામ કરવું પડશે જે રીતે તેઓ વિકાસશીલ કે અવિકસિત દેશો માટે પ્રસ્તાવ મૂકી રહ્યા છે.
સરકાર અને સમાજનો એક બહોળો વર્ગ અમર્યાદિત વિકાસની એવી આંધળી દોટમાં સામેલ થઇ ગયો છે, જેનો અંત બેહદ નિરાશાજનક છે. વધી રહેલા તાપમાનના કારણે સમગ્ર મોસમનું ચક્ર બદલાઇ ગયું છે. વરસાદના દિવસો ઘટી ગયા છે. તો ઠંડા પ્રદેશોમાં ગરમી વધી છે અને ગરમ પ્રદેશોમાં ઉષ્ણતામાનનો પારો ગગડ્યો છે. આ બધાના પરિણામે દુષ્કાળ અને પૂર જેવા વિનાશકારી સંજોગો સર્જાઇ રહ્યા છે. વિકાસ પાછળની આંધળી દોટમાં પ્રકૃતિ સાથે પણ ભયંકર ચેડાં થઇ રહ્યા છે. ઉદ્યોગો અને ખાણકામ માટે જંગલો કપાઇ રહ્યા છે. નદીઓના પ્રાકૃતિક વહેણને અવરોધવામાં આવી રહ્યું છે. ઉદ્યોગો અને વાહનોમાંથી નીકળેલો ધુમાડો પર્યાવરણને પ્રદૂષિત કરી રહ્યો છે. ઔદ્યોગિક ક્ષેત્રો સાથે જોડાયેલા જંગલો અને કૃષિ ક્ષેત્રોમાં થતી ઉપજની ગુણવત્તા પર અસર દેખાવાની શરૂ થઇ ગઇ છે. જમીનમાં સલ્ફર જેવા તત્વોનું પ્રમાણ વધી રહ્યું છે, જે સરવાળે અનાજની ગુણવત્તાને વિપરિત અસર કરશે. એક નક્કી વાત છે કે પ્રકૃતિ પોતાને થયેલા નુકસાનનો અવશ્ય બદલો લેતી હોય છે. અત્યાર સુધીના ઉદાહરણો દર્શાવે છે કે આ બદલો ઘણો ખતરનાક હોય છે. કુદરતના આ કોપથી બચવાનો એક અને એકમાત્ર ઉપાય છે - પર્યાવરણનું જતન અને સંવર્ધન.