બૈજિંગઃ જમૈકાની પુરુષ ટીમે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ૪X૧૦૦ મીટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. પુરુષ વિભાગમાં ઉસેન બોલ્ટે અંતિમ ૧૦૦ મીટરમાં પોતાનું પ્રભુત્વ દર્શાવતાં તમામ વિરોધી એથ્લિટોને પાછળ રાખીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. બોલ્ટ આ પહેલાં ૧૦૦ મીટર અને ૨૦૦ મીટર રેસમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો અને હવે તેણે રીલે ટીમમાં પણ ગોલ્ડ મેડલ જીતીને ગોલ્ડન હેટ્રિક મેળવી છે.
જમૈકાની ટીમમાં નેસ્ટર કાર્ટર, અસાફા પોવેલ, નિકેલ એશમેડ અને ઉસેન બોલ્ટ સામેલ હતા. જમૈકાની ટીમે ૩૭.૩૬ સેકન્ડ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યારે ચીનની ટીમ ૩૮.૦૧ સેકન્ડ સાથે બીજા નંબરે અને કેનેડાની ટીમે ૩૮.૧૩ સેકન્ડ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જમૈકાની ટીમ રીલે સ્પર્ધામાં ૨૦૦૯ બર્લિન વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપથી સતત ગોલ્ડ મેડલ જીતતી આવી છે.