ટીમ ઇંડિયાએ ૨૨ વર્ષ પછી શ્રીલંકા સર કર્યું

Wednesday 02nd September 2015 07:02 EDT
 
 

કોલંબોઃ વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની યુવા ટીમ ઇંડિયાએ શ્રીલંકામાં ઇતિહાસ રચ્યો છે. ભારતે ૨૨ વર્ષના લાંબા અરસા બાદ શ્રીલંકાની ધરતી પર ૨-૧થી ટેસ્ટ સીરિઝ જીતી છે. મોહમ્મદ અઝહરુદીન પછી વિરાટ કોહલી બીજો ભારતીય કેપ્ટન બન્યો છે, જેણે શ્રીલંકાની ધરતી પર ભારતને ટેસ્ટ સીરિઝ જીતાડવાનું શ્રેય મેળવ્યું હોય. આ પહેલાં ભારતે ૧૯૯૩માં શ્રીલંકાની ધરતી પર ટેસ્ટ સીરિઝ જીતી હતી.

ભારતે શ્રીલંકાને મેચ જીતવા માટે ૩૮૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ ભારતીય ટીમની ખતરનાક બોલિંગ સામે શ્રીલંકન બેટ્સમેન ટકી શક્યા નહોતા. શ્રીલંકન ટીમ માત્ર ૨૬૮ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારતીય ટીમ તરફથી આર. અશ્વિને ૪, ઇશાંત શર્માએ ૩, ઉમેશ યાદવે ૨ અને મિશ્રાએ ૧ વિકેટ ઝડપી હતી.

ઉલ્લેખનીય છે કે ત્રીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં ભારતીય ટીમમાંથી ચેતેશ્વર પુજારા સિવાય કોઇ પણ બેટ્સમેને સારું પ્રદર્શન કર્યું નહોતું. તો બીજી ઇનિંગમાં પણ ભારતીય બેટ્સમેનનો દેખાવ નોંધપાત્ર નહોતો. ચોથા દિવસની રમત માટે ઉતરેલી શ્રીલંકન ટીમની શરૂઆત નબળી રહી હતી.

ભારતે શ્રીલંકાને સામે જીત માટે આપેલા ૩૮૬ રનના લક્ષ્યાંકના જવાબમાં શ્રીલંકાએ ચોથા દિવસની રમતના અંતે ૬૭ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. મેચના અંતિમ દિવસે શ્રીલંકાને જીતવા ૩૧૯ રનની જરૂર હતી જ્યારે ભારતને મેચ જીતવા માટે શ્રીલંકાની બાકીની સાત વિકેટ ખેરવવાની હતી. આમ બન્ને ટીમ માટે મેચ સાથે સીરિઝ જીતવાની સમાન તક હતી. જોકે ભારતીય બોલરોના આક્રમક પ્રદર્શન સામે શ્રીલંકન્ બેટ્સમેનોએ શરણાગતિ સ્વીકારી લેતાં ટીમ ઇંડયાના વિજયનો રસ્તો આસાન થઇ ગયો હતો.

ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં શ્રીલંકાએ પ્રથમ ટેસ્ટમાં જીત મેળવી હતી જ્યારે ભારતે બીજી ટેસ્ટ જીતતાં બંને ટીમો ૧-૧ની બરાબરી પર હતી. આમ ત્રીજી ટેસ્ટ જીતવાની સાથે જ ભારતે સિરીઝ પર પણ કબજો જમાવ્યો છે.

ભારતે પ્રથમ દાવમાં ૩૧૨ રન કર્યા હતા. આમાં ચેતેશ્વર પૂજારાના અણનમ ૧૪૫ રન મુખ્ય હતા. આના જવાબમાં શ્રીલંકાનો દાવ ૨૦૧ રનમાં જ સમેટાઇ જતાં ભારતે સરસાઇ મેળવી હતી. આ પછી ભારતનો બીજો દાવ ૨૭૪ રનમાં જ પૂરો થતાં શ્રીલંકાએ મેચ જીતવા માટે ૮૫ ઓવરમાં ૩૮૬ રન કરવાના હતા.

એક અનોખો સંયોગ

ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટમાં ભલે વરસાદનું વિઘ્ન નડ્યું હોય પરંતુ આ મેચ શરૂ થાય તે પહેલાં જ એક અનોખો સંયોગ રચાયો હતો અને તે રેકોર્ડ બુકમાં નોંધાયો હતો. ભારત તરફથી નમન ઓઝા અને શ્રીલંકા તરફથી કુશલ પરેરાએ ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં બન્ને ટીમના વિકેટકીપરે એકસાથે પદાર્પણ કર્યું હોય તેવી છેલ્લા ૧૫ વર્ષની આ પ્રથમ ઘટના હતી. ટેસ્ટ ઇતિહાસમાં આ રીતે કોઈ એક મેચમાં બન્ને વિકેટ કીપરે પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હોય તેવો આ ૧૪મો બનાવ છે. છેલ્લે આ પ્રકારનો રેકોર્ડ બાંગ્લાદેશની સર્વપ્રથમ ટેસ્ટમાં નોંધાયો હતો. ૨૦૦૦ના નવેમ્બરમાં ભારત સામેની મેચમાં બાંગ્લાદેશ તરફથી ખાલિદ મસૂદે પદાર્પણ કર્યું હતું અને તેની સામે ભારતીય વિકેટ કીપર સબા કરીમની પણ આ પ્રથમ મેચ જ હતી. ભારત માટે નમન ઓઝા ટેસ્ટમાં પદાર્પણ કરનાર ૨૮૫મો ખેલાડી બન્યો છે.


comments powered by Disqus