પ્રજાની નાડ પારખવામાં કોંગ્રેસ ફરી નિષ્ફળ

Wednesday 02nd September 2015 05:38 EDT
 

લોકસભાની ચૂંટણીઓમાં પક્ષનો સૌથી કરુણ રકાસ થવા છતાં કોંગ્રેસની નેતાગીરીએ તેમાંથી કોઇ ધડો લીધાનું જણાતું નથી. જો તેણે બોધપાઠ લીધો હોત તો કદાચ તેને ફરી એક વખત પરાજયનો ઘા ખમવો પડ્યો ન હોત. રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ બાદ હવે બેંગ્લૂરુ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ પક્ષનો પરાજય થયો છે. રાષ્ટ્રીય રાજકારણના દૃષ્ટિકોણથી નિહાળીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું મહત્ત્વ ભલે નહિવત્ જણાય છે, પરંતુ તેની સદંતર ઉપેક્ષા શક્ય નથી. જનજીવન સાથે જોડાયેલા પાયાના મુદ્દાઓ પર યોજાતી આ ચૂંટણીઓના આધારે મતદારોનો મિજાજનો તાગ મેળવી શકાય છે. આ દૃષ્ટિએ બેંગ્લૂરુ મહાપાલિકાની ચૂંટણીનાં પરિણામનું વિશેષ મહત્ત્વ છે. બે દસકામાં પ્રથમ વખત રાજ્યમાં શાસક પક્ષ સિવાયના પક્ષે જ્વલંત વિજય મેળવ્યો છે. ભાજપે ૨૦૧૦માં બેંગ્લૂરુ મહાપાલિકાની ચૂંટણી જીતી હતી, પરંતુ તે સમયે રાજ્યની ધૂરા તેના હાથમાં હતી. આ વેળા ભાજપે વિપક્ષમાં હોવા છતાં વિજય મેળવ્યો હોવાથી તેનું મહત્ત્વ વિશેષ ગણી શકાય. ૨૦૧૦ની સરખામણીએ ભાજપની બેઠકો ઘટી છે જરૂર, પણ આ માટે કોંગ્રેસ પોતાની પીઠ થાબડી શકે તેમ નથી.
આ પહેલાં રાજસ્થાનની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો આવ્યાં ત્યારે કોંગ્રેસી નેતાઓએ પોતાનાં પર જ પ્રશંસાના ફૂલડાં વેર્યા હતા કે જૂઓ, મુખ્ય પ્રધાન વસુંધરા રાજેના મતદાર ક્ષેત્રમાં કોંગ્રેસે વિજય મેળવ્યો છે! પરંતુ આ હરખ કરવામાં તેમણે એ હકીકતને (ઇરાદાપૂર્વક) વીસરી ગયા હતા કે આ સિવાય મોટા ભાગની બેઠકો પર પક્ષનો પરાજય થયો છે. રાજસ્થાન અગાઉ મધ્ય પ્રદેશની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ લગભગ ધોબીપછાડ પરાજય થયો હતો. તે સમયે કોંગ્રેસ પાસે એવી દલીલ હતી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્તારૂઢ પક્ષને સફળતા મળતી હોવાથી પરિણામમાં આશ્ચર્યજનક નથી. મધ્ય પ્રદેશમાં ભાજપે રાજ્યની તમામ - ૧૬ પાલિકાઓ કબ્જે કરી છે. પરાજય માટેના કોંગ્રેસના બચાવને સાચો માનીએ તો પણ એ હકીકતનો ઇન્કાર થઇ શકે તેમ નથી કે શિવરાજ સિંહ સરકારે વ્યાપમ્ કૌભાંડના હોબાળા વચ્ચે આ જીત મેળવ્યો છે.
કોંગ્રેસના નેતૃત્વે ૪૫થી વધુ માનવજિંદગી ભરખી જનાર વ્યાપમ્ કૌભાંડ તેમ જ આર્થિક ગેરરીતિના આરોપનો સામનો કરી રહેલા આઇપીએલના ભૂતપૂર્વ કમિશનર લલિત મોદીની કથિત તરફદારીના મુદ્દે સંસદથી માંડીને સડક સુધી ભાજપ પર તડાપીટ બોલાવી હતી. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજની સાથોસાથ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના મુખ્ય પ્રધાનો શિવરાજ સિંહ ચૌહાણ અને વસુંધરા રાજે સિંધિયાના રાજીનામા માગી સંસદનું ચોમાસુ સત્ર ખોરવી નાખ્યું હતું. શાસક પક્ષને ભીંસમાં લઇ શકાય તેવા એક નહીં, અનેક મુદ્દાઓ હાથમાં હોવા છતાં કોંગ્રેસની નેતાગીરી ચૂંટણીમાં ખાસ કંઇ ઉકાળી શકી નથી.
મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શરમજનક પરાજય પછી કોંગ્રેસના નેતાઓને જ્ઞાન લાધ્યું હોય તો સારું કે સુષમા સ્વરાજ, શિવરાજ સિંહ ચૌહાણ અને વસુંધરા રાજેના રાજીનામાંની માગણી બાબત જરૂર કરતાં વધુ તાણવા છતાં પણ પક્ષને કોઈ લાભ થયો નથી. ખરેખર તો કોંગ્રેસના હાઇકમાન્ડે આ પરાજયમાંથી એ વાતનો બોધપાઠ લેવાની જરૂર છે કે આમ જનતાના વિચારો કે વાસ્તવિક્તા સાથે તેની વિચારસરણીનો મેળ ખાતો નથી. બેંગ્લૂરુ મહાપાલિકાનાં પરિણામો પછી તો ખરેખર કોંગ્રેસ માટે જવાબ આપવો ભારે થઇ પડ્યો છે કે રાજ્યમાં તેની સરકાર હોવા છતાં પણ તેને વિજય કેમ મળ્યો નથી. દેશના આઇટી કેપિટલ બેંગ્લૂરુની ચૂંટણીનાં પરિણામો પછી મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ પરાજયની જવાબદારી તો સ્વીકારી છે, પરંતુ સાથોસાથ તેમણે આ પરિણામોને રાજ્ય સરકારનાં કામકાજ સામેના જનમત તરીકે સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.
કોંગ્રેસ નેતૃત્વ આવી શાહમૃગ નીતિથી પોતાનો ચહેરો ભલે બચાવી લે, પરંતુ વાસ્તવિકતાથી મોંઢું ફેરવી શકે તેમ નથી. નક્કર વાસ્તવિક્તા એ છે કે કોંગ્રેસ જનતાની રગ પારખવામાં નિષ્ફળ રહી છે. આ નિષ્ફળતાના કારણે જ તે લોકસભા ચૂંટણીઓ પછી પણ કોઈ ચૂંટણીમાં નોંધનીય વિજય હાંસલ કરવામાં નિષ્ફળ રહી છે. કોંગ્રેસ આમ પ્રજાનો વિશ્વાસ હાંસલ કરી શકી નથી.


comments powered by Disqus