મકાઉઃ વર્તમાન ચેમ્પિયન ભારતની સ્ટાર શટલર પી.વી. સિંધૂએ આખરે પોતાનું ફોર્મ મેળવતા મકાઉ ઓપન ગ્રાં પ્રિ ગોલ્ડ બેડમિન્ટન ટૂર્નામેન્ટ જીતી છે. તેણે ફાઇનલમાં જાપાનની મિનાત્સુ મિતાનીને હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ સાથે સિંધૂએ ટાઇટલ જીતવાની હેટ્રિક પણ નોંધાવી છે. આ ભારતીય ખેલાડી અગાઉ ૨૦૧૩ તથા ૨૦૧૪માં પણ આ ટૂર્નામેન્ટ જીતી ચૂકી છે. ફાઇનલમાં સિંધૂએ જાપાનીઝ ખેલાડીને એક કલાક છ મિનિટ સુધી દબાણમાં રાખીને ૨૧-૯, ૨૧-૨૩, ૨૧-૧૪થી પરાજય આપ્યો હતો. સિંધૂએ ૨૦૧૪માં સાઉથ કોરિયાની કિમ યો મિનને તથા ૨૦૧૩માં કેનેડાની લી મિશેલને હરાવી હતી.
પાંચમી ક્રમાંકિત સિંધૂ અને છઠ્ઠી ક્રમાંકિત મિતાની વચ્ચે આ બીજો મુકાબલો હતો અને પ્રથમ મુકાબલો જાપાનીઝ ખેલાડીના નામે રહ્યો હતો. જોકે આ વખતે સિંધૂએ હરીફ ખેલાડીને મેચ જીતવાની કોઈ તક આપી નહોતી.