કાર્ડિફઃ મોઇન અલી અને કેપ્ટન મોર્ગને સદીની ભાગીદારી બાદ બોલર્સે કરેલી ચુસ્ત બોલિંગની મદદથી ઇંગ્લેન્ડે સોમવારે રમાયેલી એકમાત્ર ટ્વેન્ટી૨૦ ક્રિકેટ મેચમાં તીવ્ર રસાકસી બાદ ઓસ્ટ્રેલિયાને પાંચ રને હરાવ્યું હતું.
ઇંગ્લેન્ડે પાંચ વિકેટે ૧૮૨ રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર મહેમાન ઓસ્ટ્રેલિયા આઠ વિકેટે ૧૭૭ રન જ કરી શક્યું હતું. કપરાં લક્ષ્યાંક સામે મેદાને પડેલી ઓસ્ટ્રેલિયન ટીમ માટે કેપ્ટન સ્ટિવ સ્મિથે ૫૩ બોલમાં સાત બાઉન્ડ્રી તથા ચાર સિક્સર વડે ૯૦ રન બનાવ્યા હતા. ગ્લેન મેક્સવેલે ૪૪ રનનું યોગદાન આપવા ઉપરાંત સ્મિથ સાથે ત્રીજી વિકેટ માટે ૧૧૨ રનની ભાગીદારી નોંધાવી હતી. જોકે આ બન્નેના આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયન ટીમનો ધબડકો થયો હતો.