લંડનઃ આજકાલ લોકોની સહનશક્તિ ઘટી ગઇ છે. વધતી-ઓછી પીડા સહન કરવાના બદલે કે જીપી પાસે જઇને તબીબી સલાહ લેવાના બદલે પેઈનકિલર ગોળી ખાઇ લેવાનો હાથવગો ઉપાય અજમાવી રહ્યા છે. જોકે, આનાથી શરીર પર ઘણી આડઅસર થતી હોવાની વાતથી બહુ ઓછા લોકો વાકેફ છે. બ્રિટનમાં પેઇનકિલરના ઉપયોગની સમસ્યા માથાના દુખાવારૂપ બની રહી છે.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ દ્વારા જારી આંકડા અનુસાર દેશમાં ૨૦ લાખ લોકો પેઈનકિલરને દુરુપયોગ કરે છે. લોકો આપમેળે જ પીડાશામક દવાઓ લેતાં રહે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ન્યુરોલોજિસ્ટ્સ દ્વારા ચેતવણી અપાઇ જ છે કે આડેધડ લેવાતી પેઈનકિલર દવાઓ જ પ્રૌઢ અને નરમ સ્વાસ્થ્ય ધરાવતા લોકોને મોતને મારગે દોરી જાય છે. આ દવા સતત લેવાથી ઘણાને તેનું બંધાણ થઇ જાય છે અને સમયાંતરે તેનો ડોઝ વધતો જતો હોવાથી શરીરને બહુ નુકસાનકારક સાબિત થાય છે.