વિશ્વમાં જન્મ અને મૃત્યુ આરંભ અને અંતની ઘટનાઓ છે. મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પુનર્જન્મમાં માનતા જૈનો જન્મ અને મૃત્યુની પણ ઉજવણી કરે છે. માનવી જન્મ સાથે શરીર ધારણ કરે છે, જેનો ઉપયોગ મોક્ષપ્રાપ્તિ અર્થે કરાય છે અને મૃત્યુ નવું શરીર ધારણ કરવાની તક છે.
જૈનવાદમાં મૃત્યુથી ભયભીત ન થવાનો ઉપદેશ છે. સમગ્ર જીવનને પવિત્ર મૃત્યુ માટેની તૈયારી સ્વરુપ લેખવામાં આવે છે. જૈનો માટે આ ‘પવિત્ર મૃત્યુ’ સલ્લેખના (sallekhanaa) કે સંથારાની વિધિ વિશિષ્ટ છે. જ્યારે કોઈને એમ લાગે કે આધ્યાત્મિક પ્રગતિ અર્થે શરીરનો પૂર્ણ ઉપયોગ થયો છે અને આ શરીરનો વધુ ઉપયોગ રહ્યો નથી, ત્યારે જૈન શાસ્ત્રોમાં ‘પવિત્ર મૃત્યુ’ની પ્રતિજ્ઞાનો ઉલ્લેખ થયો છે. પશ્ચિમ જગતમાં અને પૂર્વમાં પણ તે આત્મહત્યાનો પ્રકાર હોવા વિશે ભારે ગેરસમજ પ્રવર્તે છે. પરંતુ જૈનો તેને આત્મહત્યા માનતા નથી કારણ કે ‘પવિત્ર મૃત્યુ’નો હેતુ આધ્યાત્મિક વિકાસનો છે અને તેમાં મક્કમ નિર્ધાર અને આધ્યાત્મિકતા આવશ્યક હોય છે. જૈનો આત્મહત્યાને મોટુ પાપ માને છે કારણ કે તેમાં માનવજીવનની હિંસા રહેલી છે.
સંપૂર્ણ સ્વૈચ્છિક કૃત્ય હોવા ઉપરાંત, અન્ય પાંચ સંજોગોમાં પણ ‘પવિત્ર મૃત્યુ’ની વિધિ અપનાવાય છેઃ
• અતિ સંકટના સંજોગો (ઉદા. શત્રુ દ્વારા બંધન અને યાતના); • ભીષણ દુકાળ (જ્યારે સ્વીકાર્ય અન્ન પ્રાપ્ત ન થઈ શકે); • અતિ વૃદ્ધાવસ્થા (શારીરિક અને માનસિક નિર્બળતા અને ધાર્મિક આચારનું પાલન અશક્ય બને); • અતિ ગંભીર બીમારી અથવા જીવલેણ ઈજા; • કુદરતી મૃત્યુ નજીક હોવાની જ્યોતિષ અને અન્ય ભવિષ્યકથનો દ્વારા આગાહીઓ.
સલ્લેખના માટે સૌપ્રથમ શરત એ છે કે આ વિધિમાંથી પાર ઉતરવાની ક્ષમતા સાધકમાં છે તેના વિશે સંત-તપસ્વી મહારાજોને સંતોષ થવો જોઈએ. બીજુ કે તેના પરિવારે સંમતિ આપી હોય. પવિત્ર મૃત્યુની વિધિ સામાન્યપણે સંત-તપસ્વીઓ દ્વારા હાથ ધરાય છે. શાસ્ત્રોમાં નિર્દિષ્ટ મર્યાદાઓના ઉલ્લંઘન કર્યા વિના જ વિધિનું પાલન કરાવું જોઈએ.
આ વિધિ ઘર, વન, પવિત્ર સ્થળ અથવા ઉપાશ્રયમાં કરી શકાય છે. આ પવિત્ર વિધિમાં નીચે મુજબના તબક્કા સંકળાયેલા છેઃ
• સાધક સૌપ્રથમ આવશ્યક પરવાનગીઓ મેળવે છે અને પ્રતિજ્ઞા લે છે. • સાધક તબક્કાવાર ઉપવાસમાં અન્ન, પ્રથમ ઘન ખોરાક, તે પછી પ્રવાહી અને છેલ્લે જળનો ત્યાગ કરે છે. • સાધક આ પછીનો સમય એકાંતવાસમાં પાપકર્મોનાં પ્રાયશ્ચિત, એકરાર, નિંદા અને પ્રમાર્જન, તમામ પાસે ક્ષમાયાચના અને તમામને ક્ષમા આપવા, ભક્તિ અને પવિત્ર ગીતોનાં પાઠ, સતત પ્રાથના, જપ, શાસ્ત્રાભ્યાસ, શરીરથી અનાસક્ત રહી ધ્યાનમગ્નતા તેમ જ પવિત્ર પ્રવૃત્તિઓના ચિંતનમાં વીતાવે છે. • સાધક દ્વારા અન્ન ઉપરાંત શારીરિક બંધનો, લાલસા અને પાપયુક્ત પ્રવૃત્તિનો ત્યાગ.
• અપેક્ષિત મૃત્યુ અગાઉ તપસ્વીઓની મુખ્ય પ્રતિજ્ઞાઓનો સ્વીકાર. • પરમેષ્ઠીઓ પ્રતિ પૂજ્યભાવ દર્શાવી તેમના આશ્રયમાં જવા સાથે નવકાર
મંત્રના મૌન જાપ કરવા કે સાંભળવા. (Jain J.1983: pp.97-99).
આ પ્રતિજ્ઞા લેવા પાછળનો સિદ્ધાંત એ છે કે વ્યક્તિ મનની સંપૂર્ણ શાતિ, સ્વસ્થતા અને ધીરજ સાથે શરીરની જરૂરિયાતોનો ત્યાગ કરે છે, જેનો હેતુ નવા કર્મોનો પ્રવાહ અટકાવવા સાથે આત્મા સાથે બંધાયેલા પૂર્વ કર્મોથી મુક્ત થવાનો છે. આ પ્રતિજ્ઞાનો ઈરાદો માત્ર આધ્યાત્મિક છે, દુન્યવી નહિ. આ પ્રતિજ્ઞા લેનાર માનવી કોઈ હિંસક અથવા વાંધાજન્ય સાધનો દ્વારા જીવનનો અંત લાવવા ઈચ્છતો નથી, પરંતુ તે કર્મના બંધનમાં મુક્ત થવા અને આધ્યાત્મિક મોક્ષ પ્રાપ્તિ ઈચ્છે છે. સલ્લેખના આત્મહત્યા નથી કારણ કે આત્મહત્યા કરનાર માનવી બાહ્ય પરિબળોનો શિકાર બને છે, જેનો તે સામનો કરી શકતો નથી. અંગત જીવનમાં નિરાશા, હતાશા લગ્નજીવન કે પ્રેમસંબંધોમાં લાગણીશીલ મનોભંગ, વેપારધંધામાં અણધાર્યા કે અસહ્ય નુકસાન, અસહ્ય રોગ, લોકનિંદા સહિત અનેક પરિબળો આત્મહત્યા માટે જવાબદાર હોય છે.
સલ્લેખના કે સમાધિમૃત્યુમાં આવા કોઈ પરિબળ કે સંજોગો હોતાં નથી. તેમાં કોઈ આત્મહિંસા નથી. તે તો પરિવાર અને તપસ્વીઓની પરવાનગી સાથે આધ્યાત્મિક અંત તરફનું પ્રયાણ છે. જૈન શાસ્ત્રોમાં આ માટેની તબક્કાવાર પ્રક્રિયાનો નિર્દેશ કરાયો છે. સલ્લેખનામાં જીવનનો ઉતાવળે અંત લવાતો નથી. ધ્યાનમગ્નતા અને ધાર્મિક વાતાવરણમાં અન્ન અને જળના ત્યાગ સાથે શાંતિપૂર્વક કુદરતી મૃત્યુની રાહ જોવાય છે. સલ્લેખના અને આત્મહત્યામાં મૃત્યુ સિવાય કોઈ બાબત સામાન્ય નથી. બન્નેના પરિબળો, હેતુ, લક્ષ્ય અને સાધનો અલગ છે. સલ્લેખના ધાર્મિક ઉત્સવનો પ્રસંગ છે, જેમાં દુઃખ કે યાતના નથી. શાંત મન અને આનંદ સાથે મૃત્યુનો સહજ સ્વીકાર છે. શરીર અને કર્મના બંધનોના પરિત્યાગની ભાવના છે.
ટૂંકમાં, સ્વૈચ્છિક મૃત્યુ વિશિષ્ટ પ્રતિજ્ઞા છે. જ્યારે વ્યક્તિને કુદરતી મૃત્યુ નજીક આવતું જણાય ત્યારે આધ્યાત્મિક ગુરુ પાસે આ પ્રતિજ્ઞા લેવાની ઈચ્છા વ્યક્ત કરે છે. તે ઉપવાસ કરે છે, અન્ન અને જળનો ત્યાગ કરે છે. આત્મજ્ઞાનને પ્રાપ્ત માનવી સહજપણે આ પ્રતિજ્ઞાને પૂર્ણ કરે છે. છેતરામણી કે ખોટી માન્યતાઓ ધરાવતી કોઈ વ્યક્તિ સ્વૈચ્છિક મૃત્યુની વિશિષ્ટ પ્રતિજ્ઞાનું પાલન કરી શકતી નથી.તેના કર્મોનો સંપૂર્ણ નાશ થતો નથી તે સ્વૈચ્છિક મૃત્યુ પ્રાપ્ત કરવા છતાં પરિણામરુપે પવિત્ર કર્મબંધનોથી બંધાય છે.