ન્યૂ યોર્કઃ યુએસના કનેક્ટિક્ટ સ્ટેટમાં બેબીસિટર તરીકે કામ કરતી ગુજરાતી યુવતી કિંજલ પટેલને કોર્ટે ૧૯ માસના બાળકના મૃત્યુ માટે દોષિત ઠરાવીને ૧૪ વર્ષ કેદની સજા ફટકારી છે. કિંજલની દેખરેખ હેઠળ રહેલા બાળકનું ગયા વર્ષે મૃત્યુ નીપજ્યું હતું.
૨૯ વર્ષીય કિંજલ પટેલને ૨૬ ઓગસ્ટે ફર્સ્ટ ડિગ્રીની હત્યા બદલ દોષિત ઠેરવવામાં આવી હતી. તેણે ન્યૂ હેવનની ઉપલી કોર્ટમાં અરજી કરી હતી, જ્યાં તેને ૧૪ વર્ષ કેદની સજા કરાઇ હતી.
ગયા વર્ષે ૧૯ જાન્યુઆરીના રોજ યેલની ન્યૂ હેવન હોસ્પિટલમાં ૧૯ મહિનાના અથિયન શિવા કુમારનું મોત થયું હતું. ૧૬ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ આ બાળક બેબીસિટર કિંજલ પટેલના એપાર્ટમેન્ટમાં હતો ત્યારે તેને ઇજા થઇ હતી.
સ્ટેટના મુખ્ય તબીબી સમીક્ષકના જણાવ્યા મુજબ બાળકને ઇરાદાપૂર્વક ઇજા પહોંચાડવામાં આવી હતી, જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું. કિંજલ પટેલના વકીલ કેવિન સ્મિથે એવી દલીલ કરી હતી કે બાળકનું મોત એક અકસ્માત માત્ર હતો, બાળકને ઇજા પહોંચાડવાનો કિંજલ પટેલનો કોઇ ઇરાદો ન હતો.
જોકે પોલીસના જણાવ્યા અનુસાર, કિંજલ પટેલે રસોડામાં બાળકને જમાડતી વખતે બાળકના પગને ત્રણ વખત પછાડયો હતો અને તેનું મસ્તક ઝાટકા મારીને આગળપાછળ કર્યું હતું. આ પછી કિંજલે બાળકના મોઢા પર ધક્કો માર્યો હતો જેના કારણે જમીન પર પછડાયો હતો અને આથી તેને માથામાં ઇજા થઇ હતી.
બાળકના પિતા ૩૫ વર્ષીય શિવ કુમાર મણિ અને તેમના ૨૬ વર્ષીય પત્ની થેનમોઝી રાજેન્દ્રન્ સામે પણ તપાસ અધિકારીઓ સમક્ષ હકીકત છુપાવવા બદલ કેસ ચાલી રહ્યો છે.