લંડનઃ બ્રિટનના નંબર વન ટેનિસ ખેલાડી એન્ડી મરેએ ડેવિસ કપ ફાઇનલના રિવર્સ સિંગલ્સ મુકાબલામાં બેલ્જિયમના ડેવિડ ગોફિને પરાજય આપીને ૭૯ વર્ષ બાદ બ્રિટનને ડેવિસ કપ ટાઇટલ જિતાડી ઇતિહાસ રચ્યો છે. બેસ્ટ ઓફ ફાઇવ મુકાબલાની ફાઇનલમાં બ્રિટને ૩-૧થી જીત મેળવી લેતાં અંતિમ મુકાબલો રદ થયો હતો.
શુક્રવારે રમાયેલા પ્રથમ સિંગલ્સ મુકાબલામાં બેલ્જિયમના ડેવિડ ગોફિને જીત મેળવી ૧-૦ની લીડ અપાવી હતી. જોકે બીજા સિંગલ મુકાબલામાં એન્ડી મરેએ રુબેન બેમેલમેન્સને હરાવી બ્રિટનને ૧-૧ની બરાબરી પર મૂકી દીધું હતું. બીજા દિવસે શનિવારે ત્રીજો મુકાબલો યોજાયો હતો. જેમાં બ્રિટનના મરે બંધુઓએ બેલ્જિયમના ડેવિડ ગોફિન અને સ્ટીવ ડાર્વિસની જોડીને ૬-૪, ૪-૬, ૬-૩, ૬-૨થી પરાજય આપી બ્રિટનને ૨-૧ની લીડ અપાવી હતી. રવિવારે રિવર્સ સિંગલ્સના પ્રથમ મુકાબલામાં એન્ડી મરેએ ડેવિડ ગોફિન સામે ૬-૩, ૭-૫, ૬-૩થી જીત મેળવીને ઇતિહાસ રચ્યો હતો. ડેવિસ કેપમાં બ્રિટને ૧૦મુ ટાઇટલ જીત્યું હતું, પરંતુ તેણે પહેલા નવમું ટાઇટલ છેક ૧૯૩૬માં મેળવ્યું હતું.