કોલંબોઃ ટીમ ઇંડિયામાં લાંબા સમય બાદ પુનરાગમન કરનાર ભારતીય ઓપનર ચેતેશ્વર પુજારાએ પ્રથમ દાવમાં અણનમ ૧૪૫ રનની ઇનિંગ રમીને અનોખી સિદ્ધિ મેળવી છે. ચેતેશ્વર પૂજારા પ્રથમ દાવમાં ઓપનિંગથી શરૂઆત કર્યા બાદ ત્રીજા દિવસે ભારતની પૂરી ઇનિંગ સમેટાઈ ત્યાં સુધી અણનમ રહીને પેવેલિયન પરત ફર્યો હતો. આ સાથે જ તે, ક્રિકેટની ભાષામાં કેરિંગ ધ બેટ થ્રૂ તરીકે ઓળખાતી, સિદ્ધિ મેળવનાર ચોથો ભારતીય બેટ્સમેન બન્યો છે.
છેલ્લે ૨૦૧૧માં ભારતીય બેટ્સમેને કેરિંગ ધ બેટ થ્રૂની સિદ્ધિ હાંસલ કરી હતી. ૨૦૧૧ના ઓગસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ઓવલ ગ્રાઉન્ડમાં રાહુલ દ્રવિડે શરૂઆતથી અંત સુધી પિચ પર ટકી રહીને અણનમ ઇનિંગ રમી હતી. તેણે અણનમ ૧૪૬ રન કર્યા હતા. ચેતેશ્વર કેરિંગ ધ બેટ થ્રૂની સિદ્ધિ મેળવનાર વિશ્વનો ૪૯મો ખેલાડી બન્યો છે.
સૌથી પહેલા ૧૯૮૩માં સુનિલ ગાવસ્કરે પાકિસ્તાન સામે અણનમ ૧૨૭ રનની ઇનિંગ્સ રમીને ભારત તરફથી આ સિદ્ધિ મેળવી હતી. આ પછી ૨૦૦૮માં શ્રીલંકાના ગાલે ગ્રાઉન્ડમાં યજમાન ટીમ સામે સ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગે અણનમ ૨૦૧ રનની ઇનિંગ્સ રમી હતી. આ પછી દ્રવિડે અને હવે ચેતેશ્વરે આ સિદ્ધિ મેળવી છે.

