નાગપુરમાં વિજય સાથે ટેસ્ટ સિરીઝ જીતતું ભારતઃ સાઉથ આફ્રિકા નવ વર્ષે વિદેશમાં ટેસ્ટ સીરિઝ હાર્યું

Wednesday 02nd December 2015 07:04 EST
 
 

નાગપુરઃ સ્પિનર અશ્વિને કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ સ્પેલ નાખીને માત્ર ૬૬ રનમાં સાત વિકેટ ઝડપતા ભારતે અહીં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં વિશ્વની પ્રથમ ક્રમાંકિત સાઉથ આફ્રિકન ટીમને ૧૨૪ રનથી હરાવી ચાર મેચની ફ્રીડમ સિરીઝ ૨-૦થી જીતી છે.
ભારતે આ પૂર્વે ૨૦૦૪માં સાઉથ આફ્રિકા સામે બે મેચની શ્રેણી ૧-૦થી જીતી હતી. મેચમાં કુલ ૯૮ રન આપીને ૧૨ વિકેટ ઝડપનાર અશ્વિનને મેન ઓફ મેચ જાહેર થયો હતો. ભારતે આપેલા ૩૧૦ રનના ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકાનો બીજો દાવ ૧૮૫ રનમાં સમેટાયો હતો. લેગ સ્પિનર અમિત મિશ્રાએ ૫૧ રનમાં અમલા સહિત ત્રણ વિકેટ ઝડપી હતી.
કેપ્ટન કોહલીના નેતૃત્વમાં ભારતે સતત બીજી શ્રેણી જીતી છે. અગાઉ તેણે શ્રીલંકાને તેની ધરતી પર ૨-૧થી પરાજય આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે સાઉથ આફ્રિકા નવ વર્ષ બાદ પ્રથમ વખત વિદેશમાં ટેસ્ટ શ્રેણી હાર્યું છે. છેલ્લે ૨૦૦૬માં શ્રીલંકામાં તેનો શ્રેણી પરાજય થયો હતો. ભારતની ધરતી પર આ પ્રથમ ટેસ્ટ મેચ છે જેમાં એક પણ ખેલાડીએ અડધી સદી નોંધાવી નથી.
આર. અશ્વિને એક ઇનિંગ્સમાં પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપી હોય તેવો ૧૫નો બનાવ છે. તેણે ચોથી વખત એક મેચમાં ૧૦ કે તેથી વધુ વિકેટ ઝડપી છે. કેપ્ટન અમલા (૩૯) તથા ફાફ ડુ પ્લેસિસે (૩૯) સાઉથ આફ્રિકા માટે વિજયની નજીવી આશા ઊભી કરી હતી અને બંનેએ પાંચમી વિકેટ માટે ૭૨ રનની ભાગીદારી નોંધાવી હતી જે શ્રેણીમાં પ્રવાસી ટીમ તરફથી સર્વશ્રેષ્ઠ રહી હતી.
મિશ્રાએ લંચ બાદ બોલના ગાળામાં અમલા અને ડુ પ્લેસિસને પેવેલિયન પરત મોકલીને સાઉથ આફ્રિકાની રહેલી આશાને છીનવી લીધી હતી. ભારતે પોતાની ધરતી પર સાઉથ આફ્રિકાને ત્રીજી વખત ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું છે. સર્વપ્રથમ વખત ૧૯૯૬માં ત્રણ મેચની શ્રેણી ભારતે ૨-૧થી જીતી હતી.
અમલાએ ભારતના વિજયને બિરદાવતા સાઉથ આફ્રિકાના કેપ્ટન હાશિમ અમલાએ જણાવ્યું હતું કે અમારા માટે પરાજય ખૂબ ગંભીર તથા નિરાશ કરનારો હતો પરંતુ ભારત જે પ્રકારે પ્રદર્શન કર્યું તે જોતા ભારત ખરેખર વિજયનું હકદાર હતું.
એક દિવસમાં ૨૦ વિકેટ
ટેસ્ટ મેચના બીજા દિવસે બન્ને ટીમોની કુલ ૨૦ વિકેટો પડી હતી. આ સાથે ભારતમાં રમાયેલી ટેસ્ટ મેચમાં કોઈ એક દિવસે સૌથી વધારે વિકેટ પડી હોય તેવા વિક્રમની વર્તમાન નાગપુર ટેસ્ટ મેચે બરોબરી કરી હતી. બીજા દિવસે ભારત અને સાઉથ આફ્રિકાની ૧૦-૧૦ વિકેટ પડી હતી. સાઉથ આફ્રિકાએ બે વિકેટે ૧૧ના સ્કોરથી શરૂઆત કરી હતી અને તેનો પ્રથમ દાવ ૭૯માં સમેટાઈ ગયો હતો. આ પછી યજમાન ટીમ ૧૭૩માં ઓલઆઉટ થઈ હતી. દિવસના અંતે ભારતે પ્રવાસી ટીમના બીજા દાવની બે વિકેટો ઝડપી લેતાં દિવસમાં કુલ ૨૦ વિકેટ પડી હતી. અગાઉ ભારતમાં કોઈ ટેસ્ટ મેચના એક દિવસમાં ૨૦ વિકેટ પડી હોય તેવો પ્રથમ બનાવ ૨૦૦૪માં મુંબઈ ટેસ્ટમાં બન્યો હતો.


comments powered by Disqus