વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસોમાં નેપાળ યાત્રાને સૌથી સફળ ગણવામાં આવતી હતી. ગયા વર્ષે તેમના નેપાળ પ્રવાસ બાદ દ્વિપક્ષીય સંબંધોમાં નવા અધ્યાયનો આરંભ થવાના ઉજળા અણસાર હતા, પણ અફસોસ. નવું બંધારણ અમલી બન્યા બાદ નેપાળમાં આંતરિક અશાંતિનો જે માહોલ સર્જાયો છે તેના છાંટા બન્ને દેશોના સંબંધ પર પણ ઉડ્યા છે. નેપાળના નવનિયુક્ત વડા પ્રધાન કે. પી. ઓલી સહિતના નેતાઓ અને રાજકીય પક્ષો પોતાના દેશમાં વણસેલી સ્થિતિ માટે ભારત સામે આંગળી ચીંધી રહ્યા છે. ઓલીએ તો પોતાના પ્રથમ રાષ્ટ્રવ્યાપી સંબોધનમાં નેપાળના તરાઇ વિસ્તારમાં હિંસા ભડકાવવાનો ભારત ઉપર આક્ષેપ કર્યો, અને ચેતવણી પણ ઉચ્ચારી કે નેપાળના આંતરિક મામલામાં ભારતે દખલ દેવાનું ટાળવું જોઇએ. ભારત માટે આવી ભાષાનો પ્રયોગ આજ સુધી નેપાળના કોઇ વડા પ્રધાને કર્યો નહોતો.
નેપાળમાં ૨૦ સપ્ટેમ્બરથી લાગુ થયેલા નવા બંધારણમાં પોતાની ઉપેક્ષા થયાની લાગણી અનુભવતા મધેસીઓનું આંદોલન છેલ્લા બે માસથી ચાલી રહ્યું છે. હિંસક પ્રદર્શનો અને પોલીસ ગોળીબારમાં ૫૦થી વધુ આંદોલનકારીઓએ જીવ ગુમાવ્યા છે. પોલીસ ગોળીબારની તાજી ઘટનાઓમાં વધુ ચારનો ભોગ લેવાયો છે અને ડઝનેક લોકો ઈજા પામ્યા છે. આમ છતાં નેપાળ સરકારનાં અભિગમમાં બદલાવનાં કોઇ સંકેત જોવા મળતા નથી. જે દર્શાવે છે કે નેપાળ સરકાર આંદોલનકારીઓની માગણીઓ ઉપર સકારાત્મક વલણ અપનાવીને દૂરંદેશીભર્યા નિર્ણય લેવાના બદલે દમનનો રસ્તો અપનાવી રહી છે. આંદોલનકારીઓ સાથે મંત્રણના માધ્યમથી વચલો રસ્તો કાઢીને સમસ્યાનો ઉકેલ શોધવાના બદલે નેપાળનું નેતૃત્વ અશાંતિના ઓઠા તળે દેશવાસીઓમાં ભારતવિરોધી છબિ કંડારવાના કામે લાગ્યું હોય તેમ જણાય છે. જો આવું ન હોત તો નેપાળી શાસકોએ મધેસી આંદોલનના પગલે ભારતીય ટ્રકોની અવરજવર અટકી પડવાથી સર્જાયેલી ફ્યુઅલની કટોકટીનો ઉકેલ શોધવા ચીન ભણી નજર દોડાવી ન હોત. જે નેપાળ અત્યાર
સુધી માત્ર ભારતથી જ ઓઇલ પુરવઠો મંગાવતું હતું તેણે હવે ચીનથી ઓઇલ પુરવઠો મંગાવવાનો શરૂ કર્યો છે.
નેપાળની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાના આક્ષેપો ભારતે ભારપૂર્વક નકાર્યા હોવા છતાં ઓલી સરકાર જે પ્રકારે ભારત સાથે વાટાઘાટની ઉપેક્ષા કરવાની સાથોસાથ ભૌગોલિક સરહદને પણ નજરઅંદાજ કરી ચીન સાથે નવી નવી સમજૂતીઓ કરી રહી છે તે નેપાળનો ઇરાદો દર્શાવે છે. નેપાળના શાસકોએ સમજવું રહ્યું કે પોતાના તરાઈ વિસ્તારને સળગતો મૂકીને કૂટનીતિક ખેલ ખેલવાનો આ કારસો પગ પર કુહાડી જેવો પુરવાર થઇ શકે છે. ભારત સાથેના દસકાઓ જૂના સંબંધોના આધારે પણ નેપાળી નેતૃત્વને એટલું તો સમજાવું જ જોઇએ કે ભારતે ક્યારેય પાડોશી દેશની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાની નીતિ અપનાવી નથી.
ભારત માટે પણ આ રાજકીય અને કુટનીતિક કસોટીનો સમય છે. જે પ્રકારે નેપાળ તરફથી ભારત માટે દુષ્પ્રચાર થઇ રહ્યો છે તેનો મોદી સરકારે તત્પરતાથી અને અસરકારક જવાબ આપવો આવશ્યક છે. જો નેપાળનાં શાસકોને ભારત સાથેનાં સહકાર, સંબંધ, વિશ્વસનીયતા સંદર્ભે કોઈ પણ પ્રકારની શંકા-કુશંકા હોય તો તેનું સત્વરે નિવારણ કરવા પહેલ કરવી જરૂરી બને છે. જોકે આવું કરવામાં ભારતે એ બાબતનો પણ ખ્યાલ રાખવો રહ્યો કે નેપાળની કોઈ આંતરિક બાબતમાં દખલ ન થઈ જાય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આવો કોઇ સંકેત ન જાય. ભારતને બે કારણસર નેપાળ સાથેના સંબંધોમાં ઢીલાશ દાખવવી પાલવે તેમ નથી. એક તો, નેપાળ સાથેના આપણા સંબંધો અમૂલ્ય છે. અને બીજું, આ પર્વતીય દેશને પ્રભાવિત કરવા ચીન પણ એટલું જ સક્રિય અને ઉત્સુક છે.